રતન ટાટાના અંતિમસંસ્કારમાં જોવા મળ્યા આ ૪ ખાસ લોકો, સોશિયલ મીડિયા જીત્યું લોકોનું દિલ
ટાટા સન્સના ચેરમેન રતન ટાટાનું બુધવારે રાત્રે શહેરની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ૮૬ વર્ષની વયે અવસાન થયું હતું. આ પછી, રાષ્ટ્રધ્વજમાં લપેટાયેલા દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના પાર્થિવ દેહને આજે સવારે મુંબઈના નરીમાન પોઈન્ટ ખાતેના એનસીપીએ લૉનમાં લાવવામાં આવ્યો હતો. અંતિમસંસ્કાર પહેલા લોકોએ અહીં તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. ટાટા ટ્રસ્ટના એક નિવેદન અનુસાર આજે સાંજે ૪ વાગ્યે તેમની અંતિમ યાત્રા નીકળી હતી, જ્યારે એનસીપીએ લૉન ખાતે મોટી સંખ્યામાં લોકો વિદાય આપવા માટે એકઠા થયા હતા.
ખાસ વાત એ છે કે આ દરમિયાન હિન્દુ ધર્મગુરુઓ, મુસ્લિમ મૌલવીઓ, શીખ સમુદાય તેમજ ખ્રિસ્તી ધર્મગુરુઓ હાજર રહ્યા હતા. લોકોએ આ માટે સોશિયલ મીડિયા પર ટાટાના વખાણ કર્યા. એક યુઝરે લખ્યું કે એક હિંદુ ધર્મગુરુ, ઈસાઈ પાદરી, મુસ્લિમ ઈમામ અને એક શીખ સંત પાછળ ઊભા છે. ખરેખર આ બિનસાંપ્રદાયિક છે! આરઆઈપી રતન ટાટા સર.
વીડિયોમાં પોલીસ બેન્ડ ટ્રમ્પેટ અને ડ્રમ સાથે અંતિમસંસ્કારની ધૂન વગાડતા જોવા મળ્યા હતા. એનસીપીએ લૉન તરફ જતા રસ્તાને પોલીસે કોર્ડન કરી લીધો હતો. ઓબેરોય હોટેલની આગળ મરીન ડ્રાઈવ રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ભારત સરકાર વતી પીઢ ઉદ્યોગપતિના અંતિમસંસ્કારમાં સામેલ થયા હતા. અગાઉ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે રાત્રે કહ્યું હતું કે અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલયના સત્તાવાર નિવેદન અનુસાર, રાજ્ય સરકારે એક દિવસનો શોક જાહેર કર્યો છે. મહારાષ્ટ્રના સીએમઓએ કહ્યું કે તમામ સરકારી ઈમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાશે અને આજે સરકાર તરફથી કોઈ સાંસ્કૃતિક કે મનોરંજન કાર્યક્રમ યોજવામાં આવશે નહીં.