મુંબઈમાં આવવુ જ પડે તેમ હોય તો આ છે અમુક વૈકલ્પિક માર્ગઃ જાણી લો

મુંબઈઃ મરાઠા આરક્ષણની માગણી સાથે મનોજ જરાંગેનો મોરચો મુંબઈ આવી પહોંચ્યો છે, ત્યારે મુંબઈ બેહાલ થઈ ગઈ છે. ગણેશોત્સવ, સંવતસરી, વરસાદી માહોલ વચ્ચે આવેલા આ મોરચાને લીધે મુંબઈગરાઓ માટે કામધંધે જવાનું લગભગ અશક્ય થઈ ગયું છે. રોજના લાખો લોકો દક્ષિણ મુંબઈમાં કામ ધંધે આવે છે, તેમણે આજે નછૂટકે કલાકો રસ્તા પર પસાર કરવા પડ્યા છે, અથવા પાછું ઘરે જવું પડ્યુ છે. મુંબઈ ટ્રાફિક પોલીસે જરૂરી ન હોય તો લોકોને અપીલ કરી છે કે તેઓ દક્ષિણ મુંબઈ તરફ ન આવે, પણ જો તમારે નીકળવું પડે તેમ હોય તો અમુક વૈકલ્પિક રૂટ્સ છે.
વાશીથી આવનારાએ દક્ષિણ તરફ આવતા માનખુર્દ જંકશનથી રાઈટ ટર્ન લેવો અને વીર જીજાબાઈ ભોંસલે રોડથી એલઓસી અને છેડાનગરથી મુંબઈમાં પ્રવેશ કરવો.
ટ્રોમ્બે અને છેડાનગરથી આવતા અથવા ફ્રી વે પર આવતા વાહનોએ છેડાનગર રોડ, અમરમહેલ, નહેરુનગર બ્રિજ અને ડૉ. બાબસાહેબ આંબેડકર રોડ દ્વારા મુંબઈમાં પ્રવેશ મેળવે.
વી. એન. પૂર્વ માર્ગ, દેઓનાર ફાર્મ રોડ, સી.જી. ગિડવાની નોર્થ ચેનલ અને ઈસ્ટ ફ્રી રોડની નોર્થ ચેનલથી આવતા વાહનો માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.
મુંબઈ ટ્રાફિક પોલીસે ઈસ્ટર્ન ફ્રી વે, વી.એન. પૂર્વ રોડ, પી ડિમેલો રોડ, વાલચંદ હિરાચંદ રોડ, ડૉ. દાદાભાઈ નવરોજી રોડ અને હીરાચંદ સોમાની રોડ ઈમરજન્સી સિવાયના તમામ વાહોન માટે બંધ કરી દીધા છે.
એક અંદાજ પ્રમાણે શહેરમાં લગભગ 20,000 જેટલા મરાઠા આરક્ષણ સમર્થક આવી પહોંચ્યા છે. CRPF, RAF, CISF, MSF અને લોકલ પોલીસ ખડેપગે વ્યવસ્થા રાખી રહી છે. લગભગ 1,500 પોલીસ કર્મી આઝાદ મેદાન ખાતે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તહેનાત કરવામાં આવ્યા છે. સીએસટી રેલવે સ્ટેશન ખાતે પણ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે.