Top Newsવડોદરા

ગુજરાત ભાજપના ક્યા નેતાને ડિજિટલ એરેસ્ટ કરવાનો થયો પ્રયાસ ?

વડોદરાઃ સાયબર ગઠિયા દ્વારા ગુજરાતના ધારાસભ્યને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે ધારાસભ્યની સતર્કતાથી તેઓ જાળમાં ફસાયા નહોતા. મળતી વિગત પ્રમાણે, સાયબર ગઠિયા દ્વારા પૂર્વ પ્રધાન અને વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને મુંબઈ પોલીસના નામે ફોન કરીને હાઉસ એરેસ્ટની જાળમાં ફસાવાનો પ્રયાસ થયો હતો.

કોલ કરનારે તમારું નામ યોગેશ પટેલ છે, તમારા નામે નોટીસ નીકળી છે તેવું જણાવતાની સાથે ધારાસભ્યએ આગળ વાત સાંભળ્યા વગર તું જે સ્કૂલમા ભણે છે તે સ્કૂલનો હું પ્રિન્સિપાલ રહી ચુક્યો છું તેમ રોકડું પરખાવી ફોન કાપી નાખ્યો હતો.

યોગેશ પટેલે કોને કર્યો ફોન

આ પછી યોગેશ પટેલે શહેર પોલીસ કમિશનરને ફોન કરીને સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો હતો. સીપીની સૂચનાથી સાયબર ક્રાઈમ પોલીસે તપાસ શરૂ કરી હતી. જે બાદ તેમણે બીજો ફોન નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીને કર્યો હતો. તેમણે વડોદરામાં લારીઓ પર ખુલ્લેઆમ વેચાતા સીમકાર્ડ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સૂચન આપ્યું હતું કે, સીમકાર્ડ માત્ર કંપનીના ઓથોરાઈઝ્ડ સેન્ટર પરથી જ મળવા જોઈએ. નવું સીમકાર્ડ લેવા માટે બે સ્થાનિક સાક્ષીઓની સહી ફરજિયાત હોવી જોઈએ. લારીઓ પર ડોક્યુમેન્ટ્સ લઈને અપાતા બોગસ સીમકાર્ડ આ પ્રકારના ગુનાઓનું મુખ્ય કારણ છે.

ઘટના અંગે યોગેશ પટેલે જણાવ્યું કે, સામાન્ય નાગરિકો આવા ફોન કોલથી ડરી જાય છે અને પોતાની બચત ગુમાવે છે. ઉલ્લેખનીય છે કે યોગેશ પટેલ સતત આઠ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે. યોગેશ પટેલ વર્ષ 1990માં પ્રથમ વખત જનતા દળમાંથી રાવપુરા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને કૉંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ઠાકોર સામે 20,388 મતોથી જીત્યા હતા.

તે સમયે ભાજપના ઉમેદવાર મધુભાઈ શાહ 16,546 મતો સાથે ત્રીજા નંબરે હતા. જોકે, વર્ષ 1995ની ચૂંટણી પહેલાં તેઓ ભાજપમાં જોડાયા હતા અને ત્યારથી સતત સાત ટર્મ સુધી તેઓ ભાજપમાંથી જીતતા આવ્યા છે. વર્ષ 2012માં નવા સીમાંકન બાદ વડોદરાની ત્રણ બેઠકોનું વિભાજન થઈને પાંચ બેઠકો થઈ હતી. તે સમયે માંજલપુર વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક અસ્તિત્વમાં આવી તે પહેલાં તેનો મોટાભાગનો વિસ્તાર રાવપુરા બેઠકમાં આવતો હતો.

2012 સુધીમાં સતત પાંચ વખત ભાજપમાંથી રાવપુરા બેઠક પરથી ચૂંટણી જીતીને આવેલાં યોગેશ પટેલને માંજલપુર બેઠક પરથી ઊભા રાખવામાં આવ્યા અને તેઓ 51,785 મતોની લીડથી જીત્યા પણ ખરા. ત્યાર બાદ 2017માં તેમની લીડ વધીને 56,362 થઈ હતી. આ રીતે આ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી અત્યાર સુધી અહીં ભાજપના પાટીદાર ઉમેદવાર યોગેશ પટેલ જ ધારાસભ્ય છે.

આપણ વાંચો:  કાંકરિયા કાર્નિવલ 2025: શવિવાર બાદ રવિવારે પણ માનવ મહેરામણ ઉમટ્યું, આજે પણ તમામ ગેટ બંધ કરાયા…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button