સનાતન ધર્મ શા માટે સનાતન છે?
કુછ બાત હૈ કિ હસ્તી મિટતી નહીં હમારી, સદીઓ રહા હૈ દુશ્મન દોરે જમાં હમારા !
સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા : મોહમ્મદ ઇકબાલ
કવર સ્ટોરી – મુકેશ પંડયા
આજકાલ દેશના વિપક્ષી નેતાઓમાં હિન્દુ વિરોધી અર્થાત્ સનાતન વિરોધી બોલવાની જાણે સ્પર્ધા ચાલી રહી છે. ઉત્તર ભારતના નેતા હોય કે દક્ષિણના તેઓ સનાતનીઓ વિરુદ્ધ બોલે છે એટલે એક વાત નક્કી છે કે ઈન્ડિયાના નામે ગઠબંધન કર્યા બાદ આ નેતાઓ ભાજપના મતદારોમાં જાતિવાદના નામે ભાગલા પાડી બને એટલા હિન્દુ મતો અંકે કરવા માગે છે. આમ કરીને તેઓ મુસ્લિમોને પણ ખુશ રાખી શકે એ નફામાં .
જોકે આ કોઈ નવી વાત નથી. અંગ્રેજો ગયા પછી આવેલી ભારતની સરકારે પણ ડિવાઇડ એન્ડ રૂલનો નિયમ ચાલુ રાખી હિન્દુઓને જાતિવાદમાં ભેરવી ભાગલા પાડી રાજ કર્યું છે. હિન્દુ-મુસ્લિમ તેમ જ સવર્ણ-પછાત ને ઝઘડાવી તેમણે અનેક વાર સત્તા કબજે કરી છે.
જોકે, આ વખતે નવી વાત એ છે કે આ વિરોધીઓ ભાજપનો વિરોધ કરતા કરતા હવે સનાતન ધર્મનો વિરોધ કરવા લાગ્યા છે. આટલેથી પણ તેઓ અટક્યા નથી. કેટલાક વિપક્ષો સનાતન ધર્મને વિવિધ બીમારી સાથે સરખાવી તેને ખતમ કરવાની વાત કરે છે. આ સંજોગોમાં પ્રશ્ન એ થાય કે શું સનાતન ધર્મનો નાશ કરવો એટલો સહેલો છે ખરો?
જી …ના. સનાતન શબ્દ જ દર્શાવે છે કે તેનો નાશ શક્ય નથી. સનાતન ધર્મ સનાતન છે તેના ઘણાં કારણો છે.ચાલો વિગતવાર જોઇએ.
સનાતન ધર્મ વૈજ્ઞાનિક છે, તાર્કિક છે
ભારતની ભૂમિ પર જન્મેલો અને સમગ્ર વિશ્વનો પહેલવહેલો આ ધર્મ દેશની ભૌગોલિક સ્થિતિ અને સમય પ્રમાણે તે વખતની પ્રજાના કલ્યાણ અને વિકાસ માટે 2ચાયેલા સિદ્ધાંતોનો ગુલદસ્તો છે. વેદ કાળની વાત કરીએ તો તેમાં પ્રકૃતિના તત્ત્વોની પૂજા કરી તેનો આદર કરી જીવનનિર્વાહ માટે સાધનો ઝૂટાવવાની વાત છે. આનાથી આગળ વધીને વેદોમાં માણસના આત્માએ પરમાત્મા સાથે ભળી જવા કેવા કાર્યો કરવા તેની વાત છે.
