મુંબઈમાં ક્રિકેટ રમતી વખતે ગુજરાતી ઉભરતા કલાકારે ગુમાવ્યો જીવ, રંગભૂમિમાં ફરી વળ્યું શોકનું મોજું…

મુંબઈઃ મુંબઈની ગુજરાતી રંગભૂમિ માટે અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. મુંબઈના લાલબાગ વિસ્તારમાં રહેતા અને રંગભૂમિના આશાસ્પદ કલાકાર તેમજ આસિસ્ટન્ટ ડિરેક્ટર રૂપેશ મકવાણાનું રવિવારે ક્રિકેટ રમતી વખતે આકસ્મિક નિધન થયું છે. માત્ર ૩૦ વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાને કારણે થયેલી તેમની આ અણધારી વિદાયથી નાટ્યજગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મેદાન પર જ અંતિમ શ્વાસ લીધા
જાણીતા કલાકાર વિપુલ વિઠલાણીએ આપેલી માહિતી અનુસાર 11મી જાન્યુઆરીના રોજ રૂપેશ મકવાણા (30) તેના મિત્રો સાથે ઘાટકોપરના મેદાન પર ક્રિકેટ રમી રહ્યો હતો. રમત દરમિયાન અચાનક તેણે છાતીમાં બળતરાની ફરિયાદ કરી હતી. ઘરેલું ઉપચાર દ્વારા તેને થોડી રાહત આપવાનો પ્રયાસ થયો, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. મેદાન પર જ તેનું નિધન થયું હતું.
પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ
રૂપેશના પરિવારની વાત કરીએ તો તેમના માટે તો આ ઘટના અત્યંત હૃદયદ્રાવક છે. તેના પરિવારમાં માતા-પિતા અને એક ભાઈ હતા. જોકે, તેમના ભાઈનું નવ વર્ષ પહેલાં એક અકસ્માતમાં નિધન થયું હતું. આમ, રૂપેશ તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન અને ઘરનો સહારો હતો. વ્યવસાયે સરકારી નોકરી કરતા હોવા છતાં, નાટક અને સ્ટેજ પ્રત્યેના લગાવને કારણે તે રંગભૂમિ સાથે જોડાયેલો હતો.
રંગભૂમિની ટૂંકી પણ યાદગાર સફર
રૂપેશ મકવાણામાં એક શ્રેષ્ઠ અભિનેતા અને કુશળ ડિરેક્ટરના તમામ લક્ષણો હતા. તેમની કારકિર્દીની કેટલીક મહત્વની સિદ્ધિઓ વિશે વાત કરીએ તો રૂપેશે ‘યુગ પુરુષ’ અને ‘ભાગ્ય વિધાતા’ જેવા નાટકોમાં તેમણે કલાકાર તરીકે નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી.
મુંબઈ સમાચાર સાથે પણ રૂપેશનો ખાસ નાતો રહ્યો છે. એશિયાના સૌથી જૂના અખબાર ‘મુંબઈ સમાચાર’ દ્વારા આયોજિત નાટ્ય વર્કશોપથી તેમની રંગભૂમિ પ્રત્યેની રુચિ વધુ ગાઢ બની હતી. ‘પપ્પાને પ્રેમ છે, દીકરાને વ્હેમ છે’ અને ‘કેસ નંબર 99’ જેવા નાટકોમાં તેણે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળી હતી. ૨૦૨૫માં વિપુલ વિઠલાણીના નાટક ‘એક રમત સમય સાથે’માં તેણે આસિસ્ટન્ટ ડિરેક્ટર અને એક નાનકડો પણ અત્યંત પ્રભાવી રોલ કર્યો હતો, જેને પ્રેક્ષકોએ ખૂબ વખાણ્યો હતો.
‘મનુભાઈ દુલ્હનિયા લે જાયેંગે’, ‘અહિત’ અને ‘ધૂમ મચાવે ધમાલ’ જેવા નાટકો દ્વારા પોતાની ઓળખ ઉભી કરનાર રૂપેશને હજુ સ્ટેજ પર ઘણું સાબિત કરવાનું બાકી હતું. તેની આ વિદાયે ગુજરાતી રંગભૂમિમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ પાડી છે.
આપણ વાંચો: સિંગર અને એક્ટર પ્રશાંત તામાંગના નિધન પર પત્નીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું તેમનું મૃત્યુ એ…



