ઉત્તર પ્રદેશના બુલંદ શહેર નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત, 8 લોકોના મોત 43 ઘાયલ

બુલંદ શહેર : ઉત્તર પ્રદેશના બુલંદ શહેર નજીક મોટી દુર્ઘટના સર્જાઇ છે. જેમાં એક રોડ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે અને 43 લોકો ઘાયલ થયા છે. આ અંગે મળતી માહિતી મુજબ કાસગંજ થી રાજસ્થાનના ગોગામેડી દર્શન માટે જતાં શ્રદ્ધાળુથી ભરેલા ટ્રેક્ટરને ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાં એક બાળક અને બે મહિલા પણ સામેલ છે. આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ દુર્ઘટના રાત્રે 02. 10 વાગે ઘટી હતી
આ અંગે મળતી માહિતી મુજબ ટ્રકમાં અનાજનું ભૂસું હતું. ટ્રક ડ્રાયવરે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટના બાદ ડીએમ અને એસએસપી સહિત પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. તેમજ ઘટનાના માર્યા ગયેલા લોકોના શબને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ દુર્ઘટના રાત્રે 02. 10 વાગે ઘટી હતી. પોલીસે જણાવ્યું હતું કે દુર્ઘટના અરનિયા બાયપાસ નજીક બુલંદ શહર – અલીગઢ બોર્ડર નજીક ઘટી હતી.
ટ્રેક્ટરમાં 61 લોકો સવાર હતા
આ દુર્ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરી હતી. તેમજ તપાસમાં જાણવા મળ્યું હતું કે ટ્રેક્ટર ટ્રૉલીને ડબલ ડેકર બનાવવામાં આવી હતી. જેમાં 61 લોકો સવાર હતા. જે કાસગંજથી રાજસ્થાનના જહારપીર યાત્રા માટે જઇ રહ્યા હતા. ત્યારે પાછળથી આવી રહેલા ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારી હતી. જેના લીધે ટ્રેક્ટર પલટી ગયું હતું.
ઘાયલોમાં બે લોકોની હાલત ગંભીર
પોલીસે આ ઘટનાના ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા છે. આ ઘાયલોમાં બે લોકોની હાલત ગંભીર છે. જ્યારે 10 ઘાયલોને અલીગઢ મેડિકલ કોલેજ રિફર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો…પંજાબના હોશિયારપુરમાં ભયંકર અકસ્માત, એલપીજી ટેન્કરમાં આગ લાગતા બેના મોત, 20 ઘાયલ