રાજકોટમાં સરકારી ભરતીની તૈયારી કરતો જૂનાગઢનો યુવક ક્રિકેટ રમ્યા બાદ મેદાનમાં ઢળી પડ્યો | મુંબઈ સમાચાર

રાજકોટમાં સરકારી ભરતીની તૈયારી કરતો જૂનાગઢનો યુવક ક્રિકેટ રમ્યા બાદ મેદાનમાં ઢળી પડ્યો

ખેડૂત પરિવારના એકના એક પુત્રનું મોત થતાં પરિવારજનો આઘાતમાં

રાજકોટઃ છેલ્લા થોડા સમયથી રાજ્યમાં ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવવાથી મોતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં રહીને સરકારી ભરતીની તૈયારી કરતો જૂનાગઢનો યુવક ક્રિકેટ રમ્યા બાદ સમરસ હોસ્ટેલના મેદાનમાં જ ઢળી પડ્યો હતો. પરિવારમાં એકનો એક પુત્રનું મૃત્યુ થવાથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

મળતી વિગત પ્રમાણે, જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના અકાળા ગીર ગામનો યુવક છ મહિનાથી રાજકોટ રહીને સરકારી ભરતીની તૈયારી કરતો હતો. શહેરમાં સમરસ હોસ્ટેલ નજીક મેદાનમાં ક્રિકેટ રમ્યા બાદ તે ઢળી પડ્યો હતો. જેને બેભાન હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો: સ્પર્ધાત્મક ભરતીની તૈયારી માટે રનિંગ કરતાં જ ઢળી પડ્યો યુવક: ત્રણ સેકન્ડમાં હાર્યો જિંદગી સામે જંગ

પોલીસ દ્વારા યુવકના પરિવારને જાણ કરતા જૂનાગઢ જિલ્લામાં રહેતા પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતા. મૃતક યુવાન તેના પરિવારનો એકનો એક દીકરો હતો, જેનું મોત નીપજતા પરિવાર શોકમગ્ન થઈ ગયા હતા. ખેડૂત પરિવારના એકના એક પુત્રનું મોત થતાં માતાએ હૈયાફાટ રૂદન કરતાં માહોલ ગમગીન બની ગયો હતો.

થોડા સમય પહેલા સુરતમાં એક યુવાનનું ક્રિકેટ રમતા હાર્ટ એટેક આવતા મેદાન પર જ મોત થયું હતું. પંજાબના ફિરોઝપુરમાં એક સ્થાનિક ક્રિકેટર હરજીત સિંહ સિક્સર માર્યા બાદ મેદાન પર જ ઢળી પડ્યો અને તેનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ પણ વાંચો: Football: હાર્ટ એટેક આવતા યુવા ફૂટબોલર મેદાનમાં ઢળી પડ્યો, ફૂટબોલ જગત શોકગ્રસ્ત

ઉલ્લેખનીય છે કે, આવી ઘટનાઓ યુવાનો અને રમતપ્રેમીઓ માટે ચિંતાનો વિષય બની છે. નિષ્ણાતોના મતે, આવા બનાવો પાછળ હૃદયની અગાઉથી અસ્તિત્વમાં રહેલી બીમારીઓ, વધુ પડતો શારીરિક શ્રમ, અને નિયમિત ચેકઅપનો અભાવ જેવા કારણો જવાબદાર હોઈ શકે છે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button