Top Newsનેશનલ

પરીક્ષા પે ચર્ચા 2026: પીએમ મોદીજીએ આપ્યો ગુરુમંત્ર, કહ્યું વરિયર નહીં વોરિયર બનો…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અત્યંત લોકપ્રિય કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા 2026’ આજે 6 ફેબ્રુઆરીએ યોજાયો હતો. આ કાર્યક્રમ દ્વારા પીએમ મોદીએ દેશભરના કરોડો વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ સાધ્યો હતો. આ વર્ષે સહભાગીઓના તમામ રેકોર્ડ તૂટી ગયા છે, જેમાં 4.5 કરોડથી વધુ વિદ્યાર્થીઓ સહિત કુલ 6.76 કરોડ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

પીએમ મોદીએ વિદ્યાર્થીઓને તણાવમુક્ત રહેવા અને પરીક્ષાને ‘ઉત્સવ’ની જેમ ઉજવવા માટે જે મહત્વના મંત્રો આપ્યા હતા. બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવા માટે પીએમ મોદીએ આ ‘માસ્ટરક્લાસ’ યોજ્યો હતો. આ વખતે કાર્યક્રમનું ફોર્મેટ પણ બદલાયું હતું અને પીએમએ વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો.

પીએમ નરેન્દ્ર મોદીજીએ આપ્યા પાંચ ગુરુમંત્ર
વોરિયર બનો, વરીઅર નહીં: પીએમએ કહ્યું કે પરીક્ષા એ તમારી તૈયારીની કસોટી છે, તમારી જિંદગીની નહીં. તેથી ચિંતા છોડીને ‘એક્ઝામ વોરિયર’ બનો.
જીવનમાં સંતુલન જરૂરી: પીએમએ ભાર મૂક્યો કે ભણવું કે રમવું, ઊંઘવું કે જાગવું – જીવનમાં દરેક વસ્તુ માટે સંતુલન હોવું જોઈએ. બધું જ કરવા માટે સમય ફાળવો.
ક્રિકેટરનું ઉદાહરણ: તેમણે બેટ્સમેનનું ઉદાહરણ આપતા કહ્યું કે, જેમ બેટ્સમેન સ્ટેડિયમનો અવાજ સાંભળ્યા વગર માત્ર બોલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તેમ વિદ્યાર્થીઓએ પણ દબાણને બદલે માત્ર ભણવા પર ધ્યાન આપવું જોઈએ.
લખવાની આદત: પીએમએ સલાહ આપી કે માત્ર વાંચવાને બદલે લખવાની આદત પાડો. તે યાદ રાખવામાં અને સ્પષ્ટતા લાવવામાં મદદ કરે છે.
પોતાની પેટર્ન પર વિશ્વાસ રાખો: પીએમએ કહ્યું કે ભલે વાલીઓ કે શિક્ષકો ગમે તે કહે, પણ તમારી ભણવાની જે રીત (Pattern) છે તેના પર વિશ્વાસ રાખો અને તેને અનુસરો.

શિક્ષકો અને પેરેન્ટ્સને કરી ખાસ અપીલ
પરીક્ષા પે ચર્ચાના આજના કાર્યક્રમમાં પેરેન્ટ્સન પીએમ નરેન્દ્ર મોદીજીએ ખાસ અપીલ કરી હતી કે પોતાના બાળકની સરખામણી અન્ય બાળકો સાથે ન કરો. દરેક બાળકમાં કંઈક ખાસિયત હોય છે, તેને ઓળખો. આ કાર્યક્રમમાં પીએમ મોદીજીએ શિક્ષકોને સલાહ આપતા જણાવ્યું હતું કે શિક્ષકે હંમેશા વિદ્યાર્થીની શીખવાની ઝડપ કરતાં માત્ર એક ડગલું આગળ રહેવું જોઈએ, જેથી વિદ્યાર્થી મૂંઝવણ ન અનુભવે.

ગેમિંગમાં રસ છે સવાલના જવાબમાં શું કહ્યું પીએમ મોદીજીએ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘પરીક્ષા પે ચર્ચા 2026’ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ આત્મીય સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં સર્જિલ ગાડગિલ નામના વિદ્યાર્થીએ ગેમિંગ અને અભ્યાસ વચ્ચેના સંતુલન અને વાલીઓના દબાણ વિશે પ્રશ્ન પૂછ્યો હતો. પીએમ મોદીજીએ આ સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, ગેમિંગ એ જુગાર નથી, પરંતુ એક કૌશલ્ય છે. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા કહ્યું કે જો તમારી પાસે કોઈ કૌશલ્ય છે, તો તેને દબાવવાની જરૂર નથી. પીએમએ હળવી શૈલીમાં કહ્યું કે, જો તમે કોઈ નિર્ણય લીધો છે, તો તે શાંતિથી કરો. જ્યારે તમે સફળ થશો, ત્યારે તમારા માતા-પિતા જ ગર્વથી કહેશે કે મારા પુત્રએ આ હાંસલ કર્યું છે.

ગુજરાતની સાન્યાએ પૂછ્યો પીએમ મોદીજીને સવાલ
ગુજરાતની સાન્યાએ પીએમ મોદીજીને કહ્યું હતું કે પેરેન્ટ્સ અને ટીચર અમારી ચિંતા કરે છે, પણ અમારા વિચારોમાં અંતર છે. જેના જવાબમાં પીએમ મોદીજીએ જણાવ્યું કે જીવનભર આવું જ રહેશે. હું પીએમ બની ગયો તો પણ મને કોઈને કોઈ કહે છે કે આવું કરો, તેવું કરો. તમે આને એ રીતે સમજો કે ઘરમાં દરેક વ્યક્તિની ખાવાની અલગ પેટર્ન હોય છે. કોઈ રોટલીથી શરૂ કરશે, કોઈ શાકથી શરૂ કરશે. તમે કોપી કરો છો? કેટલાક બાળકો રાતે શાંતિથી વાંચી શકે છે તો કેટલાક લોકોને વહેલી સવારે વાંચવાની ટેવ હોય છે. કોઈના કહેવા પર ના જાવ, તમારા અનુભવને કામે લગાડો. પરીક્ષા પે ચર્ચાની પણ એક પેટર્ન હતી, અલગ અલગ રાજ્યોમાં કર્યો, મેં ખાલી પેટર્ન બદલી છે, પણ નેચર એ જ છે.

માનસીએ પીએમ મોદીજીની સંભળાવ્યું ગીત
પીએમ મોદીજીએ પરીક્ષા પે ચર્ચામાં આવેલી માનસીને કહ્યું કે તને કંઈક તો ગાતા આવડતું હશે ને? પીએમ મોદીજીનો આ સવાલ સાંભળીને માનસીએ ગીત સંભળાવ્યું હતું. જે કંઈક આ પ્રમાણે હતું-
તૂ બઢતા ચલ, તૂ બઢતા ચલ
કુછ કરતા ચલ સારી દુનિયા તેરે પીછે
મુશ્કિલોં સે લડતા ચલ
તૂ બઢતા ચલ તૂ આગે બઢતા ચલ…

આપણ વાંચો:  ભારત બાદ બાંગ્લાદેશ યુએસ સાથે કરશે ‘સિક્રેટ ટ્રેડ ડીલ’! આ કારણે થઇ રહ્યો છે વિરોધ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button