
અમદાવાદઃ સૌરાષ્ટ્ર માટે મંગળવાર અમંગળ સાબિત થયો હતો. અહીં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં છ જણના મોત થયા હતા. ગીર-સોમનાથ અને જામનગર-લાલપુર પાસે થયેલા અકસ્માતમાં છ જણ મોતને ભેટ્યા હતા.
જામનગર-લાલપુર નેશનલ હાઈ વે પર સણોસરા ગામ પાસે મોડી રાત્રે એક પંક્ચર પડેલી કારનું ચાર યુવાન ટાયર બદલી રહ્યા હતા. તે જ સમયથી પાછળથી આવતી અન્ય એક કારે આ ચારેયને કચડી નાખ્યા હતા, જેમાં ત્રણ યુવાન મૃત્યુ પામ્યા હતા જ્યારે એકને ઈજા થતા હૉસ્પિટલમાં ખસેડાયો હતો.
મૃતકોમાં કમલેશ નારણ ગાગીયા (36 વર્ષ), શ્રુદીપ દિનેશ ગોજીયા (16 વર્ષ) અને ભરત લખમણ ડાંગર (21 વર્ષ)નો સમાવેશ થાય છે, તેવી માહિતી સૂત્રો પાસેથી મળી હતી. અન્ય એક કિશોર શ્યામ અશોક ગાગીયા (16 વર્ષ)ને ગંભીર ઈજા થતા 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આપણ વાચો: ગીર સોમનાથમાં છકડો, આઇસર અને બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત, કાકા-ભત્રીજા સહિત 3ના ઘટનાસ્થળે જ મોત…
તો બીજો અકસ્માત ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં સુરવા માધુપુર રોડ પર સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માત બાઈક, નારિયેળ ભરેલો છકડો રિક્ષા અને એક આઇસર ટ્રક વચ્ચે થયો હતો.
મળતી માહિતી અનુસાર નાળિયેર ભરેલો છકડો, આઇસર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતા આ અકસ્માત સર્જાયો હતો. આ ટ્રિપલ અકસ્માતમાં બાઇક પર સવાર એક જ પરિવારના કાકા-ભત્રીજા બંનેના મોત થયા હતા, તેની સાથે જ નારિયેળ ભરેલો છકડો ચલાવનાર ચાલકનું પણ મોત થયું હતું.
મૃતકોની ઓળખ કિશોરભાઈ, પ્રભુદાસભાઈ અને દીક્ષિતભાઈ વડોદરિયા તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં જ તાલાલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે તાલાલાની સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે. તાલાલા સરકારી હોસ્પિટલમાં મૃતકોના સ્વજનો દોડી આવ્યા હતા. મૃતકોના સ્વજનોના આક્રંદથી હોસ્પિટલનું વાતાવરણ શોકમય બની ગયું હતું.



