રશિયા-યુક્રેન યુદ્ધનો અંત નજીક? ટ્રમ્પની બેઠક બાદ શાંતિ વાટાઘાટોની આશા જાગી; જાણો બેઠકમાં શું રંધાયું?

વોશીન્ગ્ટન ડીસી: અમેરિકાના રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અધ્યક્ષતામાં રશિયા-યુક્રેન યુદ્ધને લઈને એક મોટી બેઠક યોજાઈ હતી, જેમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી અને યુરોપના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ યુદ્ધ સમાપ્ત થવાની આશા વધી છે, કારણ કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઝેલેન્સ્કી બંને આમને-સામને શાંતિ શિખર સંમેલન માટે તૈયાર થયા છે.
આ બેઠક લગભગ છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાના ઉદ્દેશ્યથી બોલાવવામાં આવી હતી. બેઠકમાં ઝેલેન્સ્કી ઉપરાંત ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં, જર્મનીના ચાન્સલર ફ્રેડરિક મર્ઝ, બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર, ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ, નાટો પ્રમુખ માર્ક રૂટે અને યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લિએન સહિતના અનેક નેતાઓ હાજર રહ્યા હતા.
શાંતિની આશા વધી
બેઠક બાદ ટ્રમ્પે કહ્યું કે તેમણે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી છે. પુતિન અને ઝેલેન્સ્કી આમને-સામને શાંતિ વાટાઘાટો કરવા માટે તૈયાર છે. આ લગભગ સાડા ત્રણ વર્ષના યુદ્ધ બાદ બંને નેતાઓ વચ્ચે પ્રથમ બેઠક હશે. યુદ્ધને વહેલી તકે સમાપ્ત કરવાના તેમના વાયદાને પૂર્ણ કરવાના પ્રયાસોમાં 79 વર્ષીય ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું, “રશિયા-યુક્રેન માટે શાંતિની સંભાવનાથી દરેક જણ ખૂબ ખુશ છે.” અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુક્રેનને સુરક્ષા ગેરંટી આપવાનો સંકેત પણ આપ્યો છે, પરંતુ પુતિન આ માટે કેટલા રાજી થશે તે સમય જ કહેશે. હાલ તો આ બેઠકને યુદ્ધનો અંત લાવવા માટે એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
જોકે, આ બેઠક બાદ વોલોડીમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે પુતિન સાથેની બેઠકની કોઈ નિશ્ચિત તારીખ નક્કી થઈ નથી. તેમણે કહ્યું, અમારી પાસે કોઈ તારીખ નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે પુષ્ટિ કરી છે કે અમે ત્રિપક્ષીય બેઠક માટે તૈયાર છીએ. જો રશિયા અમેરિકાના રાષ્ટ્રપતિની હાજરીમાં દ્વિપક્ષીય બેઠકનો પ્રસ્તાવ મૂકે તો અમે તેનો સ્વીકાર કરીશું. ત્યાર બાદ ત્રિપક્ષીય બેઠક થઈ શકે છે. યુક્રેન શાંતિના માર્ગમાં ક્યારેય અટકશે નહીં અને અમે કોઈપણ પ્રકારની વાટાઘાટો માટે તૈયાર છીએ, પરંતુ માત્ર નેતાઓના સ્તરે.”
આ પણ વાંચો…ટ્રમ્પની પુતિન સાથેની બેઠક બાદ હવે ઝેલેન્સ્કી સાથે મુલાકાત: યુદ્ધવિરામ માટે દબાણ થશે?