
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે દેશમાં વધી રહેલા ડિજિટલ ફ્રોડ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ડિજિટલ માધ્યમો દ્વારા રૂ. 54,000 કરોડથી વધુની રકમની ઉચાપત એ માત્ર છેતરપિંડી નહીં પણ સીધી “લૂંટ અથવા ધાડ” સમાન છે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચી તથા જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે અવલોકન કર્યું હતું કે આ રકમ ઘણા નાના રાજ્યોના કુલ બજેટ કરતા પણ વધારે છે. કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને RBI, બેંકો અને ટેલિકોમ વિભાગ જેવા હિતધારકો સાથે પરામર્શ કરીને એક મજબૂત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તૈયાર કરવા સૂચના આપી છે.
અદાલતે નોંધ્યું હતું કે આવા ગુનાઓ બેંક અધિકારીઓની મિલીભગત અથવા બેદરકારીને કારણે પણ થઈ શકે છે, તેથી RBI અને બેંકો દ્વારા સમયસર પગલાં લેવા અત્યંત જરૂરી છે.
સુપ્રીમ કોર્ટે ગૃહ મંત્રાલયને નિર્દેશ આપ્યો છે કે તેઓ RBI અને DoTના વર્તમાન નિયમોને ધ્યાનમાં રાખીને આગામી ચાર અઠવાડિયામાં એક ડ્રાફ્ટ MoU તૈયાર કરે જેથી આવા ગુનાઓ સામે અસરકારક રીતે લડી શકાય.
આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે સીબીઆઈને ડિજિટલ અરેસ્ટના કેસ બહાર લાવવા જણાવ્યું હતું અને ગુજરાત અને દિલ્હી સરકારોને નિર્દેશ કર્યો હતો કે સીબીઆઈને મંજૂરી આપવામાં આવે, જેથી તેઓ આ કેસમાં તપાસ કરી શકે.
ડિજિટલ અરેસ્ટ જેવી વધતી જતી સાયબર ગુનાખોરી અંગે ચિંતા વ્યક્ત કરતા કોર્ટે પીડિતોને વળતર આપવા પર પણ ભાર મૂક્યો હતો. RBI અને ટેલિકોમ વિભાગને સંયુક્ત બેઠક યોજી વળતર માટેનું માળખું તૈયાર કરવા જણાવાયું છે.
આપણ વાચો: ‘ડિજિટલ અરેસ્ટ’ ફ્રોડમાં 1.2 કરોડ ગુમાવ્યાના મહિના બાદ નિવૃત્ત સરકારી અધિકારીનું મૃત્યુ
ઉલ્લેખનીય છે કે ડિજિટલ અરેસ્ટમાં ગુનેગારો સરકારી અધિકારી કે પોલીસ હોવાનો ઢોંગ કરી ઓડિયો-વીડિયો કોલ દ્વારા પીડિતોને ડરાવી-ધમકાવીને નાણાં પડાવતા હોય છે.
અગાઉની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સાયબર ગુનેગારો દ્વારા દેશની બહાર જતી વિશાળ રકમ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને RBI ને સવાલ કર્યો હતો કે ગુનેગારોના ખાતા ટ્રેસ કરવા અને ફ્રીઝ કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી.
હવે આ મામલે સત્તાધીશોએ આગામી સુનાવણી પહેલા નવો સ્ટેટસ રિપોર્ટ ફાઈલ કરવાનો રહેશે. આ કેસની વધુ સુનાવણી ચાર અઠવાડિયા પછી હાથ ધરવામાં આવશે.



