Uncategorized

રિલીઝ પહેલા ‘ડંકી’એ બનાવ્યો રેકોર્ડ

છ વર્ષમાં શાહરુખ ખાનની સૌથી ઓછા બજેટની ફિલ્મ!

બોલીવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનની બે ફિલ્મો પઠાણ અને જવાન વર્ષ ૨૦૨૩માં રિલીઝ થઈ હતી અને બંનેએ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. બંને ફિલ્મોમાં શાહરુખ ખાન એક્શન અવતારમાં જોવા મળ્યો હતો અને ચાહકોને કિંગ ખાનનો આ અવતાર ઘણો પસંદ આવ્યો હતો. હવે શાહરુખ ખાનની વધુ એક નવી ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે.

તાજેતરમાં જ ફિલ્મનું પહેલું ગીત ‘લટ પુટ ગયા’ રિલીઝ થયું હતું, જેમાં શાહરુખ ખાનનો અનોખો રોમેન્ટિક અંદાજ જોવા મળ્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે તેની રિલીઝ પહેલા જ શાહરુખ ખાનની ‘ડંકી’એ વધુ એક મોટો રેકોર્ડ બનાવી લીધો છે. વાસ્તવમાં ડંકી પઠાણ અને જવાન જેવી બિગ બજેટ ફિલ્મ નથી. છેલ્લાં ૬ વર્ષમાં શાહરુખ ખાનની જેટલી પણ ફિલ્મો આવી છે તેમાંથી આ સૌથી ઓછા બજેટમાં બની છે.

૨૦૨૩ની શરૂઆતમાં રિલીઝ થયેલી ‘પઠાણ’ ૨૫૦ કરોડ રૂપિયાના બજેટમાં બની હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાન સાથે દીપિકા પદુકોણ અને જોન અબ્રાહમ પણ જોવા મળ્યા હતા. ‘જવાન’ની વાત કરીએ તો તેનું બજેટ ૩૦૦ કરોડ રૂપિયા હતું. ફિલ્મમાં શાહરુખ ખાન ઉપરાંત નયનથારા, દીપિકા પદુકોણ અને વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં હતાં. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૬૩૮.૯૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો અને વિશ્ર્વભરમાં ૧૧૪૩.૫૯ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

ડંકીની વાત કરીએ તો રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત આ ફિલ્મ માત્ર ૮૫ કરોડ રૂપિયાના બજેટમાં બની છે. છેલ્લાં છ વર્ષમાં રિલીઝ થયેલી શાહરુખ ખાનની સૌથી ઓછા બજેટની ફિલ્મ છે. જ્યારે ‘જબ હેરી મેટ સેજલ’ ૯૦ કરોડના બજેટમાં અને ‘રઈસ’ ૯૦થી ૯૫ કરોડના બજેટમાં બની હતી. ૨૦૧૮માં રિલીઝ થયેલી શાહરુખ ખાનની ‘ઝીરો’ રૂ. ૨૦૦ કરોડના બજેટમાં બની હતી, જે બોક્સ ઓફિસ પર ખાસ પ્રદર્શન કરી શકી ન હતી.

જો કે ડંકીની વાત કરીએ તો ફિલ્મનું બજેટ ૮૫ કરોડ રૂપિયા છે, જેમાં શાહરુખ ખાનની ફી સામેલ નથી. તાપસી પન્નુ અને વિકી કૌશલ પણ શાહરુખ ખાન અભિનીત ડંકીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સૂત્રો અનુસાર ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર હિરાનીએ ડંકીનું શૂટિંગ ૭૫ દિવસમાં અને શાહરુખ ખાને ૬૦ દિવસમાં તેના ભાગનું શૂટિંગ પૂરું કર્યું. શાહરુખ ખાનના મેકર્સ અને ફેન્સને આશા છે કે પઠાણ અને જવાનની જેમ આ ફિલ્મ પણ બ્લોકબસ્ટર સાબિત થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button