Fact check: ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને વડાપ્રધાન મોદીની અવગણના કરી? જાણો શું છે હકીકત
![fact-check-french-president-emanuel-macron-ignore-prime-minister-narendra-modi](/wp-content/uploads/2025/02/fact-check-french-president-emanuel-macron-ignore-prime-minister-narendra-modi.webp)
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પહોંચ્યા છે. આ પહેલા, તેઓ 11 અને 12 ફેબ્રુઆરીના રોજ ફ્રાન્સની મુલાકાતે હતાં, જ્યાં તેમણે પેરીસમાં આયોજિત AI એક્શન સમિટમાં હાજરી આપી (PM Modi France visit) હતી. આ દરમિયાન વડાપ્રધાન ઘણા દેશના નેતાઓ અને ટેક કંપનીના CEOને મળ્યા હતાં. આ દરમિયાન એવી ચર્ચાઓ વહેતી થઇ છે કે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને (Emmanuel Macron) વડાપ્રધાન મોદીનું અપમાન કર્યું હતું. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મેક્રોને વડાપ્રધાન મોદીને અવગણીને હાથ ન મિલાવ્યો.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વિડીયો સાથે લખવામાં આવ્યું કે વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ઘણી વખત હાથ મિલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ દેખીતી રીતે તેમને અવગણવામાં આવ્યા. ફ્રાન્સ પ્રથમ ગ્લોબલ એઆઈ એક્શન સમિટની યજમાની કરી રહ્યું હતું, વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ મેક્રોન સાથે સમિટની સહ-અધ્યક્ષતા કરી. એવામાં આ વિડીયો વાયરલ થતા ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સ રોષે ભરાયા છે.
શું છે વાયરલ વિડીયોની હકીકત:
એસોસિએટેડ પ્રેસે યુટ્યુબ પર અઢી કલાકથી વધુ ચાલેલા આ કાર્યક્રમનું લાઇવ-સ્ટ્રીમિંગ કર્યું હતું. વીડિયોમાં 8 મિનિટ 37 સેકન્ડે, જોઈ શકાય છે કે વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન એકસાથે સ્થળ આવી રહ્યા છે. આ પછી, બંને નેતાઓએ હાજર મહેમાનોને મળવાનું શરૂ કર્યું. વડાપ્રધાન મોદીએ પહેલા ગુગલના CEO સુંદર પિચાઈ સાથે હાથ મિલાવ્યા.
વિડીયોમાં 9 મિનીટ 55 સેકન્ડે જોઈ શકાય છે કે રાષ્ટ્રપતિ મેક્રોન યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સાથે હાથ મિલાવે છે. વડાપ્રધાન મોદી વાન્સની બાજુમાં બેઠા હતા. આ પછી મેક્રોન તેની પાછળ બેઠેલા મહેમાનો સાથે હાથ મિલાવવા લાગ્યા. તેઓ આગળ વધીને જસ્ટિન ટ્રુડો સહિત ઘણા નેતાઓને પણ મળ્યા.મંચ પરથી આ વિષય પર વાત કરી રહેલા મેક્રોને વડાપ્રધાન મોદીને મંચ પર આવવા આમંત્રણ આપ્યું. 17 મિનિટ 14 સેકન્ડે, મેક્રોન વડાપ્રધાન મોદી સાથે હાથ મિલાવતા અને ગળે મળતા જોઈ શકાય છે. આ પછી વડાપ્રધાન મોદી સ્ટેજ તરફ આગળ વધે છે અને સંબોધન કરે છે.
મતલબ કે સોશિયલ મીડીયા પર વડાપ્રધાન મોદીની અવગણનાનો દાવો કરવામાં આવી રહ્યો છે એ પોકળ છે. માત્ર કેટલીક સેકંડના વિડીયોને આધારે ખોટા દવા કારાવામાં આવી રહ્યા છે.
બુધવારે વડાપ્રધાન મોદી ફ્રાન્સનો પ્રવાસ પૂર્ણ કરીને અમેરિકા જવા રવાના થયા હતાં. આ સમય દરમિયાન, રાષ્ટ્રપતિ મેક્રોન તેમને છોડવા માટે એરપોર્ટ પહોંચ્યા. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાને ઉષ્માભર્યા ગળે પણ મળ્યા હતાં. પેરિસથી માર્સેલીની યાત્રા દરમિયાન વિમાનમાં વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા પણ થઈ હતી.