મહાયુતિમાં મહાભારત: પાલિકાની ચૂંટણીઓમાં યુતિ તોડવી પણ નથી ને સાથે લડવું પણ નથી

વિપુલ વૈધ
મુંબઈ: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ આ વર્ષના અંત પહેલાં લેવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે રાજકીય પક્ષો પોતાના ગણિત બેસાડી રહ્યા છે ત્યારે ભાજપ અને શિવસેના દ્વારા જે રીતે અલગ અલગ મનપામાં વલણ અપનાવવામાં આવી રહ્યું છે તેને ધ્યાનમાં લેવામાં આવે તો ટોચના નેતાઓ દ્વારા સતત એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે યુતિ તોડવામાં આવશે નહીં, જ્યારે સ્થાનિક સ્તરે નેતાઓ એવી માગણી કરી રહ્યા છે કે સ્વબળે ચૂંટણી લડવામાં આવશે અને બંને મનપામાં ભાજપના મેયર બેસાડવામાં આવશે.
ભાજપે મંગળવારે મુંબઈ અને થાણેમાં ઉમેદવારો માટે જે માર્ગદર્શન શિબિરો લીધી તેનું વાતાવરણ જોતાં એવું લાગી રહ્યું છે કે શિવસેનાની જેમ જ હવે ભાજપમાં પણ સ્વબળનો નારો જોર પકડી રહ્યો છે, જ્યારે બીજી તરફ સિનિયર નેતાઓ અને પક્ષનું મોવડીમંડળ હજી પણ યુતિ તોડવા માગતા નથી એવી વાત કરી રહ્યા છે.
આપણ વાંચો: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ: જિલ્લા પ્રમુખોની બેઠકમાં ભાજપથી ન ડરવાનો ઉદ્ધવનો હુંકાર
થાણેમાં ભાજપના ઉમેદવારો માટે એક માર્ગદર્શન શિબિરમાં કેટલાક પદાધિકારીઓએ એવી જાહેરાત કરી હતી કે ‘અબ કી બાર 70 પાર’ કરીશું. આ પહેલાં સોમવારે શિવસેનાની બેઠકમાં પણ ભૂતપૂર્વ કોર્પોરેટરો અને અધિકારીઓએ ‘એકલા ચલો રે’નું વલણ અપનાવ્યું હતું.
ભાજપના વિધાનસભ્ય સંજય કેળકરે બે દિવસ પહેલા જણાવ્યું હતું કે થાણેના કાર્યકરો સ્વતંત્ર રીતે ચૂંટણી લડવા માગે છે. ‘જ્યાં તાકાત છે, ત્યાં આપણે સ્વતંત્ર રીતે ચૂંટણી લડવી જોઈએ. આ શહેરના મેયર આપણા જ હોવા જોઈએ અને તે આપણા કાર્યકરોની ભૂમિકા છે.’ આ નિવેદનથી શિવસેનામાં ખળભળાટ મચી ગયો.
ઓરિયેન્ટેશન કેમ્પ પછી ભાજપના થાણે જિલ્લાના પ્રમુખ સંદીપ લેલેએ કહ્યું હતું કે મહાયુતિ રાજ્ય અને કેન્દ્ર સ્તરે સત્તામાં છે અને થાણેમાં પણ સત્તામાં સાથે જ રહેવાનો અમારો ઈરાદો છે.
થાણેની જેમ જ મુંબઈમાં પણ હવે ભાજપના કાર્યકર્તાઓ આક્રમક બની રહ્યા છે. એક તરફ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ અમિત સાટમ મુંબઈમાં યુતિ અકબંધ રહેશે એવી વાત કરી રહ્યા છે, પરંતુ બીજી તરફ કાર્યકર્તાઓ અક્કડ વલણ અપનાવી રહ્યા છે.
કૅબિનેટ પ્રધાન અને મુંબઈ ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ આશિષ શેલારે 227 વોર્ડમાંથી ‘ગ્રાઉન્ડ રિપોર્ટ્સ’ એકઠા કરવાનું શરૂ કર્યું છે. દરેક વોર્ડની વાસ્તવિક સંગઠનાત્મક તાકાતનું મૂલ્યાંકન કરી રહ્યા છે. કાર્યકરોએ મંગળવારે શેલારની સામે એવું મક્કમ વલણ અપનાવ્યું હતું કે જે વોર્ડમાં ભાજપની તાકાત છે એ બેઠકો છોડવા માટે તૈયાર નથી.
આ પડકાર સ્પષ્ટપણે દર્શાવે છે કે દિવાળી પછી તરત જ યોજાનારી વોર્ડ વિતરણ પ્રક્રિયા દરમિયાન, ભાજપ તેના મજબૂત સમર્થન આધાર સાથે વોર્ડમાં મજબૂત દાવો કરશે અને બેઠક ફાળવણીમાં સમાધાન કરવા તૈયાર નહીં હોય. ભાજપ દ્વારા આ સુનિયોજિત અને આક્રમક તૈયારી બંને મનપાની ચૂંટણી લડાઈમાં નિર્ણાયક પરિબળ બનશે.