મેલબર્નમાં રેકૉર્ડ-બ્રેક 94,199 પ્રેક્ષકની હાજરીમાં પડી 20 વિકેટઃ 124 વર્ષ જૂના વિક્રમની બરાબરી

ઍશિઝ ટેસ્ટમાં પ્રથમ દિવસે 20 બૅટ્સમેન પૅવિલિયન ભેગા થયા, તમામ વિકેટ પેસ બોલર્સે લીધી
મેલબર્નઃ શુક્રવારના બૉક્સિંગ-ડેએ ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે ઍશિઝ (Ashes) સિરીઝની ચોથી ટેસ્ટ ધમાકાભેર શરૂ થઈ જેમાં પહેલા જ દિવસે કુલ 20 વિકેટ (20 wickets) પડી. બીજી નવાઈની વાત એ છે કે શુક્રવારના પ્રથમ દિવસે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી)માં પ્રેક્ષકોની સંખ્યા 94,199 હતી અને આ ઐતિહાસિક સ્ટેડિયમમાં ક્રિકેટ મૅચના કોઈ એક જ દિવસમાં સૌથી વધુ પ્રેક્ષકોની હાજરીની રેકૉર્ડ-બુકમાં આ નવો વિક્રમ છે. એ સાથે, એમસીજીમાં 2015ની સાલનો (10 વર્ષ જૂનો) વિક્રમ તૂટ્યો હતો. 2015માં એમસીજીમાં ઑસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચેની ફાઇનલ 93,013 પ્રેક્ષકે માણી હતી. માઇકલ ક્લાર્કની નેતૃત્વમાં ઑસ્ટ્રેલિયાએ એ ફાઇનલ 101 બૉલ તથા સાત વિકેટ બાકી રાખીને જીતી લીધી હતી. બ્રેન્ડન મૅક્લમ ત્યારે ન્યૂ ઝીલૅન્ડનો સુકાની હતો અને હાલમાં તે ઇંગ્લૅન્ડનો હેડ-કોચ છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્રિકેટ જગતમાં સૌથી મોટું છે, જ્યાં 1,32,000 પ્રેક્ષક બેસી શકે એટલી સીટ છે.

શુક્રવારે બન્ને ટીમની પ્રથમ ઇનિંગ્સ પૂરી થઈ ગઈ અને ઑસ્ટ્રેલિયાનો બીજો દાવ પણ શરૂ થઈ ગયો હતો. તમામ 20 વિકેટ પેસ બોલર્સે લીધી હતી. એમસીજીમાં ઍશિઝ સિરીઝની ટેસ્ટના પ્રથમ દિવસે 20 વિકેટ પડી હોય એવું આ પહેલાં 1901ની સાલમાં (124 વર્ષ પૂર્વે) બન્યું હતું.
આ મૅચ શનિવારના બીજા કે રવિવારના ત્રીજા દિવસે પૂરી થઈ જશે તો નવાઈ નહીં લાગે. પહેલાં તો ઑસ્ટ્રેલિયાની ટીમ 152 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી.

ઇંગ્લૅન્ડના રાઇટ-આર્મ મિડિયમ પેસ બોલર જૉશ ટન્ગે પાંચ વિકેટ લીધી હતી. જોકે પછીથી ઑસ્ટ્રેલિયાના પેસ બોલર્સ માઇકલ નેસરની ચાર વિકેટ અને સ્કૉટ બૉલેન્ડની ત્રણ વિકેટને કારણે ઇંગ્લૅન્ડ ફક્ત 110 રનમાં ઑલઆઉટ થઈ જતાં ઑસ્ટ્રેલિયાને 42 રનની સરસાઈ મળી ગઈ હતી. ઇંગ્લૅન્ડનો પીઢ બૅટ્સમૅન જૉ રૂટ પોતાના 15મા બૉલ પર ખાતું ખોલાવ્યા વગર નેસરના બૉલમાં વિકેટકીપર ઍલેક્સ કૅરીના હાથમાં કૅચઆઉટ થયો હતો.
બીજા દાવને અંતે યજમાન ટીમનો સ્કોર વિના વિકેટે ચાર રન હતો. ઑસ્ટ્રેલિયા પાંચ મૅચની સિરીઝમાં 3-0થી વિજયી સરસાઈ ધરાવે છે અને વર્તમાન મૅચ ઉપરાંત સિડનીની છેલ્લી મૅચ પણ જીતીને 5-0થી ક્લીન સ્વીપ કરવાના મૂડમાં છે.



