
પાકિસ્તાનીઓ ભારત સામે હારવાના ડરથી મૅચનો બૉયકૉટ કરવાના છે કે શું?
લાહોરઃ પાકિસ્તાને (Pakistan) રવિવારે સત્તાવાર જાહેરાત કરી હતી કે એની ટીમ સાતમી ફેબ્રુઆરીએ ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે રમાનારા મેન્સ ટી-20 વર્લ્ડ કપ (World Cup)માં એની ટીમ ભાગ લેશે, પરંતુ 15મી ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત સામે જે લીગ મૅચ રમાવાની છે એનો બહિષ્કાર કરશે. જોકે સવાલ એ છે કે આ વિશ્વ કપની ફાઇનલમાં ભારત-પાકિસ્તાન સામસામે આવશે તો શું? પાકિસ્તાન એ ફાઇનલ પણ નહીં રમે? આ સવાલો ક્રિકેટ જગતમાં ચર્ચાય છે.
ભારત સામે પાકિસ્તાન હારતું જ રહ્યું છે
ખરું કહીએ તો વર્લ્ડ કપમાં ભારત (India) સામે પાકિસ્તાન મોટા ભાગે હારતું જ આવ્યું છે એટલે બની શકે કે વધુ એક પરાજયના ડરથી પણ પાકિસ્તાને (વર્તમાન વિવાદમાં તક મળતાં) ભારત સામે રમવાનું માંડી વાળ્યું હશે જ. ઉલ્લેખનીય છે કે તાજેતરના એશિયા કપમાં ભારતે ફાઇનલ સહિત ત્રણેય મૅચમાં પાકિસ્તાનને પછડાટ આપી હતી. ટી-20 વિશ્વ કપમાં આઠમાંથી સાત મૅચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે. કોઈ પણ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાન મૅચ વખતે સંબંધિત સ્ટેડિયમ ફુલ પૅક્ડ હોય છે જ, દુનિયાભરમાં કરોડો દર્શકો ટીવી પર આ મૅચ માણતા હોય છે. આઇસીસી મોટા ભાગે ભારત-પાકિસ્તાનને એક જ ગ્રૂપમાં રાખતું હોય છે કે જેથી વધુ પ્રેક્ષકો, દર્શકો આકર્ષાય તેમ જ બ્રૉડકાસ્ટર્સ અને સ્પૉન્સર્સ પણ વધુ કૉન્ટ્રૅક્ટ આપવામાં રસ બતાવે.
આ પણ વાંચો : ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પાકિસ્તાન સામે ભારતનો હાથ ઉપર છે, જાણો કેવી રીતે…
પાકિસ્તાને ભારત સામે રમવાનું કેમ ટાળ્યું હોઈ શકે?
પાકિસ્તાનના કબજા હેઠળના બલુચિસ્તાનની (ભારત-તરફી) પ્રજા વિફરી છે અને શનિવારે અસંખ્ય પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઊતાર્યા હતા. આ ઘટનાને પગલે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હશે. બીજું, રવિવારે ઝિમ્બાબ્વેના અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું અને ટૂર્નામેન્ટની બહાર ફેંકી દીધું એનો રોષ પણ પાકિસ્તાન સરકારમાં હશે એટલે જ એણે મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામેની 15મી ફેબ્રુઆરીની મૅચ ન રમવાનું નક્કી કર્યું હશે.
પાકિસ્તાન સરકારનો નિર્ણય એક્સ પર
પાકિસ્તાન સરકારે એક્સ પર આ નિર્ણય જાહેર કર્યો છે. જોકે ભારત સામેની મૅચના બહિષ્કાર સંબંધમાં કોઈ કારણ નહોતું જણાવ્યું. પાકિસ્તાને આવું કરીને બાંગ્લાદેશને થોડું ખુશ કરવાનો પ્રયાસ કર્યો હોઈ શકે. બાંગ્લાદેશના સપોર્ટમાં પોતે પણ વર્લ્ડ કપમાં નહીં રમે એવી અગાઉ પાકિસ્તાને જાહેરાત કરી હતી. જોકે હવે પાકિસ્તાન વર્લ્ડ કપમાં રમવાનું છે તો એણે બાંગ્લાદેશને આપેલા વચનનો ભંગ કર્યો કહેવાય. જોકે પાકિસ્તાને ભારત સામેની મૅચ જતી કરીને બાંગ્લાદેશની થોડી તરફેણ કરી કહેવાશે.
આ પણ વાંચો : ભારતે આપેલો 253 રનનો લક્ષ્યાંક પાકિસ્તાને 33.3 ઓવરમાં મેળવવો પડશે, નહીં તો ભારત સેમિ ફાઇનલમાં
પાકિસ્તાન, બાંગ્લાદેશને આર્થિક નુકસાન
ખરેખર તો આ વિવાદમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન બન્નેએ ઘણું ગુમાવવા જેવું છે. બાંગ્લાદેશ તો આઇસીસી દ્વારા અપાનારા અંદાજે 240 કરોડ રૂપિયાના હિસ્સા સહિત કરોડો રૂપિયા ગુમાવશે, પરંતુ પાકિસ્તાન સામે પણ બ્રૉડકાસ્ટર્સ તથા સ્પૉન્સર્સ (ભારત સામેની મૅચ ન રમવા બદલ) વળતરનો દાવો માંડી શકે. આઇસીસી પણ કદાચ પાકિસ્તાન સામે પગલું ભરશે.
પાકિસ્તાને ઘણા દિવસ બાદ લીધો નિર્ણય
પાકિસ્તાન સરકારે ઘણા દિવસો સુધી પોતાના ક્રિકેટ બોર્ડ સાથે સલાહમસલત કર્યા પછી નિર્ણય લીધો છે કે પાકિસ્તાનના ખેલાડીઓને વર્લ્ડ કપમાં રમવા મોકલવામાં આવશે. પાકિસ્તાનની તમામ મૅચો શ્રીલંકામાં રમાવાની છે. બાંગ્લાદેશે અસલામતીના ભયનું કારણ આપીને પોતાની લીગ મૅચો ભારતમાં (કોલકાતા તથા મુંબઈમાં) રમવાની ના પાડી હતી એટલે આઇસીસીએ બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી કાઢી મૂકીને એના સ્થાને સ્કૉટલૅન્ડને રમવા બોલાવ્યું છે. આઇસીસીના આ પગલાંના વિરોધમાં પાકિસ્તાને બાંગ્લાદેશની તરફેણ કરીને આઇસીસીની તેમ જ બીસીસીઆઇની ખૂબ ટીકા કરી હતી.
આ પણ વાંચો : બજેટમાં સ્પોર્ટ્સ ગુડ્સ ક્ષેત્રને મળ્યા 500 કરોડ રૂપિયા, ખેલો ઇન્ડિયા મિશનનો પ્રસ્તાવ



