Mission Lok Sabha Election: કોંગ્રેસની ‘ન્યાય યાત્રા’નું નામ બદલાયું…
6,700 કિલોમીટરની યાત્રામાં પંદર રાજ્યને આવરી લેવાની જાહેરાત
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ને હરાવવા માટે કોંગ્રેસની આગેવાની હેઠળ વિપક્ષો (I.N.D.I.A. Alliance)નું ગઠબંધન કરવામાં આવ્યા પછી કોંગ્રેસે કેન્દ્ર સરકાર વિરુદ્ધ ન્યાય યાત્રાની જાહેરાત કરી હતી. જોકે, સરકાર વિરુદ્ધ ન્યાય યાત્રા કાઢવાની જાહેરાત પછી આજે તેનું નામ બદલીને ‘ભારત જોડો ન્યાય યાત્રા’ કર્યું હતું.
આજે કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ 10 વર્ષમાં ભાજપ પોતાની કામગીરીની નિષ્ફળતાઓને છુપાવી રહ્યા હોવાનો દાવો કર્યો હતો. પાર્ટીની મીટિંગ દરમિયાન નેતાઓ અને કાર્યકર્તાઓને પાર્ટીની જીતાડવા માટેનું આહવાન કર્યું હતું. પાર્ટીની મીટિંગ પછી રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત ન્યાય યાત્રાનું નામ બદલીને ‘ભારત જોડો ન્યાય યાત્રા’ કરવામાં આવ્યું હોવાની જાહેરાત કરી હતી. નવું નામ રાખવા માટે આજની બેઠકમાં સર્વસમંતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો, એમ સત્તાવાર જણાવ્યું હતું.
બેઠક પછી કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે ભારત જોડો ન્યાય યાત્રાને રાજ્યવાર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પંદર રાજ્ય અને 6,700 કિલોમીટરનો પ્લાન તૈયાર છે. મણિપુરમાં 107, નાગાલેન્ડમાં 257 સહિત પાંચ જિલ્લાને કવર કરવામાં આવશે. આસામમાં 833 કિલોમીટર માટે આઠ દિવસની યાત્રા રહેશે. અરુણાચલ પ્રદેશમાં પંચાવન કિલોમીટરની યાત્રા માટે એક દિવસ, મેઘાલયનો એક જિલ્લો રહેશે, જ્યારે પશ્ચિમ બંગાળમાં સાત જિલ્લા સાથે 523 કિલોમીટર પાંચ દિવસની યાત્રા રહેશે.
બિહારના સાત જિલ્લામાં 424 કિલોમીટર માટે ચાર દિવસ રહેશે. 804 કિલોમીટર સાથે ઝારખંડમાં 13 જિલ્લા કવર કરવામાં આવશે. 341 કિમી માટે ઓડિશામાં ચાર દિવસમાં ચાર જિલ્લાને કવર કરવામાં આવશે. આ ઉપરાંત, છત્તીસગઢ (536 કિ.મી), ઉત્તર પ્રદેશ (1074 કિમી માટે 11 દિવસ), મધ્ય પ્રદેશ (698 કિમી માટે સાત દિવસમાં નવ જિલ્લા કવર કરવામાં આવશે), રાજસ્થાન (128 કિમી), ગુજરાત (445 કિમી માટે સાત જિલ્લા), મહારાષ્ટ્ર (480 કિમી માટે પાંચ દિવસ) એમ કુલ મલીને 67 દિવસમાં ભારત જોડો ન્યાય યાત્રા કુલ 6713 કિમીની યાત્રા રહેશે.