કોઈના પર હુમલો કે તેના વિનાશની તો વાત નથી, પણ પોતાના દુર્ગુણોનો નાશ અને ઇન્દ્રિયો પર સંયમ રાખીને કેવું નિયમબધ્ધ જીવન જીવવું તેની વાત છે. સર્વે સુખિન ભવન્તું, સર્વે સન્તુ નિરામયા' ની વાત છે. અર્થાત્ બધા જ લોકો સુખી રહે અને નીરોગી રહે તેની વાત છે. દરેક જગ્યાએથી અમને શ્રેષ્ઠ વિચારો પ્રાપ્ત થાવ તેવી પ્રાર્થનાની વાત છે.તે સમયે માણસ માણસ સાથે જ નહી પશુપંખીઓ સાથે પણ સંપીને રહેતો હતો. તો આજના જેવો જાતિવાદ તો શક્ય જ નથી. સનાતન ધર્મ કોઈ એક ભગવાન કે ધર્મગુરુની દેણ નથી, સામૂહિક ચેતનાનો પરિપાક છે સનાતન ધર્મના બીજ વેદોએ વાવ્યા છે. અવતારોએ સિંચ્યા છે. ઋષિમુનિઓએ પોષ્યા છે તો સાધુ સંતોએ ખીલવ્યા છે અને સામાન્યજનોએ પાળ્યા છે. સનાતન ધર્મ ટીમવર્ક છે. સનાતન ધર્મ પરિવર્તનશીલ છે. સમય અનુસાર મહાનુભાવોએ તેમાં ફેરફાર આણીને તેને જીવંત અને નીરોગી રાખ્યો છે અને આગળ પણ રાખી શકે છે. એક સમયે સનાતન ધર્મમાં બહુ પત્નીત્વનો કુરિવાજ પેસી ગયો હતો પરંતુ રામચંદ્રજીએ એક પત્નીત્વનો સ્વીકાર કરી ક્રાંતિ આણી. વર્ષો અગાઉનો કોઈ નિયમ બહ્મ વાક્ય બની જાય એવું નથી, તેમાં ફેરફાર કરી શકાય છે. કોઈ એક સ્થાપકનો ઇજારો નથી પણ લોકશાહીને વરેલો ધર્મ છે.હાલના સમયની વાત કરીએ તો અશ્પૃશ્યતા,સતી થવાનો રિવાજ અને વિધવા અંગે પળાતા અનેક નિયમોમાં જડમૂળથી સુધારા આવ્યા છે. મહાત્મા ગાંધી, મહાત્મા ફૂલે, રાજા રામમોહનરાય જેવા અનેક નેતાઓએ આમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. સનાતનીઓ પણ સમય પ્રમાણે થતાં સુધારોઓને દિલથી વધાવી લે છે. જે ધર્મ કુમળા છોડની જેમ પરિસ્થિતિને અનુલક્ષીને વળી શકે છે, સમય પ્રમાણે થતાં ફેરફારોને અપનાવી શકે છે તે ટકે છે. સનાતન ધર્મ એટલે જ ટક્યો હતો, ટક્યો છે અને ટકી રહેશે. આની સામે જે ધર્મ સદીઓથી કોઇ પણ પરિવર્તન સ્વીકારવાની ના પાડે છે તે અક્કડ ઝાડ જેવો છે ગમે ત્યારે તે તૂટી શકે છે. તેનો નાશ થઇ શકે છે. કેટલીય સંસ્કૃતિ અને ધર્મો લુપ્ત થઇ ગયા છે ત્યારે સનાતનનો મૃદુ સ્વભાાવ તેને ચિરંજીવ બનાવે છે. સનાતન ધર્મ એ સનાતન છે કારણ કે એ સત્યને પામવાનો ઉદ્દેશ ધરાવે છે સત્ય કાયમ સાથ આપે છે. જૂઠ ક્ષણિક લાભ આપે છે. સત્યનો વિજય નિશ્ચિત છે. જૂઠ નો પરાજ્ય નિશ્ચિત છે. સનાતન ધર્મ
સત્યમેવ જયતે’ની થિયરી માં માને છે સનાતન ધર્મ જીવો અને જીવવા દોની થિયરીમાં માને છે. સનાતન ધર્મ ન પાળનારાઓને પણ તે પોતાના જ માને છે. સનાતન ધર્મ કર્મની થિયરીને માને છે. તે માને છે કે સહુને તેના કર્મોનું ફળ નિશ્ચિતરૂપે આજે નહીં તો કાલે મળે જ છે.અન્ય લોકો તો નિમિત્ત માત્ર છે. સનાતનનું વર્ણન સંવિધાનમાં પણ છે અને એ બનાવનારા કોંગ્રેસીઓ જ હતા.સંવિધાનના પુસ્તકમાં પાને પાને રામાયણ, મહાભારત અને ભગવદ્ગીતાના ચિત્રણો અને વિવરણો મુકાયા છે જે શાસકોને ધર્મયુક્ત રાજ્ય ચલાવવાની પ્રેરણા આપે છે. આ ધર્મરાજ્ય એટલે કોઇ સંપ્રદાય નથી.ઉપરોક્ત ભગવદ્ગ્રંથોમાં વપરાયેલ ધર્મ શબ્દ એટલે નીતિ, કર્તવ્ય અને ફરજ પાળવાની વાત છે. સત્યને ઉજાગર કરવાની વાત છે. સનાતન સૂર્ય સમાન છે. તેને વાદળાઓ થોડી વાર માટે ઢાંકી શકે પણ નાશ ન કરી શકે. સનાતન ધર્મ પર હજારો વર્ષમાં અનેક મુસીબતોના વાદળ મંડરાયા અને મંડરાતા રહેશે પણ તે વર્ષો સુધી પોતાનું તેજ પાથરતો રહેશે એમાં શંકા નથી.
પ્રસિદ્ધ મુસ્લિમ કવિ મોહમ્મદ ઇકબાલે આઝાદી સમયે જે અમર લોકપ્રિય ગીતની રચના કરી હતી તે આજે જી-20ની શિખર પરિષદ શરૂ થઇ રહી છે ત્યારે મમળાવવા જેવી છે.