Top Newsનેશનલ

ઉન્નાવ રેપ કેસ મામલે કુલદીપ સેંગરને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો, જામીન પર લગાવ્યો સ્ટે

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) ઉન્નાવ રેપ કેસમાં (Unnao rape case) પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને (Kuldeep Singh Sengar ) મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કુલદીપ સિંહ સેંગરને આપવામાં આવેલા જામીન પર સ્ટે લગાવી દીધો છે અને દિલ્હી હાઈકોર્ટના આદેશ પર પણ રોક લગાવી દીધી છે. સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કાર્યવાહી કરતા સર્વોચ્ચ અદાલતે સેંગરને નોટિસ પણ પાઠવી છે.

દિલ્હી હાઈકોર્ટના નિર્ણય પર રોક
સીજેઆઈની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે ઉન્નાવ રેપ કેસમાં દિલ્હી હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કુલદીપ સેંગરને નોટિસ પણ જારી કરી છે. ઉન્નાવ રેપ કેસમાં પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની આજીવન કેદની સજાને દિલ્હી હાઈકોર્ટે સ્થગિત કરી દીધી હતી અને તેમને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. સીજેઆઈએ કહ્યું કે હાઈકોર્ટના જે જજે આ ચુકાદો આપ્યો છે તે ખૂબ જ સારા જજ છે, જોકે ભૂલ કોઈનાથી પણ થઈ શકે છે. પોક્સો (POCSO) હેઠળ જો કોન્સ્ટેબલ જાહેર સેવક હોઈ શકે, તો ધારાસભ્યને કેમ અલગ રાખવામાં આવ્યા, તે ચિંતાનો વિષય છે.

શું કરવામાં આવી દલીલ?
ઉલ્લેખનીય છે કે સીબીઆઈ વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે બાળકી સાથે થયેલો બળાત્કાર અત્યંત ભયાનક હતો. તે સમયે તેની ઉંમર ૧૬ વર્ષ પણ નહોતી. આ કેસમાં આઈપીસી (IPC) ની કલમ ૩૭૬ અને પોક્સો (POCSO) એક્ટની કલમ ૫ અને ૬ હેઠળ આરોપો નક્કી કરવામાં આવ્યા હતા.

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે જો કોઈ કોન્સ્ટેબલ ફરજ પર હોય અને તે આવું કૃત્ય કરે તો તે દોષિત સાબિત થાય છે. જો કોઈ આર્મી ઓફિસર આવું કામ કરે તો તે પણ એગ્રવેટેડ સેક્સ્યુઅલ અસોલ્ટનો દોષિત ગણાય છે. તેવી જ રીતે, જો કોઈ એવી વ્યક્તિ જેને પોક્સોની કલમોમાં સ્પષ્ટપણે ‘પબ્લિક સર્વન્ટ’ નથી કહેવામાં આવી પરંતુ તેની પાસે જવાબદાર હોદ્દો છે, તો તે પણ દોષિત ઠરવો જોઈએ.

દલીલો સાંભળ્યા બાદ સીજેઆઈ સૂર્યકાંતે જણાવ્યું હતું કે, “અમે હાઈકોર્ટના આદેશ પર રોક લગાવવાના પક્ષમાં છીએ. સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિ જેલમાંથી બહાર જતી રહી હોત તો કદાચ તેની સ્વતંત્રતાનું ધ્યાન રાખવામાં આવત, પરંતુ અહીં પરિસ્થિતિ ખાસ છે કારણ કે તે અન્ય એક કેસમાં જેલમાં જ છે.

આપણ વાંચો:  ઓપરેશન સિંદૂરના 7 મહિના બાદ પાકિસ્તાને કરી આ ચોંકાવનારી કબૂલાત

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button