ઓરિસ્સાથી કુરિયર મારફતે મુંદરા આવેલો ૧૦ કિલો ગાંજો પકડાયો
![Ganja from Odisha caught in Kutch](/wp-content/uploads/2025/02/ganja.webp)
ભુજઃ કચ્છ જિલ્લો નશાખોરીનું હબ બની રહ્યો હોય તેમ લગભગ દરરોજ ડ્રગ્સ, શરાબ જેવા માદક પદાર્થો ઝડપાતા રહે છે તેવામાં બંદરીય મુંદરા ખાતેથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટુકડીએ કુરિયર મારફતે ચરસ-ગાંજો મગાવવાની નવી મોડસ ઓપરેન્ડી ઝડપી પાડી હતી, જેમાં રૂા.૧,૦૧,૪૯૦ની કિંમતનો ૧૦.૧૪૯ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરાયો હતો અને માલ મગાવનારા તથા મોકલનારા અજાણ્યા શખ્સો સામે પોલીસે તપાસ આરંભી હોવાની માહિતી મળી છે.
Also read: ઝારખંડમાં અધધધ ૮૧૦ કિલો ગાંજો જપ્ત, બે શખસની ધરપકડ
ડીવાયએસપી ક્રિશ્ચિયનના જણાવ્યા અનુસાર, મુંદરા શહેરના ઉમિયા નગરમાં આવેલા ડિલિવરી લિમિટેડ નામની ખાનગી કુરિયર સર્વિસમાં ઓરિસ્સાની હોટલના નામથી ગાંજાનો જથ્થો એક પાર્સલમાં આવ્યો હોવા અંગે સંયુક્ત રીતે મળેલી પૂર્વ બાતમીના આધારે આ ટીમ કુરિયર ઓફિસ પર પહોચી શંકાસ્પદ પાર્સલને કબ્જામાં લઇ, તપાસ કરતાં દસ અલગ અલગ પેકેટમાં રાખવામાં આવેલો ૧૦.૧૪૯ કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ક્રિશ્ચિયને વધુમાં જણાવ્યું કે, .ઓરિસ્સાની એસ.એ.કિંગ પ્લાઝા નામની હોટલના નામથી અજાણ્યા વ્યક્તિએ મોક્લાવેલું આ પાર્સલ ત્રણેક દિવસ અગાઉ અહીં આવ્યું હતું. કુરિયર સર્વિસના મેનેજરે સંપર્ક નંબર પર ફોન કર્યો હતો, જેમાં હિંદીભાષી શખ્સે પાર્સલ પોતાનું હોવાનું સ્વીકાર્યા બાદ પણ પાર્સલ લેવા આવ્યો ન હોવાનું અને ગાંધીધામ મોકલવા જણાવ્યું હતું. હાલ પોલીસે મુદ્દામાલ કબ્જે કરી મુંદરાના પોલીસ મથકે ગાંજો મોકલનાર અને મંગાવનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.