નાણાકીય વર્ષમાં પ્રોપર્ટી ટૅક્સના લક્ષ્યાંકને પહોંચી વળવા બીએમસીએ કમર કસીઃ ડિફોલ્ટરો સામે લેશે આ પગલા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:પ્રોપટી ટૅક્સ જાણીજોઈને ભરવાનું ટાળનારા મોટા ડિફોલ્ટરો સામે મુંબઈ મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે. ડિફોલ્ટરોને બાકી રહેલી રકમ માટે જપ્તીની નોટિસ ફટકારવામાં આવી રહી છે. નિર્ધારિત સમયગાળામાં બાકી રહેલી રકમ નહીં ભરનારા સંબંધિત ડિફોલ્ટરોને જપ્તીની નોટિસની સાથે જ આગામી તબક્કામાં મિલકતની લિલામીની કાર્યવાહી કરવામાં આવવાની છે.
પાલિકાએ મોટા ડિફોલ્ટરોને જપ્તીની નોટિસ ફટકારી છે, તેમાં પ્લોટ, રેસિડેન્શિયલ, કમર્શિયયલ બિલ્ડીંગ, કમર્શિયલ ગાળા, ઔદ્યોગિક ગાળા વગેરેનો સમાવેશ થાય છે.પ્રોપર્ટી ટેક્સ મુંબઈ મહાનગરપાલિકાની આવકનો મુખ્ય સ્રોત ગણાય છે. ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬માં પાલિકા અત્યાર સુધી માત્ર ૫,૪૨૬ કરોડ ૮૧ લાખ રૂપિયાનો જ પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરી શકી છે.
આગામી બે મહિનામાં ટેક્સ વસૂલી માટે મોટા પાયા પર ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત પાલિકાએ ડિફોલ્ટરો પાસેથી ટેક્સના બાકી રહેલા નાણા વસૂલી માટે નોટિસ મોકલી રહી છે.



