ભૂલ ગયા સબ કુછ, યાદ નહીં અબ કુછ!
મિજાજ મસ્તી -સંજય છેલ
ટાઈટલ્સ: માણસ માત્ર ભૂલવાને પાત્ર! (છેલવાણી)
એક માણસ ડોક્ટર પાસે જઇને કહે છે, ‘આજકાલ મને બધું ભૂલવાની તકલીફ શરૂ થઇ છે.’
ડોક્ટરે પૂછ્યું, ‘ક્યારથી છે આ પ્રોબ્લેમ?’
‘કયો પ્રોબ્લેમ?’ પેશન્ટે ડોક્ટરને સામે પૂછ્યું!
હિંદીના મહાકવિ હરિવંશરાય બચ્ચનની આત્મકથાનું સુંદર નામ છે: ‘ક્યા ભૂલું, ક્યા યાદ કરૂં?’ જો કે ભલભલા સ્માર્ટ પતિઓ પત્નીનો જન્મદિવસ કે લગ્નની એનિવર્સરી અકસર ભૂલી જાય છે. ત્યારે ભડકેલી પત્ની સામે ભલભલા વાચાળ પતિઓ સ્તબ્ધ થઇને પોતાની માતૃભાષા ભૂલી જાય છે ને પિતૃઓને યાદ કરવા માંડે છે! કરગરવાથી માંડીને ક્રેડિટ કાર્ડનું સમર્પણ કરવા સુધી મામલો પહોંચી જાય છે. પણ દુનિયામાં એક દેશ છે: ‘સમોઆ.’ જ્યાં પત્નીનો જન્મ દિવસ ભૂલી જવો એ ગુનો છે અને એ માટે પતિને પાંચ વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે! સમોઆ દેશમાં, પતિ પહેલીવાર પત્નીનો જન્મદિવસ ભૂલી જાય, તો એને ચેતવણી આપીને છોડી મૂકવામાં આવે છે. બીજી વખત ભૂલી જવા પર પતિએ ભારે દંડ ભરવો પડે છે અથવા તો ૫ વર્ષ માટે જેલમાં જવું પડે છે! ત્યાં આ કાયદાનું કડક પાલન કરવા માટે એક સ્પેશ્યલ ટીમ પણ બનાવેલી છે, અને વળી આ કાયદાનો ક્યારે ને કેવી રીતે ઉપયોગ કરવો- એ માટે મહિલાઓ માટે સ્પે. કેમ્પ પણ યોજવામાં આવે છે. સારું છે આવા કાયદા પર દુનિયાનાં બીજા દેશોનું ધ્યાન ગયું નથી નહીં તો જગતના કરોડો પતિઓ આજે જેલમાં સબડતા હોત.
સ્ત્રી સામે કશુંક ભૂલી ગયા પછી વાતને વાળી લેવી એ ય મોટી કળા છે. જેમ કે- એક પ્રેમિકાએ પ્રેમીને કહ્યું,‘તેં મને ડાયમંડ રિંગ આપવાનું વચન આપેલું એ ભૂલી ગયો?’ ભૂલકણાં પ્રેમીએ તરત જ કહ્યું, ‘ડાર્લિંગ, હું તારી સાથે હોઉં છું ત્યારે બધું જ ભૂલી જાઉં છું!’ આને કહેવાય રમણીય રોમેંટિક બહાનું! અથવા પત્ની ચિઢાઈને કહે કે-‘તમને દરેક ક્રિકેટરનો સ્કોર યાદ રહે છે પણ આપણા લગ્નની તારીખ યાદ નથી?’ ત્યારે ભૂલક્કડ પણ સ્માર્ટ પતિ તરત જ કહી શકે, ‘ઓફકોર્સ, યાદ છે! એ દિવસે સચિન તેંડુલકર ઝીરો પર આઉટ થયેલોને?’
ઘણીવાર ભૂલવું પણ બહુ સારું છે. પ્રિયજનોની જૂની કડવી યાદો, દોષદેખાઓની નફરતો, દુશ્મનોનાં ગુસ્સાઓ, જોરાવરોનાં અન્યાયોને વગેરે ભૂલવામાં અસંખ્ય ફાયદા છે અને ભૂલીને આપણે ચેનથી જીવી તો શકીએ. યાદશક્તિ માટે લોકો જાતજાતની દવાઓ પણ લે છે પણ એ યાદશક્તિની દવાઓનો એક જ પ્રોબ્લેમ છે કે એ દવાઓ જો આપણાંથી આડીઅવળી મુકાઈ જાય તો પાછું એ જ યાદ ના આવે કે યાદશક્તિની દવા મૂકી ક્યાં છે? વળી યાદશક્તિની દવાની બોટલ પર લખી રાખવું પડે કે ‘આ યાદશક્તિની દવા છે, એને જુલાબની દવા સમજીને ખાવી નહીં!’
