
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં ગઈકાલે તમામ કૉમૉડિટીના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા, જેમાં સોના અને ચાંદી સહિતની અન્ય કિંમતી ધાતુઓ પણ બાકાત નહોતી.
ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં ત્રણ ટકા જેટલો અને ચાંદીના ભાવમાં 17 ટકાનો ઘટડો આવ્યા બાદ આજે લંડન ખાતે સોનાના ભાવમાં વધુ 2.26 ટકાનો અને ચાંદીના ભાવમાં 11.25 ટકાનો ઘટાડો આગળ ધપ્યો હતો.
આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 28,123નો કડાકો બોલાઈ ગયો હતો, જ્યારે સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 4107થી 4123 ઘટી આવ્યા હતા.
આપણ વાચો: અમેરિકાના શટડાઉનના અંત સાથે સોના અને ચાંદીમાં તેજીનો ચમકારો
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વિશ્વ બજાર પાછળ 999 ટચ ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 28,123ના ગાબડાં સાથે રૂ. 2,54,339ની સપાટીએ રહ્યા હતા.
તાજેતરમાં ચાંદીના ભાવમાં ભારે અફરાતફરીનું વલણ રહેતું હોવાથી સ્ટોકિસ્ટો તેમ જ રોકાણકારો નવી લેવાલીથી દૂર રહે છે તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા ઔદ્યોગિક વપરાશકારોની માગ પણ ખપપૂરતી જ રહે છે.
વધુમાં આજે સોનાના ભાવમાં પણ ઘટાડાતરફી વલણ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ગઈકાલના બંધ સામે રૂ. 4107ના ઘટાડા સાથે રૂ. 1,51,891 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 4123 ઘટીને રૂ. 1,52,502ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં પણ વધુ ભાવઘટાડાના આશાવાદ સાથે સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આપણ વાચો: સરકારે સોના અને ચાંદીના ફાઈન્િંડગ્સ અને સિક્કાઓ પરની આયાત જકાત વધારીને ૧૫ ટકા કરી
ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં અનુક્રમે ત્રણ ટકાનો અને 17 ટકાનો કડાકો બોલાઈ ગયા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ભાવઘટાડો આગળ ધપતા હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 2.26 ટકા ઘટીને આૈંસદીઠ 4850.06 ડૉલર અને એપ્રિલ વાયદામાં ભાવ 1.2 ટકા ઘટીને 4891.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 10.8 ટકા ઘટીને આૈંસદીઠ 78.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.
ગત શુક્રવારે વૈશ્વિક સોના-ચાંદીમાં ભારે ચંચળતા જોવા મળ્યા બાદ બે સત્ર દરમિયાન સુધારો જોવા મળ્યા બાદ બજારને તેજીતરફી પરિબળોનો કોઈ ટેકો ન મળતાં પુનઃ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હોવાનું વિશ્લેષક જુલિયસ બૅરે જણાવતાં ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળા સુધી આ ચંચળતા જોવા મળે તેવી શક્યતા નકારી ન શકાય.
નોંધનીય બાબત એ છે કે અમેરિકી ફેડરલના ભૂતપૂર્વ ગવર્નર કેવિન વૉર્શની અમેરિકી ફેડરલ રિઝર્વના ભાવી અધ્યક્ષ તરીકેની નિયુક્તિના નિર્દેશો સાથે તેઓ વધુ હળવી નાણાનીતિ નહીં અપનાવે તેવી ધારણા સાથે ગત સોમવારે સોનાના ભાવ ઘટીને આૈંસદીઠ 4403.24 ડૉલર થઈ ગયા હતા.
આપણ વાચો: ભગવાન રામલલાની ચરણ પાદુકા આટલા સોના અને ચાંદીમાંથી બનેલી છે
તેમ જ ચાંદી પણ ઘટીને આૈંસદીઠ 71.32 ડૉલર સુધી પહોંચી હતી. જોકે, ત્યાર બાદ અમેરિકા-ઈરાન વચ્ચેનો ભૂરાજકીય તણાવ સપાટી પર આવતા પુનઃ સલામતી માટેની માગને ટેકે બે સત્ર દરમિયાન ભાવમાં સુધારો જોવા મળ્યો હતો.
વધુમાં સાક્સો બૅન્કના કૉમૉડિટી સ્ટ્રેટેજિસ્ટ ઓલે હાસને જણાવ્યું હતું કે ચીનના વાયદા બજારમાં અને શિકાગો મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ચાંદીના વાયદામાં ભારે વેચવાલીનું દબાણ રહેતાં ભાવ આૈંસદીઠ 90.50 ડૉલરની પ્રતિકારક સપાટી પાર નહોંતા કરી શક્યા.



