ટણક ટોળકી સાથે મેળો
મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી
હૈયે હૈયું દળાય એવી ભીડ જામી હોય. ગમે તેવું પરફ્યુમ છાંટો મેદાનની બહાર નીકળો એટલે ગામનો પરસેવાની જ ભભક આવે. રશ અવરમાં મુંબઈની ટે્રનની ભીડ જેવી ભીડ મેળામાં જોવા મળે. લોકમેળો 4-5 દિવસનો બાકી પ્રાઇવેટ આયોજનમાં એક મહિનો મેળો ચાલે.
મને યાદ છે હું નાનો હતો ત્યારે મેળામાં જવાની વાત આવતી અને જે રીતે ખુશ થતો એનું વર્ણન જ થઈ શકે તેમ નથી. અમારો સુરેન્દ્રનગરનો નાનકડો મેળો, ચાર પાંચ લાકડાની પાલખીવાળી ચકડોળ, એક સુંદર રીતે વગાડતો અને વહેંચતો પાવાવાળો, સાબુના ફીણથી ઊડતાં ફૂગ્ગા, નકલી દાઢી મૂછ અને છેલ્લે મોતનો કૂવો જોવા મળી જાય એટલે જિંદગી વસૂલ લાગવા લાગતી. એ પણ હું હતો અને આજે એ જ હું છું કે મારા લગ્ન પછી જ્યારે પણ મેળો શબ્દ સાંભળુ છું ત્યારે શરીરમાં કમકમાટી આવી જાય છે. અને જેવો પત્નીના મોઢે મેળો સાંભળ્યો કે આપોઆપ ફાટેલી ચડ્ડી અને ગંજી પહેરીને સાફ સફાઈના મૂડમાં આવી જાવ છું. એમ જ લાગે કે ઘરનો મેડો આજે ફરી સાફ કરવાનો હશે!!!
મેળો બે પ્રકારનો થાય. એક તો જેમાં તમારે સીધી લીટીમાં, સરળ પગલે, સૂચના મુજબ આગળ વધવાનું હોય અને જેનો કમાન્ડ પત્નીશ્રીના હાથમાં હોય. આ એક જ સ્થળ છે જ્યાં પત્ની તમારા કદમથી કદમ મિલાવીને ચાલે છે અને તમારી નજર પણ આજુબાજુ ન ફરે એનું ધ્યાન રાખવામાં આવે છે. આ શિસ્તબદ્ધ મેળો કહેવાય! એ કહે ત્યાં ઊભા રહેવાનું, એને ભાવે એ ખાવાનું અને એ પણ એકદમ સિસ્ટેમેટિક વે માં, એ કહે એ રાઇડમાં બેસવાનું પણ મોટી રાઇડ્સમાં હું ચક્કરનું બહાનું કરી બેસતો નથી. હું એકદમ ડાહ્યો ડમરો અને આજ્ઞાંકિત પતિ હોવાનો એને અહેસાસ કરાવું એટલે એમની મેળાની મઝા બેવડી થઈ જાય. બીજા પ્રકારના મેળાને “ટણક ટોળકી” નો મેળો કહેવામાં આવે છે. એટલે કે તોફાની દોસ્તારોની ટોળકી.એ જ મેળાનું મેદાન હોય, એ જ રાઇડ્સ હોય, એ જ ખાણીપીણી, એ જ મોતનો કૂવો હોય પણ સાથે મોતનો ગાળિયો ન હોય.
