માંસાહારથી કુદરતી આફતોની વાત વાહિયાત
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
ભારતમાં ટોચના સ્થાને બેઠેલા લોકો પણ ક્યારેક એવી મોં-માથા વિનાની વાતો કરી નાંખતા હોય છે કે આઘાત લાગી જાય. આ દેશ કેવા લોકોને ભરોસે ચાલી રહ્યો છે એવો સવાલ પણ થાય. હિમાચલ પ્રદેશના મંડીમાં આવેલી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટૅકનોલૉજી (આઈઆઈટી)ના ડિરેક્ટર લક્ષ્મીધર બેહરાએ આવી જ મોં-માથા વિનાની વાત કરીને વિદ્યાર્થીઓને માંસાહારથી દૂર રહેવાનો સંકલ્પ લેવા આહ્વાન કર્યું છે. બેહરા સાહેબનો દાવો છે કે, હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન અને વાદળો ફાટવાની ઘટનાઓ વધતી જાય છે તેના માટે પશુઓ પર વધી રહેલી ક્રૂરતા જવાબદાર છે.
બેહરાનું કહેવું છે કે, હિમાચલ પ્રદેશમાં લોકો નિર્દોષ જાનવરોને મારી રહ્યા છે. આ ઘટનાનો પર્યાવરણ પર પ્રભાવ પડે છે. લોકો લઆ પ્રભાવનો જોઈ શકતા નથી પણ આવો પ્રભાવ ચોક્કસ પડે છે. હિમાચલ પ્રદેશમાં પશુઓ પર ક્રૂરતા વધશે તો ભૂસ્ખલન અને વાદળો ફાટવાની ઘટનાઓ વધશે. બહેરાએ કહ્યું કે, સારાં માણસ બનવા માટે લોકોએ માંસ ખાવાનું બંધ કરવું જોઈએ.
બેહરાના બકવાસનો વીડિયો વાયરલ થયા પછી સોશિયલ મીડિયા પર લોકો તેમના માથે માછલાં ધોઈ રહ્યા છે. લોકો તેમના પર કટાક્ષ પણ કરી રહ્યા છે. ભારતે 70 વર્ષમાં જે પ્રગતી કરી તેના પર આવા નમૂના પાણી ફેરવી દેશે એવી ટીકાઓ પણ થઈ રહી છે. આઈઆઈટી દેશમાં ટૅકનોલૉજીના વિકાસનું પ્રતિક છે ત્યારે આ સંસ્થાને કેવા નમૂનાઓને હવાલે કરી દેવાઈ છે એવી ટીકા પણ થઈ રહી છે.
આ ટીકાઓ યોગ્ય છે કેમ કે, બેહરાની વાતો અત્યંત અતાર્કિક અને આધારહીન છે. આ વાતો સાંભળીને કોઈને પણ આઘાત લાગી જાય. જેમને ધર્મનું જરાય જ્ઞાન નથી ને છતાં ધર્મના નામે ગપ્પાંષ્ટક ચલાવીને સાધુ-સંત કહેવાતા બાવાઓ પણ આવી બકવાસ વાતો કરતા નથી ત્યારે બહેરા તો આ દેશની ટોચની ટૅકનોલૉજી ઈન્સ્ટિટ્યુટના વડા છે. તેમની પાસેથી તો કોઈ પણ મુદ્દે વૈજ્ઞાનિક અભિગમની અપેક્ષા જ હોય. તેના બદલે એ ધર્મના નામે ગપ્પાં ચલાવતા ગમારની જેમ વાતો કરે એ આઘાતજનક જ કહેવાય.
વોટ્સએપ યુનિવર્સિટી પર આ પ્રકારની વાતો થોકબંધ પિરસાય છે. આપણા આયુર્વેદ, યોગ, ધ્યાન સહિતની પરંપરાઓને મહાન સાબિત કરવા માટે નાસાના પ્રયોગમાં ફલાણું સાબિત થયું ને ઢીકણું સાબિત થયું એવી વાતોના વોટ્સએપ યુનિવર્સિટી પર કોર્સ જ ચાલે છે. બહેરા સાહેબની વાતો તેના કરતાં પણ હાસ્યાસ્પદ છે કેમ કે યોગ, આયુર્વેદ, ધ્યાન વગેરેનો પોતાનો કોઈક તો આધાર છે જ.
આ બધાંનો જેટલો પ્રચાર કરાય છે એટલી ઉપયોગિતા કે તાકાત તેમનામાં નહીં હોય પણ લોકોને ફાયદાકારક છે ને વ્યવહારુ પણ છે. બહેરાની તો વાત જ વ્યવહારુ નથી. માંસાહાર કરવાને ભૂસ્ખલન કે વાદળો ફાટવાની ઘટના સાથે શું લેવાદેવા? કોઈ માણસ માંસ ખાય તેના કારણે પર્યાવરણને શું અસર થાય? કોઈ અસર ના થાય. લોકોની ખાવા-પીવાની આદતોને હવામાન સાથે ના જોડી શકાય.
