નેશનલ

ફરી મોદી સરકાર પર AAPના નેતા થયા ઓળઘોળ! સરકારનો આભાર માની કહી આ વાત….

નવી દિલ્હી: છેલ્લા દિવસોમાં કેન્દ્ર સરકારને ભિંસમાં લેવાનો એક પણ મોકો નહિ છોડનારી આમ આદમી પાર્ટીના જ એક સાંસદ કેન્દ્રની મોદી સરકાર પર ઓળઘોળ થઈ ગયા છે. કેન્દ્ર સરકારની પ્રસંશા કરનાર બીજું કોઈ નહિ પણ સરકારની આકરી ટીકા કરનારા આપના સાંસદ રાઘવ ચઢ્ઢા છે. થોડા દિવસો પહેલા તેમણે નવા લેબર કોડ હેઠળ ગિગ વર્કર્સ અને ડિલિવરી પાર્ટનર્સ માટે સામાજિક સુરક્ષા નિયમોનો મુસદ્દો જારી કરવા બદલ કેન્દ્ર સરકારની પ્રશંસા કરી હતી ત્યારે હવે ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સની ‘૧૦ મિનિટ ડિલિવરી’ સેવા પર સરકાર દ્વારા મૂકવામાં આવેલા પ્રતિબંધને આવકાર્યો હતો.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ‘સત્યમેવ જયતે’ લખીને રાઘવ ચઢ્ઢાએ આ નિર્ણયને વધાવ્યો હતો. ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના સમયસરના અને સંવેદનશીલ હસ્તક્ષેપને કારણે હવે કંપનીઓએ તેમની બ્રાન્ડિંગમાંથી ૧૦ મિનિટ ડિલિવરી હટાવવાનો નિર્ણય લીધો છે, જે ડિલિવરી પાર્ટનર્સની સુરક્ષા માટે અત્યંત જરૂરી પગલું છે. તેમણે કહ્યું કે તમારો અવાજ આ કંપનીના મેનેજમેન્ટ સુધી તો ન પહોંચ્યો અથવા અવગણવામાં આવ્યો પરંતુ કેન્દ્ર સરકારે આ અવાજ સાંભળી છે અને તેના પર કાર્યવાહી પણ કરી છે.

રાઘવ ચઢ્ઢાએ આ મુદ્દે પ્રકાશ પાડતા કહ્યું કે, જ્યારે રાઈડરની ટી-શર્ટ કે બેગ પર ‘૧૦ મિનિટ’ લખેલું હોય અને ગ્રાહકની સ્ક્રીન પર ટાઈમર ચાલતું હોય, ત્યારે ડિલિવરી બોય પર ખોટું અને અવાસ્તવિક દબાણ સર્જાય છે. તેમણે છેલ્લા કેટલાક મહિનાઓમાં સેંકડો ડિલિવરી પાર્ટનર્સ સાથે મુલાકાત કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે ટૂંકા સમયગાળામાં ડિલિવરી કરવાના ચક્કરમાં અનેક યુવાનો જીવના જોખમે વાહન ચલાવવા મજબૂર હતા. આ નિર્ણય માત્ર રાઈડર્સ જ નહીં, પરંતુ રસ્તા પર ચાલતા દરેક નાગરિકની સલામતી સુનિશ્ચિત કરશે.

કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ પણ આ નિર્ણયને તેમની લાંબા સમયની લડતની સફળતા ગણાવી છે. સંગઠન મુજબ, સંસદમાં અવાજ ઉઠાવવા અને સરકારને સતત રજૂઆતો કર્યા બાદ આ દૂરંદેશી નિર્ણય લેવામાં આવ્યો છે. આનાથી ડિલિવરી કર્મચારીઓના જીવનની સાથે સ્થાનિક વેપાર અને રિટેલ ઇકોસિસ્ટમનું પણ રક્ષણ થશે. વેપારી સંગઠનોએ આ પગલાને માનવીય ગણાવી સરકાર અને સાંસદ રાઘવ ચઢ્ઢાના પ્રયાસોની પ્રશંસા કરી છે.

આપણ વાંચો:  દેશમાં દોડાવવામાં આવશે નવી 9 અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન, જાણો રુટ અને અન્ય વિગતો

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button