
ચંદીગઢ : પંજાબમાં સતત પડી રહેલા વરસાદ અને પૂરના લીધે જનજીવનને વ્યાપક અસર થઈ છે. જેમાં પંજાબના મોટાભાગના જીલ્લાઓ પૂરગ્રસ્ત છે. જેના લીધે લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે
પૂર અસર ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેની બાદ હવે પીએમ મોદી પંજાબની મુલાકાત લેશે તેમજ પૂરઅસર ગ્રસ્તોને મળશે. આ અંગે ભાજપે એક્સ પર જણાવ્યું છે કે, પીએમ મોદી 9 સપ્ટેમ્બરના રોજ ગુરુદાસપુરની મુલાકાત લેશે.
પીએમ મોદી પૂરગ્રસ્તો અને ખેડૂતોને સીધા મળશે
પંજાબ ભાજપના એક્સ એકાઉન્ટ પર પીએમ મોદીની મુલાકાત અંગે માહિતી પણ આપવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, પીએમ મોદી પૂરગ્રસ્તો અને ખેડૂતોને સીધા મળશે અને સાંત્વના આપશે. પીએમ મોદીની મુલાકાત એ દર્શાવે છે કે કેન્દ્રની ભાજપ સરકાર પૂર અસર ગ્રસ્તો સાથે છે.
23 જિલ્લાઓના 1900 ગામડાંઓમાં અત્યારે પૂરની સ્થિતી
પંજાબના 23 જિલ્લાઓના 1900 ગામડાંઓમાં અત્યારે પૂર આવ્યું છે. આ દરમિયાન 43 લોકોના મોત પણ થયાં છે, જ્યારે 21,000 લોકોને સ્થળાંતર પણ કહ્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં 159 રાહત શિબિરોમાં 1478 લોકો રહી રહ્યા છે.
પૂરના કારણે પંજાબના ગુરદાસપુર જિલ્લામાં સૌથી વધુ નુકસાન
પંજાબમાં પૂરને કારણે ગુરદાસપુર જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે. આ જિલ્લાના 324 ગામો અને 40,169 હેક્ટર ખેતીલાયક જમીન અત્યારે પાણીમાં ગરકાવ છે. આ સાથે સાથે ફિરોઝપુર, અમૃતસર, હોશિયારપુર, કપૂરથલા અને સંગરુરમાં પણ પૂરને કારણે ઘણું નુકસાન થયું છે.
સેલિબ્રિટીઓ પંજાબમાં રાહત કાર્યો માટે આગળ આવ્યાં
પંજાબમાં આવેલા પૂરના કારણે સોનુ સૂદ, રણદીપ હુડા, દિલજીત દોસાંઝ, રાજ કુંદ્રા અને ગિપ્પી ગ્રેવાલ જેવા સેલિબ્રિટીઓ પણ પંજાબમાં રાહત કાર્યોમાં યોગદાન આપવા માટે આગળ આવ્યા છે. આ સાથે સાથે નેતાઓ પણ મદદ માટે આગળ આવી રહ્યાં છે.
આપણ વાંચો: ગુજરાતના દાંતા અને ખેડબ્રહ્મા પાસે નદીમાં ફસાયેલા 17 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું…