રિષભ પંત ગંભીર ઈજા પછી પણ રમ્યોઃ રવિવારે ઇન્ડિયા-એને જીતવાનો મોકો…

ધ્રુવ જુરેલની બન્ને દાવમાં સદી
બેંગ્લૂરુઃ ભારતનો વિકેટકીપર બૅટ્સમૅન રિષભ પંત (Rishabh Pant) ઇન્જરી-પ્રોન ખેલાડી છે અને શનિવારે તે ફરી એકવાર ઇજા પામતાં 14મી નવેમ્બરે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટ રમનાર ભારતની ટેસ્ટ ટીમ ચિંતામાં મુકાઈ ગઈ છે. જોકે તેના સુકાનમાં ઇન્ડિયા-એને રવિવારે સાઉથ આફ્રિકા-એ સામે જીતવાની બહુ સારી તક છે.
બેંગ્લૂરુ (Bengaluru)માં સાઉથ આફ્રિકા-એ સામે બીજી બિનસત્તાવાર ટેસ્ટ રમતા ઇન્ડિયા-એના કેપ્ટન પંતે બીજા દાવમાં બૅટિંગ દરમ્યાન 17 રનના તેના સ્કોર પર ઇન્જરીને લીધે રિટાયર-હર્ટ થવું પડ્યું હતું. જોકે તે થોડા સમય બાદ પાછો બૅટિંગમાં આવ્યો હતો અને 65 રનના પોતાના સ્કોર પર આઉટ થયો હતો. તેણે ચાર સિક્સર અને પાંચ ફોર ફટકારી હતી.

સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ત્સેપો મૉરેકીની બોલિંગમાં ત્રણ વખત પંતને શરીર પર તેમ જ ખાસ કરીને હેલ્મેટ પર બૉલ વાગ્યો હતો. પંત તો હજી પણ બૅટિંગ ચાલુ રાખવા માગતો હતો, પરંતુ ઇન્ડિયા-એ ટીમના કોચ ઋષિકેશ કાનિટકર અને ફિઝિયોથેરોપિસ્ટે પંતને પાછા આવી જવા દબાણ કર્યું હતું એટલે તે પાછો આવી ગયો હતો.
ચાર દિવસની આ મૅચમાં ઇન્ડિયા-એના 255 રન સામે આફ્રિકા-એ ટીમ 221 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ દાવમાં અણનમ 132 રન કરનાર વિકેટકીપર ધ્રુવ જુરેલે શનિવારે બીજા દાવમાં અણનમ 127 રન કરીને જબરદસ્ત બૅટિંગ પર્ફોર્મન્સ બતાવ્યો હતો.
ઇન્ડિયા-એ ટીમે બીજો દાવ 7/382ના સ્કોર પર ડિક્લેર કરીને સાઉથ આફ્રિકા-એ ટીમને જીતવા 417 રનનો લક્ષ્યાંક આપ્યો હતો અને બીજા દાવમાં પ્રવાસી ટીમે વિના વિકેટે પચીસ રન કર્યા હતા. રવિવારના છેલ્લા દિવસે ભારતીય ટીમને જીતવાની તક છે. બીજી રીતે કહીએ તો ઇન્ડિયા-એના બોલર મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને હર્ષ દુબેની કસોટી થશે.



