Top Newsરાજકોટ

‘લાલો’ના પ્રમોશનમાં અકસ્માત જાણો કોની સામે રાજકોટ પોલીસે નોંધ્યો ગુનો ?

રાજકોટ: ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ઇતિહાસ સર્જનારી અને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવતી ફિલ્મ ‘લાલોઃ શ્રી કૃષ્ણ સદા સહાયતે’ના કલાકારો ફિલ્મના પ્રમોશન માટે રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલ ખાતે ફિલ્મની સ્ટાર કાસ્ટ પ્રમોશન માટે આવી પહોંચતા જ ચાહકોનીની ભીડ બેકાબુ બનતા અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી. મોલમાં સુરક્ષા વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.

આ ઘટનામાં મોલની ઇલેક્ટ્રિક સીડીના પગથિયે એક બાળકી પટકાઈ હતી. જો કે, બે વ્યક્તિએ બાળકીનો જીવ બચાવ્યો હતો. સમગ્ર ઘટનાના વીડિયો પણ બહાર આવ્યો હતો. આયોજકો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહેતા મોલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વધુ કોઇ અઘટિત ઘટના ન બને તે ધ્યાને લઈ કલાકારોએ ક્રિટલ મોલથી ચાલતી પકડી હતી.

આ પણ વાંચો : સુપરહિટ ‘લાલો’નો બેકાબૂ ક્રેઝ: રાજકોટના મોલમાં સર્જાઈ અફરાતફરી, બાળકીનો જીવ જોખમમાં!

આ ઘટના સંદર્ભે ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર વિસાણી સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયો હતો.. ક્રિસ્ટલ મોલના મેનેજરે કોઈપણ પ્રકારની પૂર્વમંજૂરી વિના જાહેર જગ્યાએ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વચ્ચે સ્ટેજ રાખી લાલો ફિલ્મના એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ટારકાસ્ટને પ્રમોશન માટે બોલાવ્યા હતા, જેને લીધે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્ર થઈ હતી. આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકના PSI ફરિયાદી બન્યા હતો. મોલના મેનેજરે રાજકોટ શહેર પોલીસ કમિશનરની પરવાનગી વિના જાહેર જગ્યામાં વધારે માણસોને એકત્ર કરીને જાહેરનામાનો ભંગ કર્યો હતો.

આ પણ વાંચો : ઢોલીવુડની ઐતિહાસિક છલાંગ: ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’એ ₹ 100 કરોડની કમાણીનો આંકડો પાર

મંગળવારે ’લાલો’ ફિલ્મના લોકપ્રિય કલાકારો રાજકોટના મહેમાન બન્યા હતા. પોતાના મનપસંદ કલાકારોની એક ઝલક મેળવવા માટે કાલાવડ રોડ સ્થિત ક્રિસ્ટલ મોલમાં હજારોની સંખ્યામાં ફેન્સ ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ઓવર ક્રાઉડના કારણે ધક્કામુક્કી અને અફરાતફરી મચી જવા પામી હતી. આખરે પરિસ્થિતિની ગંભીરતાને પારખીને ફિલ્મના કલાકારોને તાત્કાલિક સ્થળ પરથી સુરક્ષિત રવાના કરવાની ફરજ પડી હતી. બીજી તરફ આ બાબતની જાણ થતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક ક્રિસ્ટલ મોલ ખાતે દોડી આવ્યો હતો. જ્યાં સ્થાનિક પોલીસ અને પ્રાઈવેટ બાઉન્સરોએ ભારે જહેમતે ભીડને કાબૂમાં લઈને મામલો થાળે પાડ્યો હતો. આ ભારે અફરાતફરીમાં સદનસીબે કોઈ જાનહાનિ કે મોટી ઈજાના થઈ ન હતી. જોકે, સુપરહિટ ફિલ્મના ક્રેઝને કારણે સર્જાયેલી આ ઘટના સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button