ટણક ટોળકીનો મેળો એટલે જુવાનિયાઓ (માનસિક- આ વાતને ઉંમર સાથે કોઈ નિસ્બત નથી) માથાના એક એક સફેદ વાળમાંથી જુવાની ફાટ ફાટ થતી હોય અને મેળાની નજીક પહોંચતા જ રોમાંચ સાથે રોમાન્સ ઉજાગર થાય અને શરૂઆત તો રસ્તામાં જ થઈ ગઈ હોય, વાતો થતી હોય કે તને પે'લી ગીતા યાદ છે? આઠમ સાચવી લેતી હો. કેવી ત્રાંસી નજરે જોતી?' અડવાની વાત તો બહુ જ દૂરની હતી પણ નજરના બાણ જ ભીના કરી દેતા. આમ મનથી યુવાન થતા થતા મેળામાં પ્રવેશ કરીએ પછી આડી અવળી ગતિએ આખો મેળો ખુંદવાનો. પત્ની સાથે જે ચકડોળમાં બેસવામાં ચક્કર આવતા હોય, પણ જો કોઈ સારું પાત્ર નજરમાં આવી ગયું હોય તો એ જ ચકડોળમાં ત્રણ ત્રણ ચક્કર લગાવવાના દાખલા છે! મોતના કુવામાં પત્ની સાથે ગયા હોઇએ ત્યારે વહેલા પહેલી લાઇનમાં ઊભા રહેવાની કોશિશ કરી હોય જ્યારે મિત્રો સાથે સૌથી છેલ્લે ચડવાનો આગ્રહ રાખ્યો હોય કેમ કે ક્યાં ગોઠવાવું એ નક્કી થતું હોય. સ્કૂટર કે કારને એમની રીતે કૂવામાં ફરવાની છૂટ આપી અમારી નજર અમે સ્કૂટર કે કારની સ્પીડ કરતાં વધારે ગતિએ ફેરવતા જ રહીએ. સ્કૂટર ચલાવવામાં ચાલકની ધીરજ અને હિંમત કરતા જો કોઈ મીટર આવતું હોત તો એ સમયની અમારી ધીરજ અને હિંમત વધારે જ નીકળત. જો ફેમિલી સાથે હોય અને કોઈ પંપુડું વગાડી જાય તો મગજ ફાટફાટ થયો હોય એ જ પંપુડા અમને એટલાં વહાલા લાગતા હોય. બસ બચપણના મેળામાં અને આ મેળામાં એક સામ્યતા રહી છે કે ત્યારે દાઢી મૂછ શોખથી લગાડતા અને અહિંયા લોકો ઓળખે નહીં એટલે લગાડીએ. આ વર્ષે તો આખી ટણક ટોળકીએ નિયમ લીધો છે કે ચૂનિયાને તો સાથે ન જ લઈ જવો. ચૂનિયો એટલો હોશિયાર માણસ છે કે અમારા રૂપિયે આખો મેળો માણે અને છેલ્લે હું કંઈક ખવડાવીશ એવું વચન આપ્યું હોય એટલે અમે પણ હોશે હોશે ખર્ચ કરતા જઈએ પણ ગયા વર્ષે કુલ 745 રૂપિયાનો ખર્ચ કરાવ્યા પછી ખાવાની ઉઘરાણી કરી એટલે તરત જ ગિર્દી વાળી જગ્યા તરફ આગળ વધ્યો અને એક બે બહેનોની એવી મસ્તી કરી કે બેફામ ગાળો મળી. આ પૂ થયું એટલે એમ કે ચૂનિયો હવે તો ખવડાવશે એટલે ફરી ઉઘરાણી કરતા તરત જ જવાબ આપ્યો
આટલી બધી ગાળો તો ખવડાવી, હવે ઇચ્છા હોય તો માર ખવડાવવાની આપણી તૈયારી છે.’
