મહેસાણાના ઊંઝાના ગોડાઉનમાંથી 3.02 કરોડનું જીરું ચોરાયું, 5 આરોપીની ધરપકડ, બે ફરાર…

ઊંઝા: એશિયાના સૌથી મોટા ગંજ બજાર ગણાતા મહેસાણા જિલ્લાના ઊંઝામાં રૂ 3.02 કરોડના જીરાની ચોરીથી ખળભળાટ મચી ગયો હતો. 12 ડિસેમ્બર 2025થી 2 જાન્યુઆરી 2026 દરમિયાન આ ચોરીની ઘટના બની હતી. વેપારી રીતેશ શેઠ અને અરવિંદકુમાર શેઠના વેરહાઉસ નંબર 13,14 અને 15ના તાળા ખોલી તસ્કરોએ રાત્રિના અંધારામાં હજારોની સંખ્યામાં જીરાની બોરીઓ ટ્રક મારફતે સાફ કરી દીધી હતી અને તે જીરાની ચોરી કર્યા બાદ આરોપીઓએ આ જીરું ડીસા અને ઊંઝા માર્કેટમાં વેચી માર્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને ગણતરીના દિવસોમાં જ પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
58.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
જોકે આખા પ્રકરણની તપાસમાં હાલ જે તથ્યો બહાર આવ્યા તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી, કારણ કે આ હાઈ-પ્રોફાઈલ ચોરી પાછળ કોઈ સામાન્ય તસ્કરો નહીં પરંતુ હાઈકોર્ટના વકીલ, દિલ્હીના ડુપ્લીકેટ ચાવી બનાવવાના એક્સપર્ટ અને રીઢા ગુનેગારોની એક ગેંગ હોવાનું મહેસાણા પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરી લાખોની રોકડ સહિત કુલ રૂ 58.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
હાઈ-પ્રોફાઈલ ચોરીનો ભેદ ઉકેલી 5 આરોપીની ધરપકડ
મહેસાણા પોલીસે આ હાઈ-પ્રોફાઈલ ચોરીનો ભેદ ઉકેલીને 5 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જોકે, શાહનવાજ ઉર્ફે ટીપુ અને ઈમરાન જમીલ જેવા આરોપીઓ હજુ વોન્ટેડ છે. પોલીસ મુખ્ય સૂત્રધાર ઈમરાન અને શાહનવાઝને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરી રહી છે.
વકીલ ઈકરામ મેમણના ઘરેથી 30 લાખ જપ્ત
પોલીસે વકીલ ઈકરામ મેમણના ઘરેથી 30 લાખ, વજાહત ખાન પાસેથી 9.50 લાખ, સાદીક મેમણ પાસેથી 5 લાખ અને ગૌરવ પટેલ પાસેથી 50 હજાર સહિતની રોકડ રકમ રિકવર કરી છે. આ ઉપરાંત 11.50 લાખની કિંમતની 110 બોરી જીરું પણ જપ્ત કરવામાં આવ્યું છે.



