અમદાવાદના નિકોલથી પીએમ મોદીએ લોકોને શું કરી હાકલ? સ્વચ્છતા અભિયાનને લઈ કહી આ વાત | મુંબઈ સમાચાર
Top Newsઅમદાવાદ

અમદાવાદના નિકોલથી પીએમ મોદીએ લોકોને શું કરી હાકલ? સ્વચ્છતા અભિયાનને લઈ કહી આ વાત

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં ભવ્ય રોડ શો કર્યો હતો. આ દરમિયાન રસ્તા પર જંગી મેદની ઉમટી હતી. ખોડલધામ ગ્રાઉન્ડથી તેમણે 5,477 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, શિલાન્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમણે જનસભાને સંબોધી હતી. પીએમ મોદીએ સંબોધન દરમિયાન કર્યું હતું.

પીએમ મોદીના સંબોધનના અંશો

વડા પ્રધાન મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, “આ સમયે દેશભરમાં ગણેશ ઉત્સવનો એક અદ્ભુત ઉત્સાહ છે. ગણપતિ બાપ્પાના આશીર્વાદથી આજે ગુજરાતના વિકાસ સાથે જોડાયેલી અનેક પરિયોજનાઓનો પણ શ્રીગણેશ થયો છે.

આ મારું સૌભાગ્ય છે કે આજે મને વિકાસના અનેક પ્રોજેક્ટ્સ આપ સૌ જનતા-જનાર્દનના ચરણોમાં સમર્પિત કરવાનો અવસર મળ્યો છે. હું આ વિકાસ કાર્યો માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કુદરતી આફતથી લઈને ઓપરેશન સિંદૂર અંગે મહત્ત્વની વાત જનતાને જણાવી હતી.

આપણ વાંચો: ગુજરાતના બે દિવસીય પ્રવાસે પધાર્યા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું, અમદાવાદ એરપોર્ટ મુખ્ય પ્રધાને કર્યું સ્વાગત

વડા પ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે ગુજરાતની આ ધરતી, બે મોહનની ધરતી છે. એક, સુદર્શન-ચક્રધારી મોહન… એટલે કે આપણા દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અને બીજા, ચરખાધારી મોહન… એટલે કે, સાબરમતીના સંત પૂજ્ય બાપુ. ભારત આજે સુદર્શન-ચક્રધારી મોહન અને ચરખાધારી મોહન દ્વારા બતાવેલા માર્ગ પર ચાલીને સતત સશક્ત થતું જાય છે.

વડા પ્રધાન મોદીએ આતંકવાદ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, “પહેલાં આતંકી આપણું લોહી વહેવડાવતા હતા અને દિલ્હીમાં બેઠેલી કોંગ્રેસ સરકાર કંઈ કરતી નહોતી. પરંતુ આજે અમે આતંકવાદીઓ અને તેમના આકાઓને છોડતા નથી, પછી ભલે તેઓ ગમે ત્યાં છુપાયા હોય.

દુનિયાએ જોયું છે કે ભારતે પહલગામનો બદલો કેવી રીતે લીધો. માત્ર 22 મિનિટમાં બધું સાફ કરી દેવામાં આવ્યું. ‘ઓપરેશન સિંદૂર’ આપણી સેનાના શૌર્ય અને સુદર્શન ચક્રધારી મોહનના ભારતની ઈચ્છાશક્તિનું પ્રતીક બની ગયું છે.

વડા પ્રધાને વધુમાં ઉમેર્યું કે, “60-65 વર્ષ દેશ પર શાસન કરનાર કોંગ્રેસે ભારતને બીજા દેશો પર નિર્ભર રાખ્યું, જેથી તેઓ સરકારમાં બેસીને આયાતમાં પણ ગોટાળો કરી શકે.

પરંતુ આજે ભારતે આત્મનિર્ભરતાને વિકસિત ભારતનો આધાર બનાવી દીધો છે. હું અમદાવાદની આ ધરતી પરથી નાના ઉદ્યોગસાહસિકોને, દુકાનદારોને, ખેડૂતો અને પશુપાલકોને કહીશ કે, હું વારંવાર વચન આપું છું કે મોદી માટે તમારું હિત સર્વોપરી છે. મારી સરકાર નાના ઉદ્યોગસાહસિકો, ખેડૂતો અને પશુપાલકોનું ક્યારેય પણ અહિત નહીં થવા દે.

આપણ વાંચો: નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી, ઇન્સ્ટાગ્રામ પર કોના છે સૌથી વધારે ફોલોઅર્સ?

આજે ગુજરાતમાંથી ડાયમંડ વિદેશમાં નિકાસ થાય છે.આજે ગુજરાતમાં બનેલા મેટ્રો ના કોચ બીજા દેશોમાં એક્સપોર્ટ થઈ રહ્યાં છે. દેશમા વિમાનના અલગ અલગ પાર્ટ બનાવવા અને તેમના એક્સપોર્ટનું કામ પહેલાથી ચાલુ હતું.

ગુજરાતમાં વિમાન બને એટલે આનંદ થાય કે ના થાય. ગુજરાત હવે સેમિકંડક્ટર સેક્ટરમાં મોટું નામ કરવા જઈ રહ્યું છે. આ સાથે જ હાંસલપુરમાં ઈવી વ્હીકલ બનાવવામાં આવશે. ત્યારે વડોદરામાં પ્લેન પણ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે.

અમદાવાદ શહેર અને સપના અને સંકલ્પોનું શહેર બન્યું છે. એક સમયે લોકો અમદાવાદને ખાડાવાદ કહીને મજાક ઉડાવતા હતાં. મને ખુશી છે કે આજે સ્વચ્છતાના નામે અમદાવાદ દેશમાં નામ બનાવે છે. સ્વચ્છતા અભિયાન પેઢી દર પેઢી અને રોજે રોજ કરવાનું કામ છે.

આપણ વાંચો: લાલ કિલ્લા પરથી સતત 12મી વખત ભાષણ આપી નરેન્દ્ર મોદીએ ઈન્દિરાનો રેકોર્ડ તોડ્યો

સ્વચ્છતાને સ્વભાવ બનાવીએ તો જ ધાર્યું પરિણામ મેળવી શકીએ. સાબરમતી નદીના કેવા હાલ હતાં. ત્યાં બાળકો ક્રિકેટ રમતા હતાં. અમદાવાદના લોકોએ સંકલ્પ લીધો અને સ્થિતિને બદલીશું આજે સાબરમતી રિવરફ્રન્ટ શહેરનો પ્રભાવ વધારે છે. આજે તે હરવા ફરવાનું સ્થળ બની ગયું છે. અમદાવાદ આજે ટુરિઝમનું એક કેન્દ્ર બની ગયું છે.

ગુજરાત હવે ટુરિઝમ ક્ષેત્ર પણ અગ્રેસર બન્યું છે. રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યૂનિટી- નર્મદા, કચ્છ રણોત્સવ, દ્વારકા, પાવાગઢ જેવા સ્થળો એ ટુરિઝમ વધ્યું છે. અમદાવાદ કોલ્ડ પ્લે કોન્સર્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વડા પ્રધાન મોદીએ દેશવાસીઓને અપીલ કરી કે હવે તમે કોઈને પણ ભેટ આપો તે મેડ ઈન ઈન્ડિયા હોય તેવું આપવા માટે આગ્રહ કર્યો છે. વિદેશી માલ ના ખરીદવા માટે કહ્યું છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button