Uncategorized

ગુજરાતમાં શિક્ષકોને શ્વાન ગણવાની કામગીરી સોંપતા શૈક્ષિક મહાસંઘ મેદાને, વિરોધ પ્રદર્શનની ચીમકી

અમદાવાદ: રાજ્યની પ્રાથમિક શાળા શિક્ષકોને શ્વાન ગણવાની જવાબદારી સોંપતા હવે શૈક્ષિક મહાસંઘ મેદાને આવ્યું છે. શિક્ષણ વિભાગ હસ્તકની કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા શિક્ષકોને શ્વાન ગણવાની જવાબદારી સોંપતા શૈક્ષિક મહાસંઘે આકરો વિરોધ વ્યક્ત કર્યો હતો.

શિક્ષકોને શિક્ષણ સિવાયની કોઈપણ કામગીરી ન સોંપાવી જોઈએ અને શિક્ષકોને શ્વાન ગણવાની જો આ પ્રકારની કામગીરી મામલે સરકાર ગંભીરતા નહિ દાખવે તો શિક્ષકોએ વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી હતી.

શિક્ષકો ને શ્વાન ગણવાનો આદેશ આપતો પરિપત્ર કરાતા વિવાદ

અત્રે ઉલ્લેખનીય છે કે, જે વર્ષ 2024માં ગુજરાતમાં તલાટીઓને કૂતરા પકડવાની કામગીરી સોંપવાનો વિવાદિત આદેશ પાછો ખેંચાયો હતો. ત્યારે આ પરિપત્ર પણ પાછો ખેંચાય તેવી માંગ ઉઠી છે. આમ તો શિક્ષક વિશે એવું કહેવાય છે કે, શિક્ષક કભી સાધારણ નહિ હોતા. પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમે પલતે હૈ.

પરંતુ હાલ સ્થિતિ એવી છે કે શિક્ષકને સરકારે શિક્ષણ સિવાયની અલગ અલગ કામગીરી સોંપીને બિચારો અને બાપડો બનાવી દીધો છે. શિક્ષણ વિભાગ હસ્તકની કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા શિક્ષકો ને શ્વાન ગણવાનો આદેશ આપતો પરિપત્ર કરાતા વિવાદ થયો છે.

અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ તેનો વિરોધ કરશે

શિક્ષકોને શ્વાન ગણવાની કામગીરી સોંપતા શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ મિતેષ ભટ્ટએ જણાવ્યું હતું કે, અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘનું સ્પષ્ટ માનવું છે કે જ્યારે BLO ની કામગીરી જ્યારે સોંપવામાં આવી ત્યારે શરૂઆતમાં વર્ષમાં 3 દિવસની કામગીરી સોપવામાં આવી હતી. પછી એ ધીરે ધીરે કામગીરી વધારવામાં આવતી હોય છે.

અમારું સ્પષ્ટ માનવું છે કે, આવી શિક્ષણ સિવાયની કામગીરી શિક્ષકોને ન સોંપવામાં આવે. ભૂતકાળમાં અમે વહીવટી પંચ સમક્ષ અલગ કેડર બનાવવાની માંગ કરી છે. સરકારે પણ આ મામલે ગંભીરતાથી વિચારવું જોઈએ. જો આ પ્રકારની કામગીરી ફરજીયાત સોંપવામાં આવશે તો અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ તેનો વિરોધ કરશે.

શિક્ષકોના સન્માનને ઠેસ પહોંચે છે

બીજી તરફ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત પ્રચાર અધ્યક્ષ રાકેશકુમાર ઠાકરે જણાવ્યું હતું કે, જે શિક્ષકોના કાર્યક્ષેત્રનું ન હોય તેવી કામગીરી શિક્ષકોને સોંપવામાં આવતી હોય છે. સરકાર બદનામ થાય તે માટે કેટલાક લોકો આવા પરિપત્ર કરવાના વિચારો મૂકે છે.

આ પરિપત્રથી શિક્ષકોના સન્માન ને ઠેસ પહોંચે છે. સરકારે આ બાબતે ચોક્કસ વિચારવું જોઈએ. મહત્વનું છે કે, વર્ષ 2024માં ગુજરાતમાં તલાટીઓને કૂતરા પકડવાની કામગીરી સોંપવાનો વિવાદિત આદેશ પાછો ખેંચાયો હતો.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button