અટલ સેતુ પરથી દરિયામાં ઝંપલાવનારા બેન્ક મેનેજરનો મૃતદેહ જેએનપીટીથી મળ્યો

મુંબઈ: મુંબઈ અને નવી મુંબઈને જોડતા અટલ સેતુ પર કાર થોભાવ્યા બાદ દરિયામાં ઝંપલાવનારા 40 વર્ષના બેન્ક મેનેજરનો મૃતદેહ મંગળવારે સાંજના નવી મુંબઇમાં જેએનપીટી (જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ) ખાતેથી મળી આવ્યો હતો.
શિવડી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રોહિત ખોતે જણાવ્યું હતું કે સોમવારે સવારે અટલ સેતુ પરથી દરિયામાં છલાંગ લગાવનારા સુશાંત ચક્રવર્તીનો મૃતદેહ મંગળવારે સાંજે 5.15 વાગ્યે જેએનપીટી ખાતેથી મળી આવ્યો હતો. મૃતદેહને ત્યાર બાદ પોસ્ટમોર્ટમ માટે ઉરણની હોસ્પિટલમાં મોકલાયો હતો. સુશાંતના પરિવારજનોને આની જાણ કરવામાં આવી હતી.
પરેલ વિસ્તારમાં રહેતો અને રાષ્ટ્રીયકૃત બેન્કમાં મેનેજર તરીકે કામ કરતો સુશાંત ચક્રવર્તી સોમવારે સવારે કામે જઇ રહ્યાનું કહીં ઘરેથી નીકળ્યો હતો. જોકે તે કારમાં અટલ સેતુ પર પહોંચ્યો હતો, જ્યાં તેણે બ્રિજના દક્ષિણ તરફના ભાગ પર કાર થોભાવી હતી. કારમાંથી ઊતર્યા બાદ સુશાંતે દરિયામાં ઝંપલાવી દીધું હતું.
પોલીસ અને અન્ય સર્ચ ટીમો દ્વારા દરિયામાં શોધ ચલાવવામાં આવી હતી, પણ મોડી રાતે સુધી તેનો કોઇ જ પત્તો લાગ્યો નહોતો. બીજે દિવસે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આખરે મંગળવારે સાંજે જેએનપીટીથી તેનો મૃતદેહ મળ્યો હતો. સુશાંતની પત્નીએ પોલીસને જણાવ્યું હતું કે તેના પરિને કામનું જબરજસ્ત પ્રેશર હતું, જેને કારણે તે તાણ હેઠળ હતો.