Uncategorized

ભાજપ અને શિવસેનાના નગરસેવકોનું કોંકણ કમિશનર પાસે સ્વતંત્ર રીતે રજિસ્ટ્રેશન…

ભાજપના ગણેશ ખણકર અને શિવસેના ગ્રૂપ લીડર અમેય ઘોલે અજિત પવારના રાષ્ટ્રવાદીના નગરસેવકો આજે રજિસ્ટ્રેશન કરશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીના ૧૬ જાન્યુઆરીના પરિણામ આવવાના લગભગ પખવાડિયાથી વધુ સમય વીતી ગયા બાદ આખરે સોમવારે સૌથી વધુ બેઠકો સાથે બહુમતી મેળવનારા ભાજપ અને શિંદેસેના નગરસેવકોએ બેલાપૂરમાં આવેલા કોંકણ ભવનમાં કોંકણ કમિશનર પાસે સ્વતંત્ર રીતે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તો અજિત પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસના ત્રણ નગરસેવકો મંગળવારે કોંકણ કમિશનર પાસે રજિસ્ટ્રેશન કરાવશે. એ સાથે જ ભાજપે પાલિકામાં તેમના ગ્રૂપ લીડર ગણેશ ખણકર અને શિંદેસેનાએ અમેય ઘોલેને બનાવ્યા હોવાની જાહેરાત કરી હતી.

પાલિકાની ચૂંટણી બાદ દરેક પક્ષને તેમના સંખ્યાબળ મુજબ ગ્રૂપ લીડર જાહેર કરવા આવશ્યક હોય છે. તે મુજબ કૉંગ્રેસ, શિવસેના (યુબીટી), મનસે, એઆઈએમઆઈએમ દ્વારા તેમના પક્ષના ગ્રૂપ લીડર અગાઉ જ જાહેર કરી દેવામાં આવ્યા હતા. તો લાંબી રાહ જોવડાવ્યા બાદ સોમવારે બે ફેબ્રુઆરીના ભાજપ અને શિંદેસેનાએ તેમના ગ્રૂપ લીડરના નામ જાહેર કર્યા હતા.

રાજ્યમાં મહાયુતિની સરકારમાં ભાજપ, શિવસેના (શિંદે) અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (અજિત પવાર) આ ત્રણ પક્ષ એક છે. ચૂંટણી દરમ્યાન રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા નવાબ મલિકને પાલિકાની ચૂંટણી જવાબદારી સોંપવાને કારણે નારાજ થયેલા ભાજપે પાલિકાની ચૂંટણીમાં તેમની સાથે યુતિ કરી નહોતી. જોકે હવે રાષ્ટ્રવાદીના ચૂંટાયેલા ત્રણેય નગરસેવક શિવસેના (શિંદે) સાથે ગ્રૂપ રજિસ્ટ્રેશન કરાવશે અને પાલિકામાં સત્તામાં પણ તેમની સાથે સહભાગી થશે એવું મુંબઈ ભાજપના અધ્યક્ષ અમિત સાટમે કહ્યું હતું.

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને શિંદે સેનાની મહાયુતિને કુલ ૧૧૮ જગ્યા મળી હોઈ બહુમતી માટે આવશ્યક રહેલી ૧૧૪ જગ્યા કરતા ચાર વધુ જગ્યા છે. તેથી તેમને અન્ય કોઈ પક્ષનું સમર્થન લેવાની આવશ્યકતા ન હોવાનું પક્ષના વરિષ્ઠ નેતાઓએ કહ્યું હતું. મુંબઈનો આગામી મેયર ૧૧૮ નગરસેવકમાથી એક નગરસેવિકા હશે એવો દાવો પણ ભાજપના નેતાગણે કર્યો હતો પણ નામનો ઉલ્લેખ કરવાનું ટાળવામાં આવ્યું હતું.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button