કેટલીય દુર્ઘટનાઓ છતાં સેલ્ફીનો ક્રેઝ જતો નથી, જૂઓ સાતારામાં મહિલાની શું થઈ હાલત…
આજકાલ યુવાનોનો સેલ્ફી, સોશિયલ મીડિયા, ફોટોઝ અને વીડિયોનો ક્રેઝ માઝા મૂકી રહ્યો છે. સેલ્ફી, વીડિયો લેતા તેઓ પોતાની જાન પણ જોખમમાં મૂકતા અચકાતા નથી. ક્યારેક ધોધમાર વહેતા જોખમી પાણીની નજીક જઇને સેલ્ફી લે છે તો ક્યારેક પર્વતની ધાર પર જઇને સેલ્ફી લે છે, પણ આવી સેલ્ફી અને વીડિયો લેવાની ઘેલછા જીવલેણ પણ સાબિત થાય છે. આવી જ ઘટના સાતારાના બોર્ને ઘાટ પર બની હતી. પૂણેની એક યુવતી પહાડના કિનારે સેલ્ફી લેવાની હિંમત કરીને સો ફૂટ ઊંડી કોતરમાં પડી ગઈ હતી.
મહારાષ્ટ્રના સતારા જિલ્લાના ઉંગાર રોડ પર બોર્ને ઘાટ પર સેલ્ફી લેતી વખતે એક યુવતી 100 ફૂટ નીચે પડી ગઇ હતી. અહેવાલો અનુસાર, ભારે વરસાદ દરમિયાન આ વિસ્તારની મુલાકાતે આવેલી યુવતી સાથે શનિવારે આ ઘટના બની હતી. મહિલાની ઓળખ નસરીન કુરેશી તરીકે થઇ છે. તે પુણેની રહેવાસી છે.
આ ઘટના ત્યારે બની જ્યારે નસરીન તેના મિત્રો સાથે આ વિસ્તારની મુલાકાત દરમિયાન સેલ્ફી લઈ રહી હતી. આ વિસ્તારમાં ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. પહાડીની ટોચ પર સેલ્ફી લેતી વખતે નસરીન લપસી ગઈ અને તેના ફોન સાથે સેલ્ફી લેતી વખતે સો ફૂટ ઊંડી કોતરમાં પડી ગઈ હતી. જોકે, તેના સદનસીબે વચ્ચે એક ઝાડ આવ્યું હતું અને તે વધુ નીચે ગબડતા અટકી ગઇ હતી. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિકો દોડી આવ્યા હતા અને પોલીસને માહિતી આપી હતી. પોલીસે સ્થાનિક ટ્રેકર્સોને બોલાવ્યા હતા અને હોમગાર્ડ ની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું હતું. જવાનો સેફ્ટી બેલ્ટ વડે નીચે ઉતરી યુવતી પાસે પહોંચ્યા હતા. તેમણે યુવતીને સેફ્ટી બેલ્ટથી દોરડા વડે બાંધી અને ઉપર ખેંચી લીધી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
વીડિયોમાં જોવા મળે છે કે સ્થાનિક લોકો એક જાડા દોરડાને ઉપરથી નીચે ફેંકી રહ્યા છે. એક પુરુષ ખીણમાં પડી ગયેલી મહિલાને સલામત રીતે બહાર લાવવા નીચે ઉતરી રહ્યો છે. તેને જ્યારે બહાર લાવવામાં આવી ત્યારે તે પીડાથી રડી રહી હતી. મહિલાને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. જો કે, તેને ઘણી ઇજાઓ થઈ છે અને તે ગંભીર સ્થિતિમાં પણ ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે.
તાજેતરમાં નોંધાયેલી અન્ય એક દુ:ખદ ઘટનામાં, મુંબઈની રહેવાસી અને પ્રખ્યાત પ્રવાસી મીડિયા ઇન્ફ્લુએન્સર ઇન્સ્ટાગ્રામ રીલનું શૂટિંગ કરતી વખતે ખીણમાં પડી જવાથી મૃત્યુ પામી હતી. આન્વી ઈન્સ્ટાગ્રામ પર તેના ટ્રાવેલ કન્ટેન્ટ માટે જાણીતી હતી. 16 જુલાઈ, મંગળવારના રોજ તેના મિત્રો સાથે વીડિયોનું શૂટિંગ કરતી વખતે તે 350 ફૂટની ઘાટીમાં પડી ગઈ હતી. લગભગ છ કલાક બાદ આન્વીને બચાવી લેવામાં આવી હતી. પડી જવાથી તે ગંભીર રીતે ઘાયલ થઇ હતી. તેને નજીકની માનગાંવ તાલુકા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.