કલ્યાણપુરમાં 10.75 ઇંચ વરસાદ, સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, જાણો છેલ્લા 24 કલાકના આંકડા | મુંબઈ સમાચાર
Top News

કલ્યાણપુરમાં 10.75 ઇંચ વરસાદ, સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, જાણો છેલ્લા 24 કલાકના આંકડા

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર – ગાંધીનગર દ્વારા છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે મુજબ રાજ્યના 168 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 10.75 ઇંચ વરસાદ પડ્યો હતો. દ્વારકામાં 6.02 ઇંચ, પોરબંદરમાં 3.94 ઇંચ, માંગરોળ(જૂનાગઢ)માં 3.75 ઇંચ, સૂત્રાપાડામાં 3.35 ઇંચ, જાફરાબાદમાં 3.07 ઇંચ, ઉનામાં 2.91 ઇંચ, ઉમરગાંવમાં 2.91 ઇંચ. કોડીનારમાં 2.32 ઇંચ, વેરાવળમાં 2.28 ઇંચ, રાણાવાવમાં 2.24 ઇંચ, માંડવી (કચ્છ)માં 2.05 ઇંચ વરસાદ વરસ્યો હતો.

130 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ

રાજ્યમાં બે તાલુકામાં પાંચ ઇંચથી વધારે, ચાર તાલુકામાં ત્રણ ઇંચથી વધારે, છ તાલુકામાં એક ઇંચથી વધારે, 36 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો. 130 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગે શું કરી છે આગાહી

હવામાન વિભાગ દ્વારા આજે અમરેલી, ભાવનગર, સુરત, નવસારી તથા વલસાડ જિલ્લામાં તેમજ તા. 21 ઓગસ્ટના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી તા. 25 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમરેલીનો દરિયો તોફાની બન્યો

અમરેલી જિલ્લાનો દરિયો ભારે પવન અને વરસાદને પગલે તોફાની બન્યો હતો. જેને પગલે જાફરાબાદથી 18 નોટિકલ માઇલ દૂર જાફરાબાદ અને રાજપરાની 3 બોટ ડૂબી હતી. જે બન્નેમાં 28 માછીમારો સવાર હતા. જેમાંથી 17ને બચાવી લેવામાં આવ્યાં હતા. જ્યારે અન્ય માછીમારોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી આ અંગે મળતી માહિતી મુજબ જાફરાબાદની જયશ્રી તાત્કાલિક બોટ અને ગીર સોમનાથ જિલ્લાના રાજપરાની મુરલીધર બોટ આ બન્ને બોટે દરિયામાં જળસમાધી લીધી હતૂ. બંને બોટમાં નવ-નવ માછીમારો સવાર હતા. જેમાંથી 10ને અન્ય બોટ ધારકોએ રેસ્ક્યૂ કરી બચાવી લીધા લીધા હતા. તેમજ અન્યની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા માછીમારોને 25 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી હતી.

આ પણ વાંચો….5 ઇંચથી વધુ વરસાદથી દ્વારકા અને કલ્યાણપુર જળબંબાકાર, જાણો ક્યાં કેટલા પડ્યો વરસાદ…

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button