ઇસરોએ સેટેલાઈટ બ્લુબર્ડ બ્લોક-2 ને ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યો, પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી

શ્રીહરિકોટા : ઇસરોએ અમેરિકાના સૌથી મોટા કોમ્યુનિકેશન સેટેલાઈટ બ્લુબર્ડ બ્લોક-2 ને પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કર્યો છે. આ સેટેલાઈટ મોબાઇલ નેટવર્ક કનેક્ટિવિટીમાં સુધારો કરશે. આ મિશન ઇસરોને કોમર્શિયલ સેકટર મજબૂત બનાવશે. જયારે પીએમ મોદીએ આ મિશન માટે ઇસરોને શુભેચ્છા પાઠવી છે. ઇસરોએ સેટેલાઈટ બ્લુબર્ડ બ્લોક-2 ને લોન્ચ કરવા માટે તેના LVM3 રોકેટનો ઉપયોગ કર્યો. જે લોન્ચ વ્હીકલની છઠ્ઠી ઉડાન અને કોમર્શિયલ મિશન માટે ત્રીજી ઉડાન હતી. ભારતના લોન્ચ વ્હીકલને તેની ક્ષમતાઓ માટે પહેલાથી જ “બાહુબલી” ઉપનામ આપવામાં આવ્યું છે.
15 મિનિટની ઉડાન બાદ સેટેલાઈટ રોકેટથી અલગ થયો
જેમાં આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સવારે 8:55 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું. ઈસરો અનુસાર લગભગ 15 મિનિટની ઉડાન બાદ સેટેલાઈટ રોકેટથી અલગ થયો અને તેને લગભગ 520 કિલોમીટરની ઊંચાઈએ પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં સ્થાપિત થયો હતો. આ મિશન ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ અને યુનાઇટેડ સ્ટેટ્સના AST સ્પેસમોબાઇલ વચ્ચેના કોમર્શિયલ કરારનો એક હિસ્સો છે.
વડાપ્રધાન મોદીએ શુભેચ્છા પાઠવી
ઈસરોના સફળ સેટેલાઈટ લોન્ચિગ પર ખુશી વ્યક્ત કરતા વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું. તેમજ લખ્યું હતું કે ભારતના યુવાનોની શક્તિથી, આપણો અવકાશ કાર્યક્રમ વધુ આધુનિક અને અસરકારક બની રહ્યો છે. LVM3 એ વિશ્વસનીય હેવી-લિફ્ટ પ્રદર્શન દર્શાવ્યું છે. ગગનયાન જેવા ભવિષ્યના મિશન માટે પાયો નાખ્યો છે. કોમર્શિયલ લોન્ચિંગ સેવાઓનો વિસ્તાર કર્યો છે અને વૈશ્વિક ભાગીદારીને મજબૂત બનાવી છે. આ વધેલી ક્ષમતા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આવનારી પેઢીઓ માટે એક મહાન સંપત્તિ રહેશે.
બ્લુ બર્ડ 6નું વજન 6,100 કિલોગ્રામ
ઈસરોના અધ્યક્ષ ડો. વી. નારાયણે જણાવ્યું હતું કે, બ્લુ બર્ડ 6નું વજન અંદાજે 6,100 કિલોગ્રામ છે. આ આંકડો ભારતની લોન્ચિંગ ક્ષમતામાં એક મોટી છલાંગ સમાન છે. ભારતનો ‘બાહુબલી’ કહેવાતુ LVM3 રોકેટ, જેની ઊંચાઈ 43.5 મીટર અને વજન 640 ટન છે, તે અત્યંત ભારે પેલોડને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં લઈ જવા માટે સક્ષમ છે. આ મિશન ઈસરોની એન્જિનિયરિંગ શક્તિ અને વૈશ્વિક વિશ્વસનીયતાનું પ્રતીક બની રહેશે.
આ પણ વાંચો…ઈસરોએ અમેરિકાના કોમ્યુનિકેશન સેટેલાઇટ બ્લુબર્ડ બ્લોક-2 ને લોન્ચ કર્યો…



