દિલ્હીમાં બ્લાસ્ટથી ગભરાયું ઈસ્લામાબાદ! પાકિસ્તાને જારી કર્યું NOTAM, ત્રણેય સેના એલર્ટ

ઈસ્લામાબાદઃ ભારતમાં નવી દિલ્હી સ્થિત લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે થયેલા ભયાનક વાહન વિસ્ફોટથી દેશભરમાં આક્રોશની લાગણી ફેલાઈ છે. આ ઘટનામાં 9 લોકોના મોત થયા અને અનેક ઘાયલ થયા, જેની તપાસ હજુ ચાલુ છે. પોલીસે કહ્યું કે તપાસ પૂરી થયા પછી જ આરોપીઓની વિગતો સ્પષ્ટ થશે, પરંતુ આ હુમલાની આંતરરાષ્ટ્રીય અસર જોવા મળી રહી છે. ખાસ કરીને પાકિસ્તાનમાં ભારે તણાવનો માહોલ છે, જ્યાં સેનાને તાત્કાલિક એલર્ટ કરવામાં આવ્યું છે.
મીડિયા અહેવાલો પ્રમાણે દિલ્હી વિસ્ફોટ પછી પાકિસ્તાને પોતાની સુરક્ષા વ્યવસ્થા અભૂતપૂર્વ સ્તરે વધારી દીધી છે. તમામ એરપોર્ટ અને એરફિલ્ડ માટે રેડ એલર્ટ જારી કરાયું છે. ભારત તરફથી સંભવિત સૈન્ય કાર્યવાહી અને સરહદી તણાવના ડરથી આ પગલું લેવામાં આવ્યું છે. સોમવારે રાત્રે જ અસીમ મુનીરે સેનાને સતર્ક કરી દીધી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાને થલસેના, વાયુસેના અને નૌસેના સહિત તમામ સશસ્ત્ર દળોને હાઈ એલર્ટ પર મૂક્યા છે. મધ્ય કમાન્ડે દરેક શાખાને ઘટનાક્રમ પર નજર રાખવા અને કોઈ પણ હુમલાનો સામનો કરવા તૈયાર રહેવા સૂચના આપી છે. વાયુસેનાને એર ડિફેન્સ સક્રિય કરવા અને આગળના ઠેકાણેથી વિમાનો ત્વરિત ઉડાન ભરી શકે તેની ખાતરી કરવા આદેશ આપવામાં આવ્યો છે.
પાકિસ્તાને 11થી 12 નવેમ્બર સુધી એરમેન માટે NOTAM (નોટિસ ટૂ એરમેન) જાહેર કર્યું છે, જે તણાવપૂર્ણ સરહદી વિસ્તારમાં હવાઈ યાતાયાત પર પ્રતિબંધ અને સુરક્ષા વ્યવસ્થા વધારવાનો સંકેત આપે છે. આ પગલું ભારતીય કાર્યવાહીના ડરથી લેવામાં આવ્યું છે, જેમ કે આ વર્ષે એપ્રિલમાં પહલગામ હુમલા પછી થયેલું ઓપરેશન સિંદૂર.
ભારતમાં થતા આતંકી હુમલાઓના તાર મોટા ભાગે પાકિસ્તાન સાથે જોડાયેલા હોય છે. દિલ્હીની આ ઘટનાની પણ આતંકી દૃષ્ટિકોણથી તપાસ ચાલી રહી છે. પહલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાનમાં હવાઈ હુમલા કર્યા હતા અને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે ફરી આવું થશે તો કડક જવાબ આપવામાં આવશે. આથી પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર જેવી કાર્યવાહીનો ડર સતાવી રહ્યો છે.
આપણ વાંચો: ડોક્ટર ડેથઃ દિલ્લીમાં આતંક મચાવનારો ડોક્ટર કાશ્મીરનો, 3 સાથી ડોક્ટરો ઝડપાઈ ગયા



