રાજ્યમાં માવઠાથી ૧૦ લાખ હેકટરથી વધુ વિસ્તાર અસરગ્રસ્તઃ સાત દિવસમાં સર્વે પૂર્ણ કરવા મુખ્ય પ્રધાનનો આદેશ | મુંબઈ સમાચાર
Top Newsઆપણું ગુજરાત

રાજ્યમાં માવઠાથી ૧૦ લાખ હેકટરથી વધુ વિસ્તાર અસરગ્રસ્તઃ સાત દિવસમાં સર્વે પૂર્ણ કરવા મુખ્ય પ્રધાનનો આદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)

ગાંધીનગરઃ રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી થઈ રહેલા કમોસમી વરસાદને લીધે કૃષિ પાકોને મોટા પાયે નુકસાની થઈ છે. ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળીયો છીનવાઈ ગયો છે. માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે મોટું પગલું લીધું હતું. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્ય પ્રધાન મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ઓક્ટોબર-૨૦૨૫ના છેલ્લા એક અઠવાડિયામાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાન તેમજ ખેડૂતોને ફરી બેઠો કરવા માટે આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

૧૦ લાખ હેકટરથી વધુ વિસ્તારમાં નુકશાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ

બેઠકમાં થયેલી ચર્ચા અંગે માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળેલા પ્રાથમિક અહેવાલ અનુસાર ગત તા. ૨૩ થી ૨૮ ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ૩૩ જિલ્લાના ૨૩૯ તાલુકામાં સમાન્યથી અતિભારે વરસાદ વરસ્યો હતો. જેમાં હાલના તબક્કે આશરે ૧૦ લાખ હેકટરથી વધુ વિસ્તારમાં નુકશાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે.

આ પણ વાંચો : કચ્છઃ માવઠાને લીધે ઇસબગુલ, કપાસ અને જીરું સહિતના પાકમાં ભારે નુકસાનીની ભીતિ

ખેડૂતોને ઝડપથી સહાય પૂરી પાડવાનો છે આશય

પ્રધાન વાઘાણીએ કહ્યું હતું કે, બેઠકમાં મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાને રાજ્યના ખેડૂતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમજ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લામાં તાત્કાલિક ધોરણે એસડીઆરએફના ધારાધોરણો મુજબ સર્વે શરૂ કરીને, તેને સાત દિવસમાં પૂર્ણ કરવા સૂચનાઓ આપી હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ ઉપરાંત તેમણે કહ્યું, ખેડૂતોને ઝડપથી સહાય પૂરી પાડવાના આશય સાથે અદ્યતન ટેકનોલોજી – કૃષિ પ્રગતિના માધ્યમથી ઝડપથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. ટેક્નોલોજીકલ સર્વે ઉપરાંત ભૌતિક સર્વે પણ હાથ ધરવામાં આવશે, જેથી રાજ્યનો કોઈપણ અસરગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય.

આ પણ વાંચો : ગીરમાં કમોસમી વરસાદ: મોઢવાડિયા-વાજાએ ખેતરોમાં જઈ નુકસાનીનો તાગ મેળવ્યો

ખેડૂતોને સહાય કરીને સરકાર ઉપકાર નહીં, પણ નૈતિક ફરજ નિભાવી રહી છે

રાજ્યમાં હજુ પણ જે ખેડૂતોનો પાક ઉભો છે, તે પાકના સંરક્ષણ માટે કૃષિ વિભાગ દ્વારા એક વિશેષ “એગ્રો એડવાઇઝરી” જિલ્લાવાર જાહેર કરવામાં આવી હતી. આ એડવાઇઝરીમાં વિવિધ ઊભા પાકની જાળવણી માટેના વૈજ્ઞાનિક પગલાંઓ સૂચવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ખેડૂતોને વિવિધ માધ્યમો દ્વારા યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવી રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું. અસરગ્રસ્ત ખેડૂતોને આસ્વસ્થ કરતા પ્રધાને કહ્યું હતું કે, ખેડૂતોને સહાય કરીને સરકાર તેમની પર ઉપકાર નહીં, પરંતુ પોતાની નૈતિક ફરજ નિભાવી રહી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજય સરકાર હર હંમેશ ખેડૂતોની પડખે રહી છે અને ભવિષ્યમાં પણ તેમની પડખે રહેશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button