Uncategorized

આખા દેશે શિખવા જેવુંઃ મહારાષ્ટ્રમાં સૌંદાળા ગ્રામસભાએ ગામને ‘જાતિમુક્ત’ જાહેર કર્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ
મહારાષ્ટ્રના અહલ્યાનગર જિલ્લાની સૌંદાળા ગ્રામસભાએ સર્વસંમતિથી ગામને જ્ઞાતિમુક્ત જાહેર કર્યું હતું. નાતજાતના ભેદ, અસ્પૃશ્યતા અને સામાજિક અન્યાયને ડામવા માટે આ નિર્ણય લીધો હોવાનું ગ્રામસભા સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું હતું.

૫ ફેબ્રુઆરીના રોજ એક સત્તાવાર ઠરાવ મુજબ, ગ્રામ પંચાયતની એક બેઠક સરપંચની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં સભ્યોએ બંધારણમાં સમાવિષ્ટ સમાનતા, ભાઈચારો અને સામાજિક ન્યાયના સિદ્ધાંતો પર આધારિત માનવતાવાદી સામાજિક વ્યવસ્થા ગામમાં સ્થાપવા મામલે ચર્ચા કરી હતી.

ઠરાવમાં જણાવાયું હતું કે નેવાસા તાલુકાના સૌંડાળા ગામમાં જાતિ, ધર્મ, સંપ્રદાય કે વંશના આધારે કોઈ ભેદભાવ રહેશે નહીં અને બધા રહેવાસીઓને સમાન ગણવામાં આવશે.

આપણ વાચો: યોગીજીનું સનાતન બજેટ: માત્ર ધર્મનું જ નહીં, લોકોનું કલ્યાણ કરતું અંદાજપત્ર..

ગ્રામજનોએ સામૂહિક રીતે ‘મારી જાતિ – માનવ’ ની ભાવના અપનાવવાનો સંકલ્પ કર્યો હત. સરકારી સેવાઓ, પાણીના સ્ત્રોત, મંદિરો, સ્મશાનભૂમિ, શાળાઓ અને સામાજિક કાર્યક્રમો સહિત તમામ જાહેર સ્થળો અને સુવિધાઓ, ભેદભાવ વિના બધા રહેવાસીઓ માટે ખુલ્લી રહેશે, તેમ ઠરાવમાં જણાવાયું છે.

ગ્રામસભાએ એવો પણ ઠરાવ કર્યો હતો કે અસ્પૃશ્યતા, સામાજિક બહિષ્કાર અથવા સામાજિક અન્યાય તરફ દોરી જતી કોઈપણ સામગ્રી પોસ્ટ કે પ્રમોટ કરશે નહીં અને જો આ પ્રકારની પ્રવૃત્તિ થશે તો પગલાં લેવામાં આવશે.

આ પગલું ડૉ. બી. આર. આંબેડકર, મહાત્મા જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, રાજર્ષિ શાહુ મહારાજ અને મહાત્મા ગાંધીના આદર્શોથી પ્રેરિત છે, એમ પણ ઠરાવમાં જણાવાયું છે.

આપણ વાચો: પત્નીને પત્રઃ જાતપાતમાં પડવા જેવું નથી …

આ પહેલ માટે સામાજિક કાર્યકર પ્રમોદ ઝીંઝાડે દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન અને પ્રેરણાને સ્વીકારતો ઠરાવ શરદ બાબુરાવ અરાગડે દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને તેને બાબાસાહેબ મચ્છિન્દ્ર બોધક દ્વારા સર્મથન આપવામાં આવ્યું હતું. તેને રાજ્ય સરકારને નોંધ અને આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવ્યો છે.

‘જ્ઞાતિમુક્ત ગામ’ શીર્ષક ધરાવતો આ ઠરાવ જાતિ આધારિત ભેદભાવને દૂર કરવાની અને સમુદાયમાં એકતાને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. તે ગ્રામજનોને સામાજિક એકીકરણ અને જાતિને ધ્યાનમાં લીધા વિના બધા માટે સમાન વર્તન માટે સામૂહિક રીતે કામ કરવા આહવાન આપે છે.

આ પગલાનો હેતુ તમામ ગ્રામવાસીઓ વચ્ચે ભાઈચારાને મજબૂત બનાવવા, સામાજિક વિભાજન ઘટાડવા અને અન્ય ગામો માટે અનુસરવા માટે એક ઉદાહરણ સ્થાપિત કરવાનો છે,” તેમ સરપંચ અરગડેએ જણાવ્યું હતું.

જાતપાતના ભેદભાવનું ઝેર ગ્રામીણ વિસ્તારોમાં ઊંડે સુધી ફેલાયેલું છે અને અમે ઇચ્છીએ છીએ કે આ અમારા ગામ સુધી ન પહોંચે. જાતિના મુદ્દા પર સોશિયલ મીડિયા પોસ્ટની પણ તપાસ કરવામાં આવશે. અમે મળેલી ફરિયાદો પર કાર્યવાહી પણ કરીશું, તેમ સરપંચે ઉમેર્યું હતું. સૌંદાળા ગામની વસ્તી લગભગ 25,000 છે અને લોકો મુખ્યત્વે શેરડીની ખેતી અને દૂધનો વ્યવસાય ધરાવે છે.

જોકે આ પહેલીવાર નથી કે ગ્રામજનોએ સામાજિક કુરિવાજો સામે લડત આપી હોય. અગાઉ, ગામમાં વિધવાઓ સાથેના ભેદભાવપૂર્ણ રિવાજો સામે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને માતાઓ અને બહેનો વિશે અપશબ્દો વાપરવા બદલ દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

ગામમાં એક વિધવા પુનર્લગ્ન થયા છે અને અપશબ્દો વાપરવા બદલ ૧૩ લોકોને ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, એમ સરપંચે આ ઠરાવોથી થયેલા ફેરફારો પર ભાર મૂકતા જણાવ્યું હતું. આ ઠરાવોને અમલમાં મૂકવા માટે, ૨૫,૦૦૦ ની વસ્તી ધરાવતા ગામમાં અનેક સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button