અમદાવાદઃ નારોલમાં વીજકરંટ લાગતા દંપતીના મોત કેસમાં 5 લોકોની ધરપકડ | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદઃ નારોલમાં વીજકરંટ લાગતા દંપતીના મોત કેસમાં 5 લોકોની ધરપકડ

અમદાવાદઃ શહેરના નારોલ વિસ્તારમાં તાજેતરમાં એક દંપતી પાણી ભરેલા ખાડામાં પડ્યું હતું. જેમાં વીજકરંટ લાગતાં બંનેનું મૃત્યુ થયું હતું. પોલીસે તપાસ બાદ ખાનગી કોન્ટ્રાક્ટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બે અધિકારીઓ સહિત પાંચ લોકોની બેદરકારી બદલ ધરપકડ કરી હતી.

શું હતી ઘટના

નારોલની મટન ગલીમાં ત્રણ દિવસ પહેલા દંપતી તેમના સ્કૂટર પર પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેઓ જીવંત વીજળીના પ્રવાહના સંપર્કમાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, બે સ્ટ્રીટ-લાઈટના થાંભલા પડી ગયા હતા અને તેમના જીવંત વાયરો ખુલ્લા રહી ગયા હતા, જેના કારણે રસ્તા પરના પાણીમાં વીજ પ્રવાહ આવી ગયો હતો.

આ પણ વાંચો : અમદાવાદમાં પોલીસની નવતર પહેલ, હેલ્મેટ પહેર્યા વગરના લોકોને હેલ્મેટ વિતરણ કર્યું

સ્થાનિક લોકોએ તરત જ ફાયર બ્રિગેડ અને વીજ કંપનીને જાણ કરી હતી. વીજ કંપનીના અધિકારીઓએ વીજ પુરવઠો બંધ કર્યા બાદ ફાયર બ્રિગેડની ટીમે બંનેને બહાર કાઢ્યા હતા. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. નારોલ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો.

બંને મૃતકોની ઓળખ નારોલના રુદ્ર ગ્રીન ફ્લેટના રહેવાસી અંકિતાબેન રાજનભાઇ સિંગલ (ઉ.વ.27) તથા રાજન હરજીવનભાઇ સિંગલ, (ઉ.વ.32) તરીકે થઈ હતી. અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં રોડ પર ઘણા સમયથી ખાડાઓ હતા અને વરસાદનું પાણી ભરાઈ રહ્યુ હતું. કરોડોના બજેટ છતાં તંત્રની બેદરકારીને કારણે આ દંપતીએ જીવ ગુમાવ્યો હોવાનો આક્ષેપ સ્થાનીકોએ કર્યો હતો. આ ઘટનાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉભા કર્યા હતા.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button