બિહારમાં ચૂંટણી પહેલાં લહાણીઃ મોદી આજે 75 હજાર મહિલાઓના ખાતામાં 10-10 હજાર કરશે ટ્રાન્સફર | મુંબઈ સમાચાર
Top News

બિહારમાં ચૂંટણી પહેલાં લહાણીઃ મોદી આજે 75 હજાર મહિલાઓના ખાતામાં 10-10 હજાર કરશે ટ્રાન્સફર

પટનાઃ એક સમયે દિલ્હીના તત્કાલીન મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ફ્રી સ્ક્રીમ્સને મફતની રેવડી કહેનારી ભાજપ હવે બિહારમાં ચૂંટણી પહેલા લહાણી કરવા જઈ રહી છે. ચૂંટણી સમયે મહિલા મતદારો હંમેશાં નેતાઓ-રાજકીય પક્ષોના કેન્દ્ર સ્થાને હોય છે અને તેમને નાની-મોટી રકમ કે વસ્તુઓ આપી નેતાઓ મત મેળવતા હોય છે ત્યારે ભાજપે પણ બિહારની ચૂંટણીમાં મહિલા મતદારોને કેન્દ્ર સ્થાને રાખી છે.

આજથી મહિલા રોજગાર યોજના

પાંચ વર્ષમાં જે કામ કરવાનું યાદ ન આવ્યું તે નીતિશ સરકારને હવે યાદ આવ્યું છે. નરેન્દ્રભાઈ આજે વીડિયો કોન્ફરન્સમાં હાજર રહી આ યોજનાનું ઉદ્ઘાટન કરશે. નીતિશ કુમારની હાજરીમાં શરૂ થનારી આ યોજના અંતર્ગત દરેક પરિવારની મહિલાને પોતાની પસંદનો રોજગાર શરૂ કરવા માટે રૂ. 10,000નો પહેલો હપ્તો આપવામાં આવશે. કામ શરૂ કર્યાના છ મહિના બાદ બિઝનેસ કઈ રીતે ચાલે છે અને આગળ વધી શકે છે કે કેમ તેની ચોક્કસાઈ કર્યા બાદ મહિલાને રૂ. 2 લાખ આપવામાં આવશે. આ યોજના જે બચત જૂથો હોય છે અને સ્વયં સહાયતા જૂથો હોય છે તે મહિલાઓ માટે છે. આ મહિલાઓને માત્ર ધનરાશિ નહીં પણ તાલીમ પણ આપવામાં આવશે, તેમ સરકારે જણાવ્યું હતું.

આ યોજના હેઠળ ઉત્પાદકોના વેચાણને માર્કેટ મળે તે માટે ગ્રામીણ હાટ બજારોને વિકસિત કરવામાં આવે છે. આ યોજના મહિલાઓને બજારમાં તેમની પ્રોડક્ટ પૂરી કરવા માટે પ્રોત્સાહિત કરશે. આ રીતે તેમને રોજગારી મળશે.

આ યોજનાનો લાભ લેવા સરકારે અમુક નિયમો રાખ્યા છે, તે અનુસાર જ મદદ મળી શકશે.

સરકાર પર વધે છે બોજ

સવાલ અહીં એ છે કે મહિલાઓને રોજગાર આપવાનું કામ ઘણું મહત્વનું છે અને નીતિશ સરકાર તેના પાંચ વર્ષ પૂરા કરવા જઈ રહી છે, એકાદ મહિનામાં રાજ્યની ચૂંટણી જાહેર થવામાં છે. ત્યારે સરકારને અત્યારે યાદ આવ્યું કે અમારે મહિલાઓને મદદ કરવી જોઈએ. આવી યોજનાઓ ઘણા સમય પહેલા આવી જવી જોઈએ. અત્યારે મહિલાઓને કે તેમના જૂથોને રૂ. 10,000 આપવાને લહાણી અથવા રેવડી જ કહી શકાય, પરંતુ દેશના મોટાભાગના રાજ્યોમાં આ પ્રકારે ખાસ કરીને મહિલા મતદારોને રિઝવવામાં આવતી હોય છે. મહારાષ્ટ્ર આનું ઉદાહરણ છે, અહીં લાડલી બહેન યોજના અંતર્ગત દર મહિને પાત્ર મહિલાઓને રૂ. 1500 આપાવમાં આવે છે, પરંતુ આ બોજ રાજ્ય સરકારને ભારે પડી રહ્યો છે અને આ યોજનાને લીધે રાજ્યના બીજા ઘણા પ્રોજેક્ટ્સ અટકી પડ્યા હોવાની ફરિયાદ ખુદ મહાયુતી સરકારના પ્રધાનો અને નેતાઓ જ કરે છે.

આપણ વાંચો:  અઝીમ પ્રેમજીએ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાને આપ્યો બેબાક જવાબ: આ માંગણી ફગાવી

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button