Top Newsઇન્ટરનેશનલનેશનલ

જ્યાંથી ‘સસ્તું’ તેલ મળશે ત્યાંથી ‘ખરીદશું’: ટ્રમ્પના દાવા પર ભારત સરકારની નવી સ્પષ્ટતા

નવી દિલ્હીઃ ભારત ટૂંક સમયમાં અમેરિકા પાસેથી પેટ્રોલિયમ, ડિફેન્સ, ઈલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ્સ, ટેલિકોમ પ્રોડક્ટ્સ અને વિમાન ખરીદશે તેવો દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં મુજબ બંને પક્ષોની વાતચીત બાદ ટ્રેડ ડીલ પર સત્તાવાર મહોર મારવામાં આવશે. ડીલનો હેતુ ભારતની સાથે અમેરિકાની વેપાર ખાધ ઘટાડવાનો છે. આ દરમિયાન સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમેરિકા સાથે ટ્રેડ ડીલમાં ભારત તેના હિત સાથે કોઈ સમજૂતી નહીં કરે.

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર ભારતે પોતાની ‘લક્ષ્મણ રેખા’ સ્પષ્ટ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતે સાફ કરી દીધું છે કે અમેરિકા સાથેના વ્યાપારમાં ખેડૂતોના હિતો સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. કૃષિ અને ડેરી જેવા સંવેદનશીલ ક્ષેત્રો પહેલા પણ સુરક્ષિત હતા, અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ સુરક્ષિત જ રહેશે.

આ ઉપરાંત, ભારત પોતાના આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને જ તેલની ખરીદી કરે છે અને કરતું રહેશે. વિશ્વમાં જ્યાંથી પણ તેલના સારા ભાવ મળશે, ત્યાંથી દેશની જનતાના હિતમાં ભારત તેલ ખરીદવાનું ચાલુ રાખશે. ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફની જાહેરાત કરતા સમયે દાવો કર્યો હતો કે ભારત હવે રશિયા પાસેથી તેલ નહીં ખરીદે.

ભારતને ફાયદો?
અમેરિકા તરફથી ભારતીય ઉત્પાદનો પર ટેરિફ ઘટાડીને 18 ટકા કરવા પર ભારતને વૈશ્વિક નિકાસ સ્પર્ધામાં લાભ થશે. નવા ટેરિફમાં ભારતને અનેક દેશોની તુલનામાં ઓછા ટેરિફ વાળા દેશોની શ્રેણીમાં મુકવામાં આવ્યો છે. વર્તમાન ટેરિફ સ્થિતિ અનુસાર, ભારત પર 18 ટકા ટેરિફ છે. જ્યારે ઈન્ડોનેશિયા પર 19 ટકા, વિયેતનામ અને બાંગ્લાદેશ પર 20 ટકા તથા ચીન પર 34 ટકા ટેરિફ છે. આને જોતાં ભારત હવે એશિયાના અન્ય દેશોની તુલનામાં ભારતને વધુ ફાયદો થશે.

ટ્રમ્પે શું કહ્યું?
કરાર મુજબ યુએસ ભારત લગાવેલો 25 ટકા રેસિપ્રોકલ ટેરીફ ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે, બદલમાં ભારતની બજારમાં યુએસની પહોંચને સરળ બનાવવામાં આવી છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ ભારત રશિયન પેટ્રોલીયમની ખરીદી બંધ કરવા તૈયાર થયું છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે ભારત યુએસના ઉત્પાદનોઓ પર ટેરિફ ઘટાડવા અને નોન-ટેરિફ અવરોધોને સપૂર્ણ પણે દૂર કરવા તૈયાર છે.

PM મોદીએ શું કહ્યું?
સોશિયલ મીડિયા પોસ્ટમાં, વડા પ્રધાન મોદીએ ટ્રમ્પ સાથેની વાતચીત “અદ્ભુત” ગણાવી અને યુએસમાં આયાત થતા ભારતના ઉત્પાદનો રેસિપ્રોકલ ટેરિફ ઘટાડીને 18 ટકા કરવા બદલ તેમનો આભાર માન્યો. જોકે, ભારત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં રશિયન પેટ્રોલિયમની ખરીદી બંધ કરવા અંગે હજુ સુધી ક્યાંય કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

ભારત પર કેટલો ટેરિફ હતો?
ભારત પર કુલ 50 ટકા ટેરિફ હતો. જેમાં 25 ટકા બેઝિક અને 25 ટકા એડિશનલ ટેરિફ સામેલ હતો. આ વધારાનો 25 ટકા ટેરિફ સીધો ભારતની રશિયન તેલની ખરીદી સાથે જોડાયેલો હતો, જેને હવે હટાવી દેવામાં આવ્યો છે. આ નિર્ણય વેપાર નીતિને ઊર્જા અને ભૂ-રાજકીય ઉદ્દેશ્યો સાથે જોડવાની અમેરિકાની વ્યૂહરચના દર્શાવે છે.

આપણ વાંચો:  અમેરિકાએ ભારત પરનો ટેરિફ ઘટાડયો: શું લખ્યું ડોનાલ્ડ ટ્રમ્પે, જાણી લો…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button