
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા થોડા સમયથી વિવિધ સમાજોએ પોતાના બંધારણ જાહેર કર્યા છે. સમાજના બંધારણનો ભંગ કરનારાને ન્યાત બહાર પણ મૂકવામાં આવ્યા છે. બદલાતા સમય સાથે તાલ મિલાવવા અને સમાજની આર્થિક તેમજ નૈતિક સ્થિતિ જાળવી રાખવા માટે ગુજરાતના વિવિધ સમાજો આ માર્ગ અપનાવી રહ્યા છે. મોંઘવારીના આ યુગમાં સામાજિક પ્રસંગો અને ઉજવણીઓમાં અનેક પરિવારો બિનજરૂરી ખર્ચ કરી લાખો રૂપિયાનો ધુમાડો કરે છે. જોકે, આવી પ્રથાઓને અનુસરતા સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો આર્થિક ભારમાં પીસાય છે. આવી બદીઓને દૂર કરવા વિવિધ સમાજોએ બંધારણ અમલી બનાવ્યા છે.
ઠાકોર સમાજના બંધારણમાં શું છે
મહેસાણા જિલ્લામાં બહુચરાજી તાલુકા ઠાકોર સમાજ દ્વારા ખાંભેલ ગામે તાજેતરમાં બંધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે સામાજિક ઉત્થાન માટે દેખાદેખીમાં કરાતાં બિનજરૂરી ખર્ચ અને કુરિવાજો બંધ કરવા સહિત 35 નિયમો બનાવવામાં આવ્યા હતા. વધુમાં, આ બંધારણનો ભંગ કરનાર વ્યક્તિને સમાજ બહાર મૂકવા તેમજ રૂ. 51,000 સુધીનો દંડ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી હતી. બહુચરાજી તાલુકા ઠાકોર સમાજની બંધારણ સભામાં મૈત્રી કરાર કે ભાગીને લગ્ન કરનારને સમાજમાં નહીં સ્વીકારવા અને વર્ષમાં માત્ર મહા અને વૈશાખ મહિનામાં જ લગ્ન કરવા જેવા નિર્ણય કરવામાં આવ્યા હતા. નવા બંધારણ મુજબ સગાઈ અને લગ્ન પ્રસંગોમાં અતિશય ખર્ચ ઘટાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જે અનુસાર સગાઈમાં માત્ર 21 વ્યક્તિની હાજરી અને ભેટ તરીકે માત્ર 1 રૂપિયો, નાળિયેર અને એક જોડી કપડાં આપવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત, રાસ-ગરબાના કાર્યક્રમો રાત્રે 1 વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે અને બાબરી કે જન્મદિવસ જેવા પ્રસંગોએ ગરબા યોજવા પર રોક લગાવી હતી.
રબારી સમાજે રચ્યું નવું સામાજિક બંધારણ
સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના રબારી સમાજ દ્વારા સામાજિક બંધારણ બનાવી સમાજમાં કુરિવાજો પર અંકુશ લાવી અનેક રિવાજો પર પ્રતિબંધ લગાવ્યા હતા. સાબરકાંઠા અરવલ્લી રબારી સમાજ દ્વારા મહા પરિષદ દ્વારા સગાઈ, ચાંદલા, લગ્ન, સીમંત, ડિલિવરી, દવાખાના, હોસ્પિટલ સહિતના અનેક રિવાજોને તિલાંજલિ આપવા માટે હાકલ કરી હતી. સગાઈના પ્રસંગમાં 11 કે 25થી વધુએ જવું નહીં, ચાંદીનો રૂપિયો નહિ લેવો, સગાઈમાં દીકરાના પિતાએ માત્ર 11 રૂપિયા જ આપવા, માત્ર બે જોડી જ કપડાં આપવા અન્ય કોઇ પેકિંગ, છાબડીઓ આપવા નહિ, પહેરામણીમાં વેવાઈને 3100, મોસાળપક્ષને 1100, બીજા સગા માટે 200થી વધુની પહેરામણી આપવી નહિ તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે ઉપરાંત સીમંતના બેબીશોવરને બદલે માત્ર ઘરના સભ્યોની હાજરીમાં જ સાદી રીતે જ ખોળો ભરવાની વિધિ કરવાની રહેશે. તે ઉપરાંત બાળકના જન્મ સમયે પણ બાળક માટે બે જોડી કપડાં તેમજ 500 રૂ. આપવાના રહેશે.
આદિવાસી પટેલિયા સમાજનું નવું બંધારણ
ગરબાડા તાલુકાના પાંદડી ખાતે આદિવાસી પટેલ ફળિયા પંચ દ્વારા સામાજિક દાગીનાની લેવડ-દેવડ અને અન્ય રીત-રિવાજો અંગે નવા સુધારા સાથેનું બંધારણ સર્વાનુમતે અમલમાં મૂક્યું હતું. નવા સુધારા મુજબ, લગ્ન પ્રસંગમાં અગાઉ અપાતી સોનાની ચેનને સ્થાને હવેથી ચાંદીનું મંગળસૂત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. દાગીના ઉપરાંત પાંદડી પટેલ ફળીયા પંચ દ્વારા સામાજિક ઉત્થાન માટે પણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતો. જેમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રૂ. 500 શિક્ષણ ફંડ પેટે નક્કી કર્યા હતો. તેમજ દહેજ જેવી કુપ્રથાને ડામવા માટે માત્ર સવા રૂપિયો જ સ્વીકારવાનું અને પંચના બંધારણ પેટે 551 રૂપિયાની રકમ નિર્ધારિત કરવામાં આવી હતી. લગ્ન પ્રસંગને સમાજ ઉપયોગી બનાવવા દીકરીની યાદગીરી તરીકે વરપક્ષ પાસેથી રૂ. 500 શિક્ષણ ફંડ પેટે લેવામાં આવશે. આ રીતે એકત્ર થનારી રકમ ગામના ગરીબ અને વંચિત બાળકોના શિક્ષણ માટે વાપરવામાં આવશે. ફંડમાંથી બાળકોને પાઠ્યપુસ્તકો, જનરલ નોલેજના પુસ્તકો તથા બોલપેન જેવી જરૂરી શૈક્ષણિક સામગ્રી પૂરી પાડવામાં આવશે.
પાટીદાર સમાજ બંધારણ બનાવશે
પાટીદાર સમાજ બંધારણ તેમજ દીકરીઓને લવ મેરેજ કરતી રોકવા માટે નિયમો બનાવશે. થોડા સપ્તાહ પહેલા સુરતમાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજની વાડીની ભૂમિ પૂજન પ્રસંગમાં આ નિર્ણય લેવાયો હતો. આ પ્રસંગે પાટીદાર અગ્રણીઓએ જણાવ્યું, પાટીદાર સમાજે આર્થિક અને શૈક્ષણિક ખૂબ પ્રગતિ કરી છે. આ વિકાસને જાળવી રાખવા સામાજિક બંધારણની અત્યંત જરૂરિયાત છે. દીકરીઓ ઘણી વખત નાની ઉંમરમાં ખોટા પગલાં ભરી લે છે, જે યોગ્ય નથી. તેમનાથી તેમની જિંદગી બગડે છે અને અંતે દુઃખી થાય છે. આવું ન થાય તે માટે કાયદો ઘડવાની જરૂર છે અને તે સમાજ માટે ઉપયોગી થશે.