કમનસીબી એ છે કે, બહેરા આ પહેલાં પણ આ પ્રકારની વાતો કરી ચૂક્યા છે. ગયા વરસે તેમણે એવો બકવાસ કરેલો કે, મંત્રોનો જાપ કરીને તેમણે પોતાના એક દોસ્ત તથા તેના પરિવારને ખરાબ આત્માઓથી મુક્તિ અપાવી હતી. એ વખતે પણ હોબાળો થયેલો ને બહેરાની બહુ મજાક ઊડી હતી પણ બહેરા સુધર્યા નહીં.
બહેરાએ માંસાહાર બંધ કરવાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. માંસાહાર ના કરવો જોઈએ એવી ઘણા ધર્મ તરફેણ કરે છે ને તેમની લાગણીનું આપણે સન્માન કરવું જોઈએ પણ આ માન્યતાઓ બીજાં પર થોપી ના શકાય. જૈન ધર્મ કે બીજાં ધર્મનાં લોકો જીવદયાને કારણે માંસાહારનો વિરોધ કરે છે એ યોગ્ય છે કેમ કે એ તેમની ધાર્મિક માન્યતા છે. આ માન્યતા સાથે જીવદયાનો સિદ્ધાંત જોડાયેલો છે. જીવદયા પણ અનુસરવા યોગ્ય છે પણ બધાં લોકોને તેમાં રસ નથી પડતો એ પણ વાસ્તવિકતા છે. બધાં લોકોને જીવદયાની કે માંસાહાર નહીં કરવાના સિદ્ધાંતોમાં રસ પડતો હોત તો આ ધર્મને અનુસરનારાં લોકોની સંખ્યા લાખોમાં નહીં પણ કરોડોમાં હોત.
જ્યાં સુધી હિંદુ ધર્મનો સવાલ છે, હિંદુ ધર્મમાં માંસાહાર નહીં કરવો જોઈએ એવું ક્યાંય લખેલું નથી. હિંદુ ધર્મના સંપ્રદાયોમાં તો ડુંગળી-લસણ ના ખાવાં જોઈએ એવી વાતો પણ પછીથી આવી પણ હિંદુ ધર્મના મૂળ ગ્રંથોમાં માંસાહાર નહીં કરવાની તરફેણ ક્યાંય નથી. તેનું કારણ એ કે, હિંદુ ધર્મ ઉદાર છે ને ખાવા-પીવાની અંગત બાબતોને વ્યક્તિની પોતાની પસંદ માને છે તેથી તેના પર કશું થોપતો નથી.
આપણા વડવા વાસ્તવવાદી હતા ને જાણતા હતા કે, લોકોની ખાવાપીવાની આદતો ભૌગૌલિક સ્થિતિ અને અનાજ સહિતની ખાવા-પીવાની ચીજોની ઉપલબ્ધતા પર નિર્ભર કરે છે. તેને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. જે પ્રદેશમાં જે ચીજો વધારે પાકતી હોય ત્યાં એ ચીજ ખાવાનું ચલણ વધારે હોય. એક જ રાજ્યમાં ભૌગૌલિક પરિસ્થિતિ અનુસાર અલગ અલગ પ્રદેશોમાં ખાવા-પીવાની આદતો અલગ અલગ હોઈ શકે છે.
ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં ઘઉં પહેલેથી સારા પાકે છે તેથી લોકોને ઘઉં ખાવાની આદત છે જ્યારે મધ્ય ગુજરાતના આદિવાસી પટ્ટામાં મકાઈ વધારે પાકે છે તેથી લોકો મકાઈ વધારે ખાય છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠો છે તેથી લોકો માછલી સહિતનું સી-ફૂડ ખાય છે પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં લોકો માંસાહાર કરતા નથી પણ દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં હિંદુઓનો મોટો વર્ગ માંસાહાર કરે જ છે. બંગાળ, દક્ષિણ ભારત, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં બહુમતી લોકો માછલી સહિતના દરિયાઈ જીવોને ખાય જ છે.
માંસાહાર બંધ કરવાની વાત વાસ્તવિક રીતે પણ શક્ય નથી. દુનિયામાં માંસાહાર બંધ થઈ જાય તો શું સ્થિતિ સર્જાય તેની તેમને કલ્પના જ નથી. ભારતમાં જ માંસાહાર સંપૂર્ણ બંધ થઈ જાય તો 140 કરોડ લોકોને બે ટંક પેટ ભરીને ખાવાનું ના મળે. દુનિયામાં બધાં લોકોને શાકાહારી ખાવાનું આપી શકાય એટલું અનાજ કે શાકભાજી-ફળો દુનિયામાં પાકતાં જ નથી તેથી લોકોને ખાવાનું પણ ના આપી શકાય.
બીજું એ કે, જે પ્રાણીઓ માંસાહાર માટે મરાય છે એ જીવતાં રહે તો દુનિયામાં ચોતરફ પ્રાણીઓ જ પ્રાણીઓ દેખાય. એ પ્રાણીઓને ખાવાનું કોણ આપે? અને ખાવાનું ના મળે તો આ પ્રાણીઓ શું કરે ? ખેતરો, બજારો, ઘરોમાં ઘૂસીને જે મળે એ ખાવા માંડે. તેમને તમે કોઈ રીતે રોકી ના શકો.
આ દેશનાં લોકોએ આ વાસ્તવિકતાને સમજવી
જઈએ.