ગીરના તળાવમાં મોજ કરતા જોવા મળ્યાં સિંહ બાળ! વીડિયો વાયરલ

જૂનાગઢઃ જૂનાગઢનો એક જોરદાર વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અહીં જૂનાગઢના ડેડકડી રેન્જમાં સિંહના બાળનો પાણીમાં મસ્તી કરતા હોવા મળી રહ્યાં છે. સ્વાભાવિક છે કે, આવી ગરમીમાં માણસો પણ સ્વિમિંગ પુલ જવાનો પ્લાન બનાવતા હોય છે. તેવી જ રીતે જંગલમાં સિંહ પણ ઠંડક મેળવવા માટે પાણીમાં મજા કરતા હોય છે. પરંતુ સિંહ બાળના આવા વીડિયો વારંવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોતા નથી, આવું દ્રશ્ય ભાગ્યે જ જોવા મળતું હોય છે.
જૂનાગઢના ડેડકડી રેન્જમાં સિંહના બાળની પાણીમાં મસ્તી
અત્યારે જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો તેમાં એક નાના તળાવમાં સિંહ બાળ મસ્તી કરી રહ્યાં છે. એકબીજા પર પાણી ઉછાળતા પણ જોવા મળી રહ્યાં છે. એટલું જ નહીં, પરંતુ તેઓ કૂદી રહ્યા છે અને સંપૂર્ણ રીતે એકલા રમી રહ્યા છે. એક સિંહણ નજીકમાં બેઠી છે, જાણે કે તે તેના બચ્ચાઓની સંભાળ રાખતી હોવાનું લાગી રહ્યું છે. અત્યારે આ વીડિયોને સોશિયલ મીડિયામાં ખૂબ જ ફોરવર્ડ કરવામાં આવી રહ્યો છે.
કોઈ પ્રવાસીએ પોતાના મોબાઈલમાં આ નજારાને કેદ કર્યો
આ વીડિયો અંગે વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, આ વીડિયો જૂનાગઢના ડેડકડી રેન્જનો છે અને અત્યારે જ શેર કરવામાં આવ્યો હતો. અહીં પ્રવાસે આવેલા કોઈ પ્રવાસીએ પોતાના મોબાઈલમાં આ નજારાને કેદ કર્યો હતો. આવા વીડિયો વારંવાર જોવા નથી મળતા. સિંહ પરિવારનો એક સાથે ફોટો કે વીડિયો લેવો ઘણો દુર્લભ હોય છે. પરંતુ અહીં એક પ્રવાસીએ જંગલ સફારી દરમિયાન આ વીડિયો ઉતાર્યો હતો.
ગરમીથી રાહત મેળવવા માટે સિંહ બાળની તળાવમાં મસ્તી
જૂનાગઢમાં અત્યારે વરસાદ થયો છે, જેના કારણે ઠેર ઠેર તળાવોમાં વત્તે ઓછે અંશે પાણી ભરાયા છે, જેથી ગરમીથી રાહત મેળવવા માટે સિંહ બાળ તળાવમાં મસ્તી કરી રહ્યાં છે. વન વિભાગના અધિકારીએ વધુમાં કહ્યું કે, જ્યારે પ્રવાસીઓ આવા દ્રશ્યો જુએ છે ત્યારે તેઓ જંગલની સાચી સુંદરતા અને જીવનનો અનુભવ કરે છે.