જો હિન્દી સંગીતકારોને નવા કંપોઝીસન ન સુઝતા હોય તો એકવાર અમારા સૌરાષ્ટ્રના મેળામાં ચક્કર મારવું. મેળાની ખાસિયત હોય છે કે બે બાજુ લાઉડ સ્પીકરના ભૂંગળામાં સામસામે ગીતોનું યુદ્ધ ચાલતું હોય કેમ કે બધાને પોતાનો માલ વેંચવો હોય એટલે શોધી શોધીને ગીતોનો મારો ચાલતો હોય. સંગીતકાર જો વચ્ચોવચ ઊભા રહી જાય તો ચારે બાજુનું મિશ્રીત સંગીત તેને નવા કંપોઝીસન ન સુઝાડે તો કહેજો. માત્ર સંગીત જ નહીં અહિંયા જાતજાતના વોઇસ ઓવર આર્ટિસ્ટ પણ મળી રહે. હિન્દીભાષી મોતના કૂવાવાળા અને ચકડોળવાળા ગુજરાતીઓને લલચાવવા માટે જે હથોડા છાપ ગુજરાતી બોલે એ વોઇસ ઓવર તો ક્યાંય સાંભળવા ન મળે. સવારથી સાંજ સુધી સતત તેમની રેકર્ડ ચાલુ હોય ત્યારે સાંજ પડ્યે ટે્રક ઘસાયા પછીનો તેમનો અવાજ માણવા લાયક હોય છે. મોતના કૂવા જોવા.. આવો આવો.. બીસ રૂપિયામાં છોકરી ગાડી ચલાવવાના.. થોડા જ સીટ બાકી.. જલ્દી કરવાના..શો ચાલુ કરવાના ટાઇમ થઇ ગયા છે. આવો આવો આવો..' તરત જ એક કડી ગીત વાગે
સુનકે તેરી પુકાર.. સંગ ચલને કો તેરે કોઈ હો ના હો તૈયાર હિંમત ના હાર’ પાછો તરત જ અવાજ આવે ચાલો ચાલો ચાલો.. બાબાએ જોયા, બાબાના બાપુજીએ જોયા. તમે રૈ ગ્યા. બીસ રૂપિયામાં મોતના કૂવા'. ગીત તો ગોખાય ગયું છે કેમ કે વર્ષોથી આ એક જ ગીત વાગે છે પણ હું ખાસ ત્યાં ઊભો રહું આ સાઉથ ઇન્ડિયન ટોનમાં બોલાતા ગુજરાતી સાંભળવા. દરેક મેળા પછી અમારે ચૂનિયાની ડોકીનો ઇલાજ કરાવવાનો જ હોય.
જો કોઈ રાઇડ્સમાં સા પાત્ર જોઈ ગયો હોય તો પાલખીની સાથોસાથ એટલી વાર ડોકા ધૂણાવ્યા હોય કે જેવો તેવો હોય તો ચક્કર આવી જાય. મેળ તો હજુ સુધી પડ્યો જ નથી પણ આદત થોડી છૂટે! અમારો ચૂનિયો ફેમિલી સાથે નીકળ્યો હોય ત્યારે તેનો છોકરો એક ફૂગ્ગા માટે આખો મેળો રડતા રડતા ફર્યો હોય પણ જો ચૂનિયો અમારી સાથે હોય અને કોઈ હસીને સામે જુએ અને સાથે જો નાનો છોકરો હોય તો ચૂનિયો પાંચથી ઓછા ફૂગ્ગા ન જ અપાવે અને પાછો બોલે પણ ખરો કે
સરસ મમ્મી જેવો જ ક્યૂટ છોકરો છે’..
આમ જુઓ તો મેળો એ સંસ્કૃતિનું પ્રતીક છે. સૌરાષ્ટ્રના મેળામાં હજુ એ છાંટ રહી છે. તરણેતરનો મેળો તો જગ વિખ્યાત છે. ભૂરિયાઓ વિદેશથી પણ માણવા આવે છે પણ આપણા હાઇ પ્રોફાઇલ કહેવાતા દેશી વિદેશીઓ મેળાનું નામ આવતા જ કહે કે `બહુ ડર્ટી હોય’. પણ જેણે ધૂળ સાથેનો સંબંધ મૂક્યો છે.એ જીવનની સાચી મઝા માણી નથી શક્યો. જેટલી અગવડતા એટલી જ મઝા તમે મેળામાં માણી શકો પણ શરત એ છે કે મહો ઉતારીને આવવું પડે. દરેક વરણને દિલ ફાડીને પ્રેમ કરવો પડે. મેળો એ મનનો મેળ છે અને મેળ હોય તો જ મન પાંચમનો મેળો માણી શકાય. ઉ