ભારતે આ વિકસિત દેશ સાથે કર્યા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, ભારતીયોને શું થશે ફાયદો ?

નવી દિલ્હીઃ ભારતે ન્યૂઝીલેન્ડ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે. તેનાથી ભારતીયોને ખૂબ મોટો ફાયદો થશે. આ એગ્રીમેન્ટ ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો, એમએસએમઈ, વિદ્યાર્થીઓ અને યુવાનો માટે નવા અવસર ખોલશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્સન સાથે ટેલીફોન પર વાતચીત કર્યા બાદ જાહેરાત કરી હતી.
માર્ચ 2025માં ન્યૂઝીલેન્ડના પીએમ જ્યારે ભારત આવ્યા હતા ત્યારે આ સમજૂતી પર વાતચીત થઈ હતી. બંને નેતાઓએ કહ્યું કે, ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે માત્ર 9 મહિનાથી પણ ઓછા સમયમાં એફટીએ થયું છે. જે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાની મહત્વાકાંક્ષા અને રાજકીય ઈચ્છાશક્તિને દર્શાવે છે.
આ ટ્રેડ એગ્રીમેન્ટથી આર્થિક સંબંધો મજબૂત થશે, બંને દેશો એકબીજાના માર્કેટ સુધી સરળતાથી પહોંચી શકશે. રોકાણને વેગ મળશે. ફ્રી ટેડ એગ્રીમેન્ટ ભારત-ન્યૂઝીલેન્ડના રાજકીય સહયોગને મજબૂત કરશે અને વિવિધ વિસ્તારમાં બંને દેશોના ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો, એમએસએમઈ, વિદ્યાર્થીઓ અને યુવાનો માટે નવા અવસર ખોલશે.
બંને નેતાઓએ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી સંબંધો વધુ મજબૂત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેનાથી આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપાર બમણો થશે. આગામી 15 વર્ષમાં ન્યૂઝીલેન્ડથી ભારતમાં 20 અબજ ડોલરનું રોકાણ કરવા પણ સહમત થયા હતા. આ ઉપરાંત વડા પ્રધાન મોદી અને ન્યૂઝીલેન્ડના પીએમ રમત ગમત, શિક્ષણ અને લોકો વચ્ચે સંપર્ક જેવા દ્વીપક્ષીય સહયોગના અન્ય ક્ષેત્રોમાં થયેલી પ્રગતિનું પણ સ્વાગત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા વર્ષોમાં ભારતે સાતમો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યો છે. આ પહેલા ઓમાન, યુકે, યુએઈ, ઓસ્ટ્રેલિયા, મોરેશિયસ સાથે એગ્રીમેન્ટ કર્યા હતા.



