કલોલમાંથી છ મહિનાના બાળકનું અપહરણ કરનારી મહિલાને પોલીસે 18 કલાકમાં ઝડપી, આ માટે કર્યું હતું અપહરણ | મુંબઈ સમાચાર
ગાંધીનગર

કલોલમાંથી છ મહિનાના બાળકનું અપહરણ કરનારી મહિલાને પોલીસે 18 કલાકમાં ઝડપી, આ માટે કર્યું હતું અપહરણ

ગાંધીનગરઃ જિલ્લાના કલોલ તાલુકાના ગામમાંથી શહેરમાં દિવાળી માટે ખરીદી કરવા આવેલા પરિવારના છ મહિનાના બાળકનું અપહરણ કરી લેવાની ઘટનાથી પંથકમાં ચકચાર મચી ગઇ હતી. અજાણી મહિલાએ વિશ્વાસ કેળવી અંતે બાળકનું અપહરણ કરી લેતા બાળકની માતાએ કલોલ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

મળતી વિગતો અનુસાર, કલોલ તાલુકાના ધનોટ ગામની સીમમાં રહેતા કલાબેન અનવરભાઈ મીર દિવાળીના તહેવારની ખરીદી માટે તેમના નણંદ સાથે કલોલ આવ્યા હતા. જ્યાં ખરીદી કર્યા બાદ બપોરે તેઓ ગામ જવા માટે નિકળ્યા હતા, ત્યારે છત્રાલ બ્રિજ નજીક લુણાસર રોડથી મેડિકલ સ્ટોર પર દવા લેવાની હોવાથી ત્યાં ગયા હતા. આ દરમિયાન સર્વિસ રોડ પરની લસ્સીની લારીએ તેમની મુલાકાત એક અજાણી મહિલા સાથે થઈ હતી. કલાબેન તેમના દીકરાના તેમના મોટા દીકરાને સાચવવાનું કહી મેડિકલ સ્ટોર ગયા હતા, જો કે જ્યારે મેડિકલ સ્ટોરથી પરત ફર્યા ત્યારે તેમનો નાનો દીકરો શાહરૂખ ત્યાં નહોતો, આથી શાહરૂખ ક્યાં છે તે અંગે પૂછતા એક અજાણી મહિલા તેને સાથે લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતુ. આથી તેમણે છત્રાલ બ્રિજની આજુબાજુ તપાસ કરી હતી પરંતુ બાળકની કોઈ ભાળ ન મળતા અંતે પોલીસ મથકે બાળકના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: ગીર સોમનાથમાં મહિલાનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ ગુજારનાર બે આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયા

જોકે, મહિલાને ગાંધીનગર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી હતી. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે સતત 18 કલાકની જહેમત બાદ આરોપી મહિલાને મેડા આદરજ પાસેથી ઝડપી પાડી હતી અને બાળકને હેમખેમ તેના માતા-પિતાને સોંપી દીધું હતું. પોલીસ તપાસમાં સંતાન પ્રાપ્તિની લાલસામાં મહિલાએ આ કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું હતું.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button