બ્રહ્મ સમાજ પણ જાહેર કરશે બંધારણ
બ્રહ્મ સમાજ પણ બંધારણ બનાવવા અને બિનજરૂરી ખર્ચા અટકાવવા માટે તૈયાર થયો હતો. જે અંતર્ગત તાજેતરમાં ગાંધીનગર ખાતે ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના કન્વીનરો અને આગેવાનોની બેઠક યોજાઈ હતી. આગામી દિવસોમાં યોજાનારી કારોબારી બેઠકમાં બ્રહ્મ સમાજના બંધારણ અને તેના નિયમો અંગે નિર્ણય કરવામાં આવશે. આગેવાનોએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે દેખાદેખીમાં પરિવાર દેવા ના બોજ હેઠળ વર્ષો સુધી દબાયેલો રહે છે તેથી બંધારણ બનાવવામાં આવશે.
કેમ વિવિધ સમાજોને બંધારણ બનાવવાની જરૂર પડી

- સામાજિક કુરિવાજો અને દેખાદેખી પર નિયંત્રણ
લગ્નપ્રસંગોમાં થતો અંધાધૂંધ ખર્ચ અને ડેકોરેશન કે પ્રી-વેડિંગ શૂટ જેવી બાબતો સામાન્ય મધ્યમ વર્ગના પરિવાર માટે આર્થિક બોજ બની જાય છે. સમાજો બંધારણ બનાવીને ગરીબ અને મધ્યમ વર્ગ આર્થિક પાયમાલીથી બચી શકે તેથી આવા બિનજરૂરી ખર્ચ પર પ્રતિબંધ મૂકી રહ્યા છે. - શિક્ષણ અને કન્યા કેળવણીને પ્રોત્સાહન
નવા બંધારણોમાં શિક્ષણ માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવે છે. સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સહાય આપવી અને દીકરીઓને ભણાવવા માટે વાલીઓને પ્રોત્સાહિત કરવા જેવી બાબતોને અગ્રતા આપવામાં આવે છે.

- વ્યસન મુક્તિ
ઘણા સમાજોમાં મૃત્યુ ભોજન કે લગ્ન પ્રસંગોમાં વ્યસનોનું પ્રમાણ વધતું જાય છે. સામાજિક બંધારણ દ્વારા દારૂ કે અન્ય નશાકારક પદાર્થો પર કડક પ્રતિબંધ મૂકીને યુવા પેઢીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. - આધુનિક પડકારો અને ડિજિટલ યુગ
સોશિયલ મીડિયાના કારણે સામાજિક મર્યાદાઓ લોપાતી જાય છે તેવું વડીલો અનુભવે છે. તેથી, લગ્ન કે અન્ય પ્રસંગોમાં મોબાઈલનો ઉપયોગ, સ્ટેટસ મૂકવા કે વરઘોડામાં થતા શોરબકોર પર નિયંત્રણ રાખવા માટે નિયમો બનાવવામાં આવે છે.
- એકતા અને સંગઠન મજબૂત કરવા
જ્યારે કોઈ સમાજ લેખિત નિયમો હેઠળ ચાલે છે, ત્યારે તેમાં શિસ્ત આવે છે. વિવાદોના કિસ્સામાં કોર્ટ-કચેરીએ જવાને બદલે ‘સામાજિક પંચ’ દ્વારા જ ઉકેલ લાવી શકાય, તે હેતુથી પણ બંધારણ બનાવવામાં આવે છે.
આપણ વાંચો: રાજુ કરપડાએ AAPના કયા નેતાઓ સામે કર્યા આક્ષેપો? પાર્ટી છોડવા માટે શું આપ્યું કારણ
આપણ વાંચો: કચ્છમાં નકલી નોટોનો કારોબાર, પટના DRIએ ઓપરેશન પાર પાડી બે આરોપીઓને ઝડપ્યા




