રૂ. પાંચ કરોડનો ખર્ચ કર્યો પણ વડોદરામાં દેશનો પહેલો ક્રોકોડાઈલ પાર્ક ન બન્યો, આ છે કારણ
અમદાવાદઃ શહેરના નવલખી કંપાઉન્ડ નજીક કોર્પોરેશન અને વન ખાતા દ્વારા દેશનો પ્રથમ ક્રોકોડાઇલ પાર્ક બનાવવાનો પ્રોજેકટ વર્ષ 2008માં શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ સરકાર સાથેના સંકલનના અભાવના કારણે સમગ્ર પ્રોજેકટ અભરાઇ પર ચડી ગયો છે. નવલખી કંપાઉન્ડને અડીને આવેલી જમીન પર ક્રોકોડાઇલ પાર્ક બનાવવાની મહેસૂલ વિભાગની પણ મંજૂરી લેવામાં આવી હતી તેમ છતાં જમીનની કિંમત અંગે ઓડિટ વિભાગના વાંધાને કારણે આજે પણ વિવાદ રહેલો છે. જેના કારણે આજે મગરો વિશ્વામિત્રીના પાણીની સાથે સાથે બહાર સોસાયટી વિસ્તારમાં લટાર મારવા નીકળી પડતા શહેરીજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
સાબરમતીની જેમ રિવરફ્રન્ટ બનાવવાનું આયોજન
વડોદરા શહેરની મઘ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વરસાદ દરમિયાન મગરો નદીના પાણીની સાથે સાથે બહાર સોસાયટી વિસ્તારમાં નીકળી પડતા વિશ્વામિત્રી નદીને સાબરમતીની જેમ રિવરફ્રન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયના મેયર અને હાલના વિધાનસભાના દંડક બાળુ શુકલએ માટીના પાળા બનાવવાની શરૂઆત કરી હતી અને તે સમયે વિશ્વામિત્રીમાં મગરોની વઘુ સંખ્યા હોવાથી વિશ્વામિત્રીમાં જેસીબી અને બુલડોઝર ઉતારવામાં આવતા હોવાથી જળચર પ્રાણીને નુકસાન થતુ હતું જેથી પર્યાવરણવિદોએ વિરોધ કર્યો હતો અને સમગ્ર મામલો નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ સુધી પહોંચ્યો હતો.
નવલખી મેદાન પાછળનો વિશ્વામિત્રીના કિનારા પાસેની 60 એકર ખુલ્લી જગ્યામાં ક્રોકોડાઇલ પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રોજેકટ ધીમી ગતિએ શરૂ થયો હતો તે બાદ કમિશનર પદે એચ.એસ.
પટેલની નિયુક્તિ થઇ તેઓએ રાજમહેલની યુએલસીમાં ખુલ્લી થયેલી 60 એકર જમીન હાઉસિંગ માટે હતી પરંતુ આ જગ્યા પર ઘર બનાવવા યોગ્ય નથી તેમ કહી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરી લઇ આ જમીન પર ક્રોકોડાઇલ પાર્ક બનાવવા માટે વન ખાતાને જવાબદારી સોપવાનું નક્કી કરતા આ જમીન વન ખાતાને સોપવા અંગેની પ્રક્રિયા કરવામાં આવી હતી. ત્યારબાદ વન ખાતાએ ક્રોકોડાઇલ પાર્ક માટે ફેન્સિગ કરવા રૂ, પાંચ કરોડની માતબર રકમ ફાળવી હતી અને ફેન્સિગનું કામ શરૂ થયું હતું.
શું આ છે કારણ અધૂરા પ્રોજેક્ટ માટેનું?
કોર્પોરેશન દ્વારા આ કામગીરી અને રાજ્યના મહેસૂલ વિભાગ સુધી સમગ્ર મંજૂરી લેવામાં આવી હતી. દરમિયાનમાં ઓડિટ વિભાગ દ્વારા આ જમીન કોર્પોરેશન અને વન ખાતાને ફાળવી છે. તેના બદલામાં જમીન કિંમત લેવામાં આવી છે કે કેમ? તે અંગેનો ખુલાસો જિલ્લા કલેકટરને કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ આ ખુલાસો થયો નથી. હવે બે વિભાગ વચ્ચેના સંકલનના અભાવે ક્રોકોડાઇલ પાર્ક અભરાઇ પર ચડાવી દેવામાં આવ્યો છે.
સરકારના ધારાધોરણ મુજબ એક વિભાગમાંથી બીજા વિભાગને જમીન તબદીલ કરવાની હોય તો તે જમીનની રકમ સરકારે લેવાની હોતી નથી તેમ છતાં ઓડિટ વિભાગે જમીનની કિંમત અંગે વાંધો લીધો હોય, આ મામલે કોઈ સ્પષ્ટતા ન થતાં આજે વર્ષો પછી પણ ક્રોકોડાઇલ પાર્કના કોઈ ઠેકાણાં નથી, તેમ એક અહેવાલ જણાવે છે.