મુંબઈગરાઓ સાવધાન! રવિવારે રહેશે ટ્રેનોના ધાંધિયા, ત્રણેય લાઈન પર મેગા બ્લોક, ઘરથી બહાર નીકળતા પહેલા જાણી લો…

મુંબઈઃ ક્રિસમસના વેકેશન નિમિત્તે જો તમે પણ આવતીકાલે મુંબઈ દર્શન કે શોપિંગ માટે નીકળવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે છે. રેલવે દ્વારા દર રવિવારની જેમ આવતીકાલે એટલે કે 21મી ડિસેમ્બરના કેટલાક મહત્ત્વના અભિયાંત્રિકી કામ હાથ ધરાવવાના હોવાથી ત્રણેય લાઈન પર મેગા બ્લોક હાથ આવશે. આ બ્લોકને કારણે રવિવારે રજાના દિવસે પણ ટ્રેનોના ધાંધિયા રહેશે, એટલે આ સમાચાર વાંચીને જ તમે તમારું ટ્રાવેલ પ્લાન કરજો, નહીં તો પસ્તાવાવનો વારો આવશે.
મધ્ય રેલવે પર થાણે-કલ્યાણ વચ્ચે પાંચમી-છઠ્ઠી લાઈન પર સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી મેઈન્ટેનન્સ વર્ક હાથ ધરવામાં આવશે. આ સમય દરમિયાન પાંચમી-છઠ્ઠી લાઈન પર દોડાવવામાં આવતી લાંબા અંતરની ટ્રેનોને અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. આને કારણે અપ-ડાઉન ફાસ્ટ લોકલ ટ્રેનોની અવરજવર પર અસર જોવા મળી શકે છે. આ સિવાય રવિવારના ટાઈમટેબલ અનુસાર કેટલીક ટ્રેનો રદ પણ રહેશે.
હાર્બર લાઈનની વાત કરીએ તો હાર્બર લાઈન પર સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી પનવેલ-વાશી વચ્ચે અપ-ડાઉન લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયે દરમિયાન પનવેલ-વાશી સ્ટેશન વચ્ચે ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે. આ સિવાય ટ્રાન્સ હાર્બર લાઈન પર પનવેલ-થાણે વચ્ચે અપ-ડાઉન લાઈન પર સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમય દરમિયાન થાણે-પનવેલ વચ્ચે ટ્રેન વ્યવહાર બંધ રહેશે.
પશ્ચિમ રેલવેની વાત કરીએ તો પશ્ચિમ રિલવે પર રવિવારે દિવસ દરમિયાન કોઈ બ્લોક હાથ નહીં ધરવામાં આવે, પરંતુ પશ્ચિમ રેલવે પર આજે એટલે કે શનિવારે સ્પેશિયલ નાઈટ બ્લોક હાથ ધરવામાં આવશે. પશ્ચિમ રેલવે પર શનિવારે 20મી ડિસેમ્બરથી 18મી જાન્યુઆરી સુધી મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ બ્લોક દરમિયાન પાંચમી અને છઠ્ઠી લાઈન પર રાકના 11 વાગ્યાથી વહેલી સવારે 4.30 કલાક સુધી મેગાબ્લોક રહેશે. આ બ્લોકના જ ભાગરૂપે 20મી ડિસેમ્બરથી દરરોજ રાતે 11થી વહેલી સવારે 4.30 કલાક સુધી 80 લોકલ ટ્રેનો રદ રહેશે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે આ આ કામની માહિતી ચોક્કસ શેર કરો, જેથી તેઓ કોઈ મુસીબતમાં ના ફસાય. આવા જ બીજા અને કામના સમાચાર જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
આ પણ વાંચો…જાણી લો, એક મહિના માટે આ ટ્રેન મુંબઈના બોરીવલી સ્ટેશન પર નહીં રોકાય