ઇંટરવલ:
એ સૌથી ઉચ્ચ તબક્કો છે મિલનનો
કહેવાનું ઘણું હોય ને કશું યાદ ન આવે! (મરીઝ)
એકવાર અભિનેતા ધર્મેંદ્રએ ‘અંધા કાનૂન’ ફિલ્મમાં અમિતાભની વિનંતીથી એક સીન માટે ટ્રક-ડ્રાઇવરની મહેમાન કલાકાર તરીકે ભૂમિકા ભજવી નાખેલી પણ એ રાતે ધર્મેંદ્રજી શરાબ પીને રાજાપાઠમાં હતા એટલે મોટે ઉપાડે નાનો રોલ કરી તો લીધો પણ પછી જ્યારે એ ફિલ્મનું ડબિંગ કરવાનું આવ્યું ત્યારે ધર્મેંદ્ર સાવ ભૂલી જ ગયેલા કે એમણે એવી કોઇ ફિલ્મમાં એવો કોઇ રોલ કરેલો! અને ડબિંગ કરવાનો સાફ ઇન્કાર કર્યો કે-‘મેં કોઇ એવી ફિલ્મ કરી જ નથી’ એમાં તો અમિતાભ હીરો છે! પછી નિર્માતાએ બહુ સમજાવ્યા અને એ ફિલ્મનો સીન પણ દેખાડ્યો તો ધર્મેંદ્રએ કહ્યું: ‘કમાલ છે? મેં જેનું શૂટિંગ જ નથી કર્યું તો યે મને ફિલ્મમાં તમે નાખી દીધો?’ આખરે અમિતાભે પર્સનલી જઇને ધર્મેંદ્રને માંડ માંડ મનાવ્યા પણ એમને યાદ તો ના આવ્યું તે ના જ આવ્યું.
અમુક ઉંમર પછી કમનસીબે ઘણાંની યાદશક્તિ કમજોર થઈ જાય છે. વિજ્ઞાન પણ કહે છે કે માણસનાં દિમાગમાં ખીચોખીચ ભરાયેલી કચરાપેટીની જેમ અનેક માહિતીઓ, આંકડાઓ, યાદો વગેરેનો એટલો બધો કચરો ભરેલો હોય છે કે નવું યાદ રાખવાની સ્પેસ જ નથી હોતી. નાનપણમાં સ્કૂલમાં તમે કઈ બેંચ પર બેસતા, ટીચરે તમને કેટલી વખત ક્લાસમાંથી કાઢી મૂક્યા હતા, લીંબુ-ચમચીની રમતમાં તમારું લીબું કેમ પડી ગયેલું… એવી બધી નક્કામી વાતોને ભૂલવી સારી. તમે વીસ વર્ષ પહેલાં કોલેજમાં કોઈ છોકરીને પ્રપોઝ કર્યું હોય અને એનાં જવાબમાં એણે થપ્પડ મારી હોય એમાં યાદ રાખવા જેવું શું? પણ હા, એણે એ થપ્પડ એટલે મારી હોય કારણ કે તમે એ જ છોકરીને ભૂલથી બે દિવસ પછી ફરીથી પ્રપોઝ કરેલું ત્યારે કે જ્યારે એ ઓલરેડી ‘હા’ પાડી ચૂકેલી, તો જરા પ્રોબ્લેમ કહેવાય..
ટૂંકમાં ભૂલવાની સમસ્યાનો કોઇ સચોટ ઇલાજ છે જ નહીં. આમ તો આપણે સૌ ભૂલવામાં એક્સપર્ટ છીએ. છતાં યે આપણે ઇતિહાસનાં જૂનાં પાનાંઓમાંની વેરભરી વાતો યાદ રાખીને હજી યે નફરતને સળગતી રાખીએ છીએ. આજકાલ આપણાં લેખકો, કવિઓ એમના લખાણમાં સામાજિક આક્રોશ કરવાનું ભૂલી ગયા છે અને વાચકો પોતાના આત્માને જગાડવાનું ભૂલી ગયાં છે. શિક્ષકો, નૈતિકતા શીખવવાનું ભૂલી ગયાં છે, વિદ્યાર્થીઓ માર્કશીટનાં આકડાં સિવાય બધું જ ભૂલવા માગે છે! પછી મોટા થઇને ઘણાં બાળકો, પોતાના મા-બાપને ભૂલી જાય છે. જે દેશ પોતાના રાષ્ટ્રપિતા ગાંધીજીને ધીમે
ધીમે ભૂલવાની પ્રક્રિયામાંથી ગુજરતો હોય ત્યાં વધારે બીજું શું કહેવું?
એન્ડ-ટાઈટલ્સ:
ઇવ: તું મને ભૂલી તો નહીં જાયને?
આદમ: એવું હોય કંઇ, લૈલા?