પૂર્વ આર્મી ચીફ નરવણેએ પોતાનો પક્ષ રજુ કર્યો, એકસ પર શેર કર્યું પુસ્તકનું સ્ટેટ્સ…

નવી દિલ્હી: ભારતીય સેનાના ભૂતપૂર્વ આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેની આત્મકથા “ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની” એ દેશમાં વિવાદ સર્જ્યો છે. તેની પણ હવે રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે આ મુદ્દે તેમની પ્રથમ પ્રતિક્રિયા પ્રકાશમાં આવી છે. નરવણેએ તેમના એકસ હેન્ડલ પર પોતાનો પક્ષ રજુ કર્યો છે. તેમણે એક્સ પર પેંગ્વિન ઇન્ડિયાનું એક નિવેદન શેર કર્યું છે.જેમાં કહેવામાં આવ્યું છે કે, આ પુસ્તકની વર્તમાન સ્થિતિ છે.
ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિનીના પ્રકાશન અધિકારો અમારી પાસે
ભૂતપૂર્વ આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે તેમના પુસ્તક અંગે સ્પષ્ટ કર્યું છે કે પેંગ્વિન ઇન્ડિયા પબ્લિકેશન જે કંઈ કહે છે તે જ તેમના પુસ્તકનું સ્ટેટ્સ છે. પેંગ્વિન રેન્ડમ હાઉસ ઈન્ડિયાએ આત્મકથા ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની પર એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, તાજેતરની ચર્ચા અને મીડિયા અહેવાલોને ધ્યાનમાં રાખીને પેંગ્વિન રેન્ડમ હાઉસ ઈન્ડિયા સ્પષ્ટ કરવા માંગે છે કે ભારતીય સેનાના ભૂતપૂર્વ વડા જનરલ મનોજ મુકુંદ નરવણે દ્વારા લખાયેલ પુસ્તક ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિનીના પ્રકાશન અધિકારો અમારી પાસે છે. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે પુસ્તક હજુ સુધી પ્રકાશિત થયું નથી. પુસ્તકની કોઈ નકલ – મુદ્રિત અથવા ડિજિટલ સ્વરૂપમાં – પેંગ્વિન રેન્ડમ હાઉસ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત, વિતરણ, વેચાણ અથવા અન્યથા જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવવામાં આવી નથી.
કોપીરાઈટનું ઉલ્લંઘન
આ ઉપરાંત પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, પુસ્તકની કોઈપણ નકલ, ભલે તે સંપૂર્ણ હોય કે આંશિક, પ્રિન્ટ, ડિજિટલ, પીડીએફ અથવા અન્ય કોઈપણ ફોર્મેટમાં, ઓનલાઈન કે ઓફલાઈન, કોઈપણ પ્લેટફોર્મ પર પ્રસારિત થવી એ PRHI ના કોપીરાઈટનું ઉલ્લંઘન છે અને તેને તાત્કાલિક બંધ કરવું જોઈએ.



