
અમદાવાદઃ નેપાળમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી છે, રાજધાની કાઠમંડુ સહિતના શહેરમાં ઝેન ઝી વિરોધ પ્રદર્શનોના કારણે દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી છે. જો કે નેપાળની રાજકીય અરાજકતાં અને હિંસક સ્થિતી વચ્ચે નેપાળના પ્રવાસે ગયેલા ગુજરાતીઓ ફસાઈ ગયા છે, મળતી વિગતો મુજબ ભાવનગરના 43 અને અમદાવાદના 9 સહિત ગુજરાતના લગભગ 300થી વધુ લોકો ફસાયા છે.
આ તમામ ગુજરાતીઓને હોટલ, વૃદ્ધાશ્રમ સહિતની જગ્યાઓ પર સિક્યોરિટી સાથે સુરક્ષિત રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ભાવનગરના નારી ગામના 43 શ્રદ્ધાળુ 29 ઓગસ્ટના રોજ નેપાળ પ્રવાસ માટે રવાના થયા હતાં. નેપાળમાં ફાટી નીકળેલી હિંસાને કારણે તમામ લોકોનું બહાર નીકળવું પણ મુશ્કેલ બનતાં તેઓ પોખરાની એક હોટલમાં પુરાયા છે.
નેપાળથી તેમણે એક વીડિયો બનાવી સરકાર પાસે મદદ માગી હતી. સ્થાનિક કોર્પોરેટર ઉપેન્દ્રસિંહને આ માહિતી મળતાં તેમણે તમામ ફસાયેલા લોકોના સમાચાર મેળવી તાત્કાલિક ધારાસભ્ય જિતુ વાઘાણીને આ અંગે જાણ કરી હતી. જિતુ વાઘાણીએ ફસાયેલા લોકો સાથે ફોન પર વાત કરી અને સૌને સુરક્ષિત સ્થળે રહેવાની સૂચના આપી છે.
આપણ વાંચો: નેપાળ Gen-Z હિંસા મામલે ચીને શું કહ્યું? પોતાના નાગરિકોને આપી આવી સલાહ
અમદાવાદ જિલ્લાના કોઇપણ નાગરિકો હાલ નેપાળના પ્રવાસે હોય તો તે અંગેની જાણ તેમના સ્વજનો દ્વારા તુરંત હેલ્પલાઈન નંબર પર કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
આ ઉપરાંત નેપાળના કાઠમંડુ ખાતે ફસાયેલા ભારતીય પ્રવાસી નાગરિકો સંપર્કમાં હોય તો તેઓને કાઠમંડુ સ્થિત ભારતીય એમ્બેસીના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું હતું.
આપણ વાંચો: નેપાળનું Gen-Z વિરોધ પ્રદર્શન ભારત પર કેવી અસર કરશે? કરોડોના નુકસાનની આશંકા
દરમિયાન ભારત સરકાર અને ગુજરાત સરકાર પણ આ પ્રવાસીઓના સતત સંપર્કમાં છે. આ ઘટના અંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક કેન્દ્ર સરકાર સાથે સંપર્ક સાધ્યો હતો.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ફસાયેલા ગુજરાતી મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી હતી. ગુજરાતના પ્રવાસીઓને સુરક્ષિત પરત લાવવા માટે વહીવટી તંત્ર દેશના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું હતું.
- જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર- અમદાવાદઃ 079 27560511
- રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર – ગાંધીનગરઃ 079 23251900/902/914
- ભારતીય દૂતાવાસ, કાઠમંડુ – નેપાળઃ +977 – 980 860 2881, +977 981 